રેસકોર્સના ફૂટબોલ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાની અને માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં શહેર કક્ષાની ઉજવણી
યોગ શરીર, મન અને આત્માને એકસૂત્રમાં જોડવાની પ્રક્રિયા છેઃ મંત્રી કુંવરજી બાવળિયા
- Advertisement -
યોગ સ્વસ્થ, સંતુલિત અને આનંદમય જીવન જીવવાની જીવનશૈલી છેઃ મેયર ડૉ. નેહલ શુક્લ
યોગ બોર્ડના નિષ્ણાત પ્રશિક્ષકોએ સૌને યોગ કરાવ્યાઃ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહથી જોડાઈને યોગમય બન્યા
- Advertisement -
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રવિવારે વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવી હતી. રેસકોર્સના ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહથી જોડાઈને યોગમય બન્યા હતા. આ અવસરે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ માત્ર એક વ્યાયામ, આસનોનો સમૂહ કે એક દિવસના કાર્યક્રમ પૂરતો સીમિત નથી. યોગ જીવનને યોગ્ય રીતે જીવવાની કળા છે. યોગ શરીર, મન અને આત્માને એકસૂત્રમાં જોડવાની પ્રક્રિયા છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે “યોગ કાર્યક્રમ” યોજાયો અને લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે એક્વાયોગ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સાંસદ રામભાઇ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર ડૉ. નેહલ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા સહિત શહેરની શાળા-કોલેજના વિધ્યાર્થીઓ, વિવિધ સેવાકીય સંસ્થાઓ, યોગ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, રમત-ગમતની વિવિધ સંસ્થાઓ, એન.સી.સી. કેડેટ્સ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.“૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે ત્યારે બંગાળથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે યોગ દિન નિમિતે સૌ દેશવાસીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, યોગ માત્ર કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક સંપૂર્ણ પદ્ધતિ છે. યોગ શરીર, મન અને આત્માને જોડીને વ્યક્તિને સ્વસ્થ, સંતુલિત અને સકારાત્મક જીવન તરફ દોરી જાય છે. વર્ષ ૨૦૨૬ની થીમ “Yoga for Healthy Ageing” (સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ) અંગે વડાપ્રધાને જણાવ્યું કે નિયમિત યોગાભ્યાસ વ્યક્તિને દરેક ઉંમરે સ્ફૂર્તિ, લવચીકતા અને માનસિક મજબૂતી પ્રદાન કરે છે. યોગ દ્વારા વ્યક્તિ લાંબા સમય સુધી સ્વસ્થ, સક્રિય અને આત્મનિર્ભર જીવન જીવી શકે છે. વડાપ્રધાનશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, યોગ કોઈ એક દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ દરેક નાગરિકના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનવો જોઈએ. યોગ તણાવમુક્ત જીવન, માનસિક શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે અસરકારક સાધન છે. તેમણે દેશ અને વિશ્વના નાગરિકોને યોગને જનઆંદોલન બનાવવા અપીલ કરતાં જણાવ્યું કે યોગ માનવજાતને એકતા, શાંતિ, આરોગ્ય અને સુખાકારી તરફ લઈ જનાર ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે.





