શહેર અને જિલ્લામાં 15901 વિદ્યાર્થીઓનો આજે ધોરણ 1 અને બાલવાટિકામાં પ્રવેશ થયો
પી.એમશ્રી વિનોબાભાવે પે.સે.શાળા નં-93માં મેયર ડૉ. નેહલ શુક્લ સહિતના ભાજપના આગેવાનો સહિતનાઓએ ધોરણ-૧માં પ્રવેશ મેળવતા નાના-નાના ભૂલકાઓને આવકાર્યા
- Advertisement -
રાજકોટ શહેર અને જિલ્લાની 800થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આજે 23 જૂનના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જેને પ્રગતિનો પ્રવેશોત્સવ નામ આપવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને આવકારવા માટે મહાનુભાવો પહોંચ્યા હતાં. શહેર અને જિલ્લામાં 15901 વિદ્યાર્થીઓનો આજે ધોરણ 1 અને બાલવાટિકામાં પ્રવેશ થયો છે.રાજકોટમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલ ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત આજે સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમંગભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પી.એમશ્રી વિનોબાભાવે પે.સે.શાળા નં-93માં મેયર ડૉ. નેહલ શુક્લ સહિતના ભાજપના આગેવાનો સહિતનાઓએ ધોરણ-૧માં પ્રવેશ મેળવતા નાના-નાના ભૂલકાઓને આવકાર્યા હતા. ત્યારે રાજકીય-સામાજિક અગ્રણીઓ, વહીવટી અધિકારીઓ અને કેળવણીકારોએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના પ્રથમ પગથિયે પગ મૂકતા જ નવોદિત વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને, મોં મીઠું કરાવીને અને ગુલાબનું ફૂલ આપીને ખૂબ જ વ્હાલપૂર્વક આવકારવામાં આવ્યા હતા. બાળકોનો ભણતર પ્રત્યેનો ઉત્સાહ અને આનંદ બેવડાય તે માટે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ નવપ્રવેશિતોને શૈક્ષણિક કીટ, આકર્ષક દફતર અને પાઠ્યપુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મેયરઅને અન્ય મહાનુભાવોએ વાલીઓ સાથે સીધો સંવાદ સાધીને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા અનુરોધ કર્યો હતો. સરકારી શાળાઓમાં ૧૦૦% નામાંકન (શત-પ્રતિશત પ્રવેશ) થાય અને ડ્રોપ-આઉટ રેશિયો ઘટે તેવા મક્કમ ઉદ્દેશ સાથે યોજાયેલો આ કાર્યક્રમ, રંગબેરંગી ફુગ્ગાઓ, તોરણો અને શરણાઈના સૂર વચ્ચે બાળકો અને વાલીઓ માટે એક ઉત્સવ સમાન બની રહ્યો હતો. પ્રવેશોત્સવ અંતર્ગત વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને તિલક કરી, કંકુ પગલા કરાવી, ફૂલહાર પહેરાવી અને શૈક્ષણિક સામગ્રી અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકો માટે આનંદદાયક અને પ્રેરણાદાયી વાતાવરણ સર્જવા રંગોળી, બલૂન ડેકોરેશન, બાળમિત્ર સજાવટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા વિવિધ યોગાસનોની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. નાનાં ભૂલકાઓની આત્મવિશ્વાસપૂર્ણ અને આકર્ષક રજૂઆતને ઉપસ્થિત મહાનુભાવો તથા વાલીઓએ તાળીઓના ગડગડાટ સાથે બિરદાવી હતી. યોગ દ્વારા બાળપણથી જ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬ અંતર્ગત ડોર-ટુ-ડોર સર્વેક્ષણ દરમિયાન ૧૦૦ ટકા નામાંકનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે નિષ્ઠાપૂર્વક, ઉત્સાહભેર અને પ્રશંસનીય કામગીરી બજાવનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા. તેમના કાર્યને બિરદાવી અન્ય કાર્યકરોને પણ પ્રેરણા પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.રાજકોટ મહાનગરપાલિકાનો સતત પ્રયાસ છે કે શહેરનો કોઈપણ બાળક પ્રારંભિક શિક્ષણ, પોષણ અને આરોગ્ય જેવી પાયાની સેવાઓથી વંચિત ન રહે. “આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬” જેવા પ્રોત્સાહક અને પ્રેરક અભિયાનો થકી વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે, બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે અને સુપોષિત, શિક્ષિત તથા સ્વસ્થ સમાજના નિર્માણના ધ્યેયને વધુ ગતિ મળે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.





