કેન્દ્ર સરકારનું સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ ઠપ્પ થઈ જતાં 100થી વધુ લોકોએ એકઠા થઈને તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો
રોજગારી બગાડીને અને ભાડાના પૈસા ખર્ચીને દાખલા કઢાવવા માટે આવતા નાગરિકો માટે આ પરિસ્થિતિ માનસિક અને આર્થિક રીતે ત્રાસદાયક
- Advertisement -
ઓનલાઈન સિસ્ટમ ખોરવાય ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજે જન્મ અને મરણના દાખલા કઢાવવા આવેલા અરજદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારનું સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલ ઠપ્પ થઈ જતાં ૧૦૦થી વધુ લોકોએ કચેરીએ એકઠા થઈને તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
મળતી માહિતી મુજબ, દુર-દુરના ગામડાઓ અને અન્ય જિલ્લાઓમાંથી ૧૦૦ થી ૧૫૦ કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવેલા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ છેલ્લા કેટલાક દિવસોમાં ૩ થી ૪ વખત ધક્કા ખાઈ ચૂક્યા છે, છતાં તેમને ખાલી હાથે પરત ફરવું પડે છે. રોજગારી બગાડીને અને ભાડાના પૈસા ખર્ચીને આવતા સામાન્ય નાગરિકો માટે આ પરિસ્થિતિ માનસિક અને આર્થિક રીતે ત્રાસદાયક બની રહી છે. જ્યારે હોબાળાને પગલે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓએ પોતાની લાચારી વ્યક્ત કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, “જન્મ-મરણની નોંધણી માટેનું CRS પોર્ટલ દિલ્હી (કેન્દ્ર સરકાર) સ્તરેથી જ ટેકનિકલ ખામીના કારણે બંધ છે. આ સમસ્યા માત્ર રાજકોટ પૂરતી મર્યાદિત નથી. અમે પણ ઉપર રજૂઆત કરી છે, પરંતુ ઉપરથી અમને પણ કોઈ ચોક્કસ જવાબ કે સમય આપવામાં આવતો નથી કે પોર્ટલ ક્યારે શરૂ થશે. સિસ્ટમ ઓનલાઈન ન થાય ત્યાં સુધી અમે દાખલા ઈશ્યુ કરી શકીએ તેમ નથી.”
- Advertisement -
સીઆરએસ પોર્ટલ વારંવાર ડાઉન થવાની સમસ્યાને કારણે રોષે ભરાયેલા લોકોએ માંગ કરી છે કે જ્યારે ઓનલાઈન સિસ્ટમ ખોરવાય, ત્યારે તંત્ર દ્વારા કોઈ કામચલાઉ ઑફલાઈન કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને ૧૦૦-૧૫૦ કિલોમીટર દૂરથી ધક્કા ન ખાવા પડે. હાલ પૂરતી તો કચેરી ખાતે ચુસ્ત માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો વહેલી તકે પોર્ટલ શરૂ થાય તેવી રાહ જોઈ રહ્યા છે.




