ઝવેરચંદ મેઘાણી એટલે ગુજરાતના લોકલાડીલા લેખક અને પ્રતિષ્ઠિત પત્રકાર. સાહિત્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, કવિ, અનુવાદક, સંપાદક, વિવેચક, સંશોધક અને ગાયક સાથે સ્વાતંત્ર્યસેનાની પણ ખરા. વિલાપી, તંત્રી, વિરાટ, શાણો, સાહિત્યયાત્રી, દ.સ.ણી. તેમના ઉપનામો. સુરવાલ, ઝભ્ભો, બંડીની સાથે પાછળ છોગું લટકતું હોય ને વાળની એક લટ આગળ આવે એ રીતે બાંધેલો સાફો તેમનો પહેરવેશ. વર્તન-વાતોમાંથી સૌરાષ્ટ્રની ખુમારી અને ખાનદાની ખળખળ કરતી વહે. તેમના બોલ કાને પડે તો કોઈનું પણ દિલ જીતી જાય, તેમનું લખેલું આંખે ચઢે તો કોઈપણ હૈયું હારી જાય. ઝવેરચંદ મેઘાણી એટલે સૌરાષ્ટ્રના પનોતા પુત્ર, શુદ્ધ સૌરાષ્ટ્રીયન. ઝવેરચંદ મેઘાણી વિશે તો શું-શું કહેવું અને શું-શું લખવું? ટૂંકમાં આપણા માટે ઝવેરચંદ મેઘાણી એટલે સૌરાષ્ટ્રના ચોટીલા, રાણપુર, બોટાદ ગામના સાવજ. આ સાવજની ગર્જના કાઠિયાવાડના ગામેગામથી લઈ છેક મુંબઈથી માંડી વિદેશ સુધી સંભળાય.

ઝવેરચંદ મેઘાણીની પત્રકારત્વ તરીકેની કારકિર્દી 1922માં શરૂ થઈ હતી. સૌરાષ્ટ્રથી વિદેશ અને વિદેશથી કલકત્તા અને કલકત્તાથી ફરી સૌરાષ્ટ્ર પરત ફરી તેમણે એ સમયના લોકપ્રિય સાપ્તાહિક સૌરાષ્ટ્રમાં મોતીની ઢગલીઓ, અમર રસની પ્યાલી અને ચોરાનો પોકારના મથાળાથી બેત્રણ લેખ મોકલ્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ મોકલેલા બધા જ લેખો વાંચી સૌરાષ્ટ્રના તંત્રી અમૃતલાલ શેઠે તેમને પોતાની સાથે જોડાવવાનું કહ્યું અને આજથી બરાબર સો વર્ષ અગાઉ જુલાઈ, 1922માં ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર સાપ્તાહિકમાં જોડાયા હતા. ચારેક વર્ષ બાદ, 1926 આસપાસ ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રમાંથી રાજીનામું આપી દીધું હતું. 1930માં સત્યાગ્રહની ચળવળમાં જોડાવવા બદલ પોલીસે ભૂલથી જોઘાણીને બદલે મેઘાણીને જેલમાં પૂરી દીધા હતા અને ઝવેરચંદ મેઘાણીને કોઈ કારણ વિના બે વર્ષ કારાવાસ ભોગવવો પડ્યો હતો.


1932માં ઝવેરચંદ મેઘાણી કકલભાઈ કોઠારી સાથે ફૂલછાબ સાપ્તાહિકમાં જોડાયા હતા પરંતુ સૌરાષ્ટ્રની જેમ ફૂલછાબને પણ વધુ પડતો રાજકીય રંગ લાગવાનો શરૂ થતા તેમણે થોડા જ વર્ષમાં સૌરાષ્ટ્રની જેમ ફૂલછાબમાંથી પણ રાજીનામું ધરી દીધું હતું. સૌરાષ્ટ્રમાંથી છૂટા થઈ ફૂલછાબમાં અને ફૂલછાબમાંથી છૂટા થઈ મુંબઈના જન્મભૂમિમાં ઝવેરચંદ મેઘાણી જોડાયા હતા. 9 જૂન, 1934થી અમૃતલાલ શેઠે જન્મભૂમિ દૈનિક શરૂ કર્યું, જેમાં પહેલા જ દિવસથી ઝવેરચંદ મેઘાણી જોડાઈ ગયા હતા. જન્મભૂમિમાં તેઓ સાહિત્યનું પાનું કલમ અને કિતાબ સંભાળતા હતા, તેનું સંપાદન કરતા હતા. જન્મભૂમિમાં જોડાયાના થોડા વર્ષ બાદ 1936માં ઝવેરચંદ મેઘાણી મુંબઈથી બોટાદ પરત ફરી ફૂલછાબમાં જોડાઈને તેના તંત્રી બની ગયા હતા. 1942માં અંગ્રેજ સરકારે ફૂલછાબ પ્રેસ જપ્ત કર્યું ત્યારે તેમણે પ્રેસને નિભાવવા માટે ફૂલછાબ પ્રકાશન શ્રેણી શરૂ કરેલી હતી. ઝવેરચંદ મેઘાણી 1945 સુધી ફૂલછાબના તંત્રી રહ્યા હતા.

ઝવેરચંદ મેઘાણીની 1922માં સૌરાષ્ટ્રના પત્રકારથી શરૂ કરેલી કારકિર્દી 1945માં ફૂલછાબના તંત્રી તરીકે પૂરી થાય છે. તેમણે 1945માં ફૂલછાબમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. 

ગુજરાતી ભાષામાં બે-અઢી દાયકાની સર્જન, લેખન અને સંશોધનપ્રવૃત્તિ દરમિયાન ઝવેરચંદ મેઘાણીનું મહત્તમ લખાણ ચિરંજીવ બની ગયું હતું. કારણ છે, મેઘાણીનું દરરોજ છાપામાં લખાતું લખાણ પસ્તીના ઢગલાંમાં ગૂમ થઈ જાય તેવું નહતું. તેમની કલમમાંથી કાયમ સાંપ્રત રહે તેવી કલાકૃતિ રચાતી ગઈ હતી. આજે પણ ઝવેરચંદ મેઘાણીના તંત્રીલેખ, લેખ તરોતાજા લાગે છે. એક સદી બાદ પણ સાંપ્રત સમયને અનુરૂપ જણાય આવે છે. ઝવેરચંદ મેઘાણીની મહત્તમ અમર રચનાઓ અખબારમાં છપાઈ છે. તંત્રીસ્થાનેથી ઝવેરચંદ મેઘાણીએ ફૂલછાબની નવી દશા-દિશા નક્કી કરી જેણે ગુજરાતી પત્રકારત્વમાં ચારચાંદ લગાવી દીધા હતા અને ફૂલછાબની લેખનસામગ્રીની સુવાસ અત્ર, તત્ર, સર્વત્ર ફેલાઈ ગઈ હતી. અખબારમાં કાર્ટૂન શરૂ કરવાનો અને કાર્ટૂનિસ્ટની પ્રતિભા પારખવાનો શ્રેય ઝવેરચંદ મેઘાણી ફાળે જાય છે. તેમના કાર્ટૂન ’મુખડા દેખો દર્પણ મેં’ પર કેસ થયેલો, તેમની ધરપકડ થયેલી, જોકે ઝવેરચંદ મેઘાણી ડર્યા-ઝૂક્યા નહતા તેમણે અદાલતમાં વટભેર કહી આપ્યું હતું, હું રાષ્ટ્રવાદી છું, કોમવાદનો કટ્ટર વિરોધી છું. આ કેસમાં તેમનો નિર્દોષ છૂટકારો થયેલો હતો.


સૌરાષ્ટ્ર અને ફૂલછાબમાં સૌ પ્રથમ પત્રકાર અને બાદમાં તંત્રી તરીકેની પ્રશંસનીય કામગીરી દરમિયાન ઝવેરચંદ મેઘાણીએ પત્રકારત્વ ક્ષેત્રે એક અસ્સલ કાઠિયાવાડી ભાત ઉભી કરી હતી. આજે પણ સૌરાષ્ટ્રનું પત્રકારત્વ અલગ તરી આવે છે, તેની ભાત અને છાટ કઈક વિશિષ્ટ ઉઠી આવે છે તેનો ફાળો ઝવેરચંદ મેઘાણીને જાય છે. ઘણા કારણોસર પત્રકારત્વજગતમાં ઝવેરચંદ મેઘાણીનું સ્થાન મુઠ્ઠી ઉંચેરુ બની ગયું હતું. તે સમયમાં તેઓ મોટાગજાના લેખક-પત્રકાર તરીકે લોકપ્રિય બની ગયા હતા. સૌરાષ્ટ્ર અને ફૂલછાબ પત્રો જ્યારે પરેશાનીમાં હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ તેમને પોતાની સૂઝબૂઝથી સંચાલન કરી ટકાવી રાખ્યા હતા. ખોબા જેવડા રાણપુર ગામમાંથી ખૂબ જ ઓછા સાધનો-યંત્રો દ્વારા પણ એમણે પત્રકારત્વ અને સાહિત્યના જે સોપાનો સર કર્યા છે તેની નોંધ વિશ્વભરમાં લેવાઈ છે. તેઓ એક મિશનરી એન્ડ વિઝનરી પત્રકાર હતા, અસત્ય અને અન્યાય સામે બેબાકપણે લખતા-બોલતા હતા, તેમની કલમ અને કિતાબમાંથી રાષ્ટ્રવાદનો કસૂંબલ રંગ ઢોળાતો રહેતો હતો.

ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર અને ફૂલછાબમાં હતા ત્યારે તેમના સોમવારથી ગુરુવાર ચાર દિવસ પત્રકારત્વના નામે, શુક્રવારથી રવિવાર ત્રણ દિવસ સાહિત્યના નામે રહેતા. સોમથી ગુરુ સમાચાર શોધવા-લખવાના અને શુક્રથી રવિ પ્રવાસ કરતાકરતા કવિતાઓ, વાર્તાઓ અને નવલકથાઓ લખવાના. દુહા, છંદ, ભજન, લોકગીતો અને લોકકથાઓની રમઝટ બોલાવવાની સાથેસાથે સમાચારો ફંફોસવાના. આમ, ઝવેરચંદ મેઘાણીનું આખું અઠવાડિયું પત્રકારત્વ અને સાહિત્યને સમર્પિત રહેતું, તેમનું આખું આયખું પણ પત્રકારત્વ અને સાહિત્યને સમર્પિત રહ્યું તેમ કહી શકાય. તેઓ જ્યારે જન્મભૂમિને અલવિદા કહી ફૂલછાબના તંત્રી બન્યા ત્યારે પોતાના ઘર બોટાદથી દરરોજ સવારે ટ્રેનમાં રાણપુર જતા હતા, રાત્રે રાણપુરથી ટ્રેનમાં બોટાદ ઘરે આવી જતા હતા. પત્રકાર તરીકે અવનવા સમાચાર શોધવા ઝવેરચંદ મેઘાણી ગ્રામ્ય પ્રદેશોમાં ભ્રમણ કરતા હતા. પત્રકારત્વનું કાર્ય કરતાકરતા તેઓ સાહિત્યના ક્ષેત્રમાં પણ પારંગત થતા ગયા હતા. ઝવેરચંદ મેઘાણીએ સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેની પાતળી ભેદરેખા ભૂંસી નાખી હતી.

ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર સાથે રાષ્ટ્રીય પત્રકારનું બિરુદ મળવું જોઈએ : મરણોપરાંત ભારતીય સર્વોચ્ચ સન્માનના પણ ખરા હકદાર


ઝવેરચંદ મેઘાણીએ વાર્તા, નવલકથા, નવલિકા, નાટક, જીવનચરિત્ર, ઈતિહાસ, પ્રવાસવર્ણન, સંશોધિત – સંપાદિત લોકસાહિત્ય, વિવેચન, લોકકથા અને લોકગીત જેવા અનેક વિષયો આવરી લઈ આશરે 88 જેટલા પુસ્તકો લખ્યા હતા. આથી મોટી વાત એ છે કે, ઝવેરચંદ મેઘાણીએ લખેલા પુસ્તકોની સંખ્યા સામે ઝવેરચંદ મેઘાણી પર લખાયેલા પુસ્તકોની સંખ્યા વધુ છે! ગુજરાતી સાહિત્ય ઉપરાંત ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રમાં તેમનું પ્રદાન અપૂર્વ અને અનન્ય રહ્યું છે. પત્રકારી જમાતના સાહિત્યકાર તરીકે ઓળખાયેલા ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર સાથે રાષ્ટ્રીય પત્રકારનું બિરુદ મળવું જોઈએ. 1928માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1946માં મહિડા પારિતોષિકથી સન્માનિત ઝવેરચંદ મેઘાણી મરણોપરાંત ભારતના સર્વોચ્ચ સન્માનના પણ ખરા હકદાર છે. 1922થી 1945 સુધી આશરે 23 વર્ષ પત્રકારત્વ ક્ષેત્રે પ્રદાન આપનાર ઝવેરચંદ મેઘાણી પત્રકારત્વને તીર્થક્ષેત્ર ગણતા હતા. તેઓ આજીવન પત્રકાર રહ્યા હતા છતાં પત્રકારત્વ તેમના માટે ક્યારેય વ્યવસાય હતો જ નહીં. જો પત્રકારત્વને તેમણે વ્યવસાય તરીકે લીધો હોતો તો આજે માત્ર માર્ગ, હોલ, બગીચાના નામ ઝવેરચંદ મેઘાણીના નહોતા, ઝવેરચંદ મેઘાણીના નામે આથીયે વધુ કઈકેટલુંય બોલતું હોતું. ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં ઝવેરચંદ મેઘાણી જેવા પત્રકાર ન ભૂતો, ન ભવિષ્યતી છે. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી પત્રકારત્વના અણમોલ ઝવેર છે.

વધારો : નીડર અને નિસ્વાર્થ પત્રકારત્વ કરનાર ઝવેરચંદ મેઘાણી ફૂલછાબના તંત્રી હતા ત્યારે એક ગોવિંદ નામનો બહારવટિયો ઝવેરચંદ મેઘાણીને અવારનવાર ધમકીઓ આપતો હતો. ગોવિંદની એવી ઈચ્છા હતી કે, તેના વિશે ઝવેરચંદ મેઘાણી તેમના પત્ર ફૂલછાબમાં કઈક સારુંસારું વખાણ કરતું લખે. ઝવેરચંદ મેઘાણી ગોવિંદ વિશે એક શબ્દ પણ સારો લખવા તૈયાર નહતા કારણ કે, આખાયે પંથકમાં ગોવિંદની છાપ ખરાબ હતી. ઝવેરચંદ મેઘાણી ગોવિંદ વિશે માત્ર સત્ય જ લખતા હતા અને સત્ય જ લખવા માગવા હતા. એકવાર જ્યારે ઝવેરચંદ મેઘાણી બોટાદ રેલવેસ્ટેશન પર હતા ત્યારે તેમને ગોવિંદ બહારવટિયો ભટકાય ગયો, ગોવિંદે મેઘાણી જોડે માથાકૂટ કરી અને હુમલો કરવાનો પ્રત્યન કર્યો ત્યાં જ ઝવેરચંદ મેઘાણીએ ગોવિંદ બહારવટિયાને પોતાના બથમાં લઈ ઢીબી નાખ્યો. બોટાદ રેલવેસ્ટેશન પર ઝવેરચંદ મેઘાણીએ ગોવિંદ બહારવટિયાની જાહેરમાં ધોલાઈ કરી ધૂળ ચાંટતો કરી મૂક્યો હતો.