વળતર બાબતે પીડિત પરિવારો અને એર ઈન્ડિયાનો ઈ-મેઈલ વ્યવહાર ખાનગી છે, જેની જાહેર ચર્ચા અયોગ્ય છે: ઋષભ રૂપાણી
પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થવા છતાં હજુ સુધી તપાસનો સત્તાવાર રિપોર્ટ જાહેર ન થતાં પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં ઋષભ રૂપાણીએ જણાવ્યું કે, તપાસ હાલમાં ચાલુ હોવાથી આ મુદ્દે ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, તપાસ એજન્સીઓ, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અને ભારત સરકારની તમામ સંસ્થાઓ પોતાનું કામ કરી રહી છે. અમને તેમની કામગીરી પર સંપૂર્ણ શ્રદ્ધા છે અને તપાસનું પરિણામ ચોક્કસ આવશે. સૌએ આ એજન્સીઓને સહયોગ આપવો જોઈએ.
આજથી એક વર્ષ પૂર્વે અમદાવાદમાં અઈં-171 પ્લેન ક્રેશમાં વિજય રૂપાણી સહિત 242 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. 12 જૂન 2025ના રોજ બનેલી ભયાનક પ્લેન દુર્ઘટનાને હવે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ઋષભ રૂપાણીએ પિતા સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પરિવાર તરફથી પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા તમામ 270 મૃતાત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ પરિવારો પ્રત્યે પ્રેમ અને સંવેદના વ્યક્ત કરી હતી. પ્રથમ વરસી નિમિત્તે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ ‘ખાસ-ખબર’ના એડિટર કિન્નર આચાર્ય અને મેનેજિંગ ડિરેક્ટર પરેશભાઈ ડોડીયા સાથે પોતાન પિતાના જીવનમૂલ્યો, તેમના સેવાકીય વારસા અને પરિવાર પર પડેલી અસર અંગે ભાવુક રીતે વાત કરી હતી. ેઆ ચર્ચા દરમિયાન ‘ખાસ-ખબર’થી પૂછાયેલા વિમાન દુર્ઘટનાની તપાસ અને એર ઈન્ડિયા સાથે વિજયભાઈની પુત્રી રાધિકાની વાતચિત અંગે રૂષભ રૂપાણીએ ખુલાસો કર્યો હતો કે, પ્લેન દુર્ઘટનાની તપાસ હજુ ચાલું હોવાથી તેના વિશે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. આ બાબત એર ઈન્ડિયા અને પીડિત પરિવારો વચ્ચેની છે. કંપની દરેક પીડિત પરિવાર સાથે સંપર્કમાં છે. આ બાબત પબ્લિક ડોમેઈનમાં ન હોય અને તેની જાહેર ચર્ચા પણ ન હોય. સરકાર અને તપાસ એજન્સીઓ પર તેમને સંપૂર્ણ વિશ્ર્વાસ છે અને સત્તાવાર અહેવાલ આવ્યા બાદ જ સત્ય સામે આવશે. વિમાન દુર્ઘટનામાં મૃતકના પરિવાર અને એર ઈન્ડિયા – ટાટા ટ્રસ્ટ વચ્ચે કોમ્યુનિકેશન ચાલું છે. વળતર બાબતે પીડિત પરિવારો વચ્ચે ચાલતું કોમ્યુનિકેશન પ્રાઇવેટ છે તેથી પબ્લિક ડોમેઈનમાં હોવું ન જોઈએ. વિમાન દુર્ઘટનાની કોઈપણ બાબતને પ્રોત્સાહન આપવું કે તેમાં ઊંડું ઉતરવું યોગ્ય ન હોવાનું ઋષભ રૂપાણીએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.




