સાર્થક સ્કવેર બિલ્ડિંગમાં નિયમોનો સરેઆમ ઉલાળિયો કરાયો?
RERAને પણ સાર્થક સ્કવેરના બિલ્ડરે ઊંધા ચશ્માં પહેરાવ્યા: પ્લાન કંઈક, બાંધકામ સાવ અલગ
- Advertisement -
શેરી-ગલીના નાનાં ગેરકાયદે બાંધકામમાં રસ લેતી TP શાખા તોસ્તાન બિલ્ડિંગ મુદ્દે કેમ ખામોશ?
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના એસ્ટ્રોન ચોક સર્કલથી અમીન માર્ગ તરફ જવાના રસ્તે સાર્થક સ્કવેર નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ગેરકાયદે બાંધકામ કર્યા અંગેનો અહેવાલ ‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ કરવામા આવ્યો હતો. આ સમગ્ર મામલે ‘ખાસ-ખબર’ દ્વારા વધુ વિગતો મેળવવાની કોશિશ કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું છે કે, હકીકતમાં એસ્ટ્રોન ચોક પાસે આવેલા સાર્થક સ્કવેર નામના કોમર્શિયલ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોરની મંજૂરી મેળવી ગ્રાઉન્ડ પ્લસ 4 ફ્લોર ખડકી નાખવામાં આવેલા છે. ઉપરાંત સાર્થક સ્કવેર કોમ્પ્લેક્સમાં સેલર પાર્કિંગ અને અન્ય સેફ્ટીના નિયમોનો પણ સરેઆમ ઉલાળિયો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સાર્થક સ્કવેરના બિલ્ડરો દ્વારા મનપા ટાઉન પ્લાનિંગ શાખામાં ઓનલાઈન ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોરની મંજૂરી મેળવવામાં આવી હતી. ત્યારબાદ સાર્થક સ્કવેરના બિલ્ડર દ્વારા ચાલાકીપૂર્વક એફએસઆઈ વધારી, એફએસઆઈનો દુરુપયોગ કરીને ડબલ હાઈટ મેળવી ગેરકાયદે વધારાના ફ્લોર ખડકી નાખવામાં આવ્યો છે. બિલ્ડર દ્વારા વારંવાર બિલ્ડિંગ પ્લાન રિવાઈઝ કરીને સાર્થક સ્કવેર કોમર્શિયલ કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ પ્લસ 4 ફલોર બનાવી તો નાખવાની ઘટના તો ચોંકવનારી છે જ એથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે મનપા ટાઉનપ્લાનિંગ વિભાગને સાર્થક સ્કવેરનું ગેરકાયદે બાંધકામ કેમ દેખાતું નથી?
શું હવે શહેરમાં 2 માળની મંજૂરી લઈ 4 માળનું બાંધકામ કરી શકાશે?
સાર્થક સ્કવેરના બિલ્ડરો દ્વારા મનપામાંથી ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોરના બાંધકામની મંજૂરી મેળવવામાં આવી છે. પણ પાછળથી યુક્તિ-પ્રયુક્તિ અજમાવી બિલ્ડર દ્વારા સાર્થક સ્કવેરમાં ગ્રાઉન્ડ પ્લસ 4 ફ્લોરનું બાંધકામ કરવામાં આવ્યું છે. બાંધકામ અધિનિયમ મુજબ જો ગ્રાઉન્ડ પ્લસ 4 ફ્લોર હોય તો સેલર પાર્કિંગ હોવું અનિવાર્ય છે. સાર્થક સ્કવેરમાં સેલર તો ઠીક જનરલ પાર્કિંગ પણ પૂરતું નથી. અધૂરામાં પૂરું મનપાને પણ આ ગેરકાયદે બાંધકામ મામલે ભેદી કારણોસર કોઈ વાંધો જણાઈ રહ્યો હોય એવું લાગતું નથી એટલે હવે અવનવી યુક્તિ-પ્રયુક્તિ અજમાવી શહેરમાં 2 માળની મંજૂરી મેળવી 4 માળ કોઈ પણ ખડકી શકશે એવું લાગી રહ્યું છે.
- Advertisement -
‘રેરા’ની સાઈટમાં પણ ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોરની જ વિગતો દર્શાવાઈ!
સાર્થક સ્કવેર પ્રોજેક્ટની ઉંડાણપૂર્વક વિગત મેળવવા રેરાની વેબસાઈટ તપાસવામાં આવી હતી. રેરાની વેબસાઈટમાં સાર્થક કોમર્શિયલ પ્રોજેક્ટના પ્લાન, લેઆઉટ, બ્રોશર વગેરેમાં ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોરની વિગત જ ઉપલબ્ધ છે. મતલબ કે સાર્થક સ્કવેરના બિલ્ડર દ્વારા ન માત્ર મનપા જ પરંતુ રેરાને પણ ઊંધા ચશ્માં પહેરાવવામાં આવ્યાં છે. અલબત્ત અહીં શો રૂમ કે ઓફિસ ખરીદનારને પણ અંધારામાં રાખીને ગેરકાયદે કરેલા બાંધકામનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાર્થક સ્કવેર કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી પણ માત્ર ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોરનું મળેલું છે.