સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું અનેરું મહત્ત્વ છે. કુંડલિની એટલે આપણા શરીરમાં રહેલી પરમશક્તિ જેને ચિતિશક્તિ પણ કહે છે. ઊર્જાનો અખૂટ ફુવારો પણ કહેવાય છે. કહળસંગજી એને ’સુરતા’ પણ કહેતા હતા. કુંડલિની શક્તિ જાગૃત થાય પછી સાધકે બીજું કશું જ કરવાની જરૂર રહેતી નથી. મૂલાધાર ચક્રમાં સાડા ત્રણ ગૂંચળા મારીને અધોમુખી અવસ્થામાં રહેલી પરમશક્તિને જાગ્રત કરીને, ઊંધી છે એમાંથી સીધી કરીને, આપણે છેક સહસ્રાર ચક્ર સુધી લઈ જવાની છે. આ માટેની વિધિ જરા પણ અટપટી કે અઘરી નથી, જો એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો એ એક સરળ વિધિ છે. ગંગાસતીના પતિ કહળસંગજી કુંડલિનીને કુંવારી સુરતાનાં નામે ઓળખાવે છે. આ કુંવારી સુરતાને સાધકે સુહાગણ બનાવાની છે. કહળસંગજી એક ભજનમાં લખી ગયા છે, “નાભિકમળથી ચલી સુર ઉલટ દમ લગાયા હૈ. રણઝણ રણઝણ હુઆ રણકારા. સુરત શૂન્ય સમાયા હૈ.” આ ભજનમાં કહળસંગજીએ કુંડલિની જાગરણનો આખો નુસખો ક્રમવાર બતાવી દીધો છે. નાભિકમળ એટલે મણિપુર ચક્ર. અહીંથી જ સુરતાની સાથે સાથે કુંડલિની શક્તિ ઉત્થાન પામે છે. અધોગામી પ્રાણની ગતિ હવે ઉર્ધ્વગામી બને છે અને ધીમે ધીમે અનાહત નાદ સંભળાવા લાગે છે. જાગૃત થયેલી સુરતા જ્યારે તુરીય અવસ્થા એટલે કે ચતુર્થાવસ્થામાં જોડાઈ જાય છે એ પછી તે આજ્ઞા ચક્રમાં આસન જમાવે છે. આ અવસ્થા સુખ-દુ:ખથી પર છે. રાગ દ્વેષથી દૂર છે. આજ્ઞા ચક્રથી ઉપર જતા સહસ્રાર ચક્ર આવે છે. જ્યાં શિવજીનું સ્થાન છે. અહીં કુંડલિની એટલે કે પાર્વતી સહસ્રાર ચક્રમાં બિરાજમાન શિવજીની સાથે જોડાઈ જાય છે. અહીં સુરતા અને આત્માનું મિલન થાય છે. આ અવસ્થા પ્રાપ્ત થયા પછી સત્, ચિત્, આનંદ પામી શકાય છે. આ અવસ્થાને જ અલખ નિરંજનની સ્થિતિ કહે છે. આ પરમ આનંદનું પથ ગણાય છે. એ પછી સાધકે જીવનમાં કશું જ કરવા જેવું રહેતું નથી.
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Follow US
Find US on Social Medias


