પહેલી વાર 12 ટીમ અને 33 મેચ, ભારત ‘ગ્રુપ ઑફ ડેથ’માં, 14 જૂને પાકિસ્તાન સામે મુકાબલો
10મો વુમન્સ T-20 વર્લ્ડ કપ 12 જૂનથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થશે. પહેલી મેચ યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે.
- Advertisement -
ફાઇનલ 5 જુલાઈએ લોર્ડ્સમાં થશે. આ વખતે 12 ટીમ 24 દિવસમાં 33 મુકાબલા રમશે.
આ અત્યાર સુધીનો સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડ કપ હશે. ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ છે. ટીમે 2024માં પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા 6 ટ્રોફી સાથે ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. ભારત ક્યારેય ટ્રોફી જીતી શક્યું નથી. ટીમે 4 વખત સેમિફાઇનલ અને એક વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારત આ વખતે ગ્રુપ ઓફ ડેથમાં છે, જેમાં ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા જેવી ટીમો છે. ભારતની પ્રથમ મેચ 14 જૂને બર્મિંગહામમાં થશે.
2009માં પ્રથમ વખત વુમન્સ T-20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં યોજાયો હતો. ટુર્નામેન્ટમાં 8 ટીમો સામેલ હતી. યજમાન ઇંગ્લેન્ડ જ પ્રથમ ચેમ્પિયન બન્યું હતું. શરૂઆતના 3 વર્લ્ડ કપ સુધી 8 ટીમો રમતી હતી. 2014થી ટીમોની સંખ્યા વધીને 10 થઈ. 2026માં પ્રથમ વખત 12 ટીમો ભાગ લઈ રહી છે. ઇંગ્લેન્ડ 17 વર્ષ પછી વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. 12 ટીમોને 6-6ના બે ગ્રુપ A અને Bમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજમાં તમામ ટીમો એકબીજા સામે રમશે. ત્યારબાદ બંને ગ્રુપની ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ જીતનારી ટીમ ફાઇનલ રમશે.
- Advertisement -
ભારતીય ટીમ 14 જૂને પાકિસ્તાન સામેના મુકાબલાથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમનો સૌથી મોટો મુકાબલો 28 જૂને ઓસ્ટ્રેલિયા સામે થશે. 21 જૂને ભારત અને સાઉથ આફ્રિકા આમને-સામને થશે. ગ્રુપ-Aને આ વખતે ‘ગ્રુપ ઓફ ડેથ’ કહેવામાં આવી રહ્યું છે. તેમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમો છે. ભારતીય ટીમની કેપ્ટનશીપ હરમનપ્રીત કૌર કરશે. સ્ક્વોડમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ અને શ્રેયંકા પાટિલ જેવા ખેલાડીઓ છે.
પ્રથમ વખત શું થઈ રહ્યું છે?
પ્રથમ વખત 12 ટીમો : આ વુમન્સ T-20 વર્લ્ડ કપની પ્રથમ એડિશન હશે જેમાં 12 ટીમો ભાગ લેશે. આ પહેલા 10 ટીમો રમી હતી.
નેધરલેન્ડ્સનું ડેબ્યુ : નેધરલેન્ડ્સ પ્રથમ વખત વુમન્સ T-20 વર્લ્ડ કપ રમશે. ટીમે ગ્લોબલ ક્વોલિફાયરમાં ચોથું સ્થાન મેળવીને ટુર્નામેન્ટમાં જગ્યા બનાવી.




