પાણીના પ્રવાહ અને સપોર્ટને કારણે અઘરા આસનો પણ સરળતાથી થયા; એક્વા યોગ રાજકોટની પરંપરા બની ગઈ છે: મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્સ સ્વિમિંગ પૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે એક અનોખું અને ભવ્ય ‘એક્વા યોગ’ (પાણીમાં યોગ) સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ આયોજનમાં શહેરની ૧૦૭ જેટલી મહિલા સ્વિમર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પાણીની અંદર અલગ-અલગ યોગાસનો કરીને અદ્ભુત નજારો સર્જ્યો હતો. વિશેષ વાત એ હતી કે, યોગ દિવસની સાથે મ્યુઝિકલ ડે પણ હોવાથી આ સમગ્ર સત્રને સંગીતના સથવારે મ્યુઝિકલ થીમ પર આધારિત રાખવામાં આવ્યું હતું.એક્વા યોગમાં જોડાયેલી મહિલાઓએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે, પાણીમાં યોગ કરવાના અગણિત ફાયદા છે. જે શારીરિક મુવમેન્ટ કે આસનો સામાન્ય રીતે જમીન ઉપર કરવામાં તકલીફ પડતી હોય અથવા શરીર ન વળતું હોય, તે પાણીના પ્રવાહ અને તેના નેચરલ સપોર્ટ (ઉત્પ્લાવક બળ)ને કારણે ખૂબ જ સરળતાથી અને આસાનીથી કરી શકાય છે. સંગીતના તાલે પાણીમાં યોગ કરવાનો અનુભવ અદ્ભુત અને સ્ફૂર્તિદાયક રહ્યો હતો.આ અનોખા આયોજન અંગે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, “રાજકોટની એક પરંપરા રહી છે કે મુખ્ય યોગ દિવસની ઉજવણી સાથે ‘એક્વા યોગ’ને પણ ખાસ જોડવામાં આવે છે. આ વર્ષે પણ અમારા સ્વિમિંગ પૂલ ખાતે મોટી સંખ્યામાં સ્વિમર્સ આ આયોજનમાં જોડાયા હતા. અમારી ટીમ દ્વારા સ્વિમિંગ સાથે યોગને જોડીને આખી વિશેષ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. સ્વિમિંગ સાથે યોગ કરવાથી તે શારીરિક તંદુરસ્તી માટે ટ્રેનિંગના એક અલગ સ્તર તરીકે કામ કરે છે અને તેનાથી શરીરને ખૂબ જ સારો ફાયદો થાય છે.”




