ખાસ-ખબર સંવાદદાતા
વિજયરથ ઉપર સવાર લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મંગળવારે જ્યારે આઇપીએલની લીગ મેચમાં આમને સામને થશે ત્યારે આ મુકાબલો લોકેશ રાહુલ અને ક્વિન્ટન ડી કોક વિરુદ્ધ દિનેશ કાર્તિક અને મેક્સવેલના શાનદાર ફોર્મ વચ્ચેનો બની શકે છે.
- Advertisement -
લખનઉની ટીમે છેલ્લે મુંબઇ ઇન્ડિયન્સને અને બેંગ્લોરે દિલ્હીને પરાજય આપ્યો હતો. બન્ને ટીમના છ મેચમાં આઠ પોઇન્ટ છે અને બન્ને પોતાની વિજયકૂચ આગળ વધારવા આતુર રહેશે. પ્રથમ મેચ બાદ બેંગ્લોરનો સુકાની ડુ પ્લેસિસ મોટી ઇનિંગ રમી શક્યો નથી. વિરાટ કોહલી પણ સામાન્ય સ્કોરે આઉટ થઈ જાય છે. કોહલી ફોર્મમાં હોવા છતાં તે મોટી ઇનિંગ રમી શક્યો નથી. મેક્સવેલના સામેલ થવાથી બેંગ્લોરની બેટિંગ વધારે મજબૂત બની છે. તેણે દિલ્હી સામે 34 બોલમાં 55 રન ફટકાર્યા હતા. કાર્તિક મોટા ભાગની તમામ મેચમાં મેચફિનિશરની ભૂમિકા અદા કરી રહ્યો છે.
આઇપીએલની વર્તમાન સિઝનમાં કાર્તિકનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે. તેણે ઢગલો રન બનાવ્યા છે જેના કારણે બેંગ્લોર ટોપ-4 ટીમમાં સામેલ છે. શાહબાઝ એહમદે પણ તમામને પ્રભાવિત કર્યા છે. બોલિંગમાં જોશ હેઝલવૂડે દિલ્હી સામે ચુસ્ત સ્પેલ નાખીને મેચનું પરિણામ ફેરવી નાખ્યું હતું. ડેથ ઓવર્સનો નિષ્ણાત ગણાતો હર્ષલ અપેક્ષા મુજબ વિકેટ હાંસલ કરી શક્યો નથી. લખનઉનો સુકાની રાહુલ અત્યાર સુધીમાં 235 રન બનાવી ચૂક્યો છે અને તે શાનદાર ફોર્મમાં છે.
જોસ બટલરનાં 103 રન અને ચહલની હેટ્રિક : RRનો KKR સામે 7 રને વિજય
બટલરના 103 રન અને ચહલની હેટ્રિક છતાં કોલકાતાની જોરદાર લડતને કારણે ભારે રોમાંચક બનેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે આખરી બે બોલ બાકી હતા, ત્યારે સાત રનથી જીત હાંસલ કરી હતી. 218ના ટાર્ગેટનો પીછો કરતાં કોલકાતા 19.4 ઓવરમાં 210માં સમેટાયું હતુ. આખરી ઓવરમાં કોલકાતાને જીતવા 11 રનની જરુર હતી અને તેમની બે વિકેટ સલામત હતી, ત્યારે મેકોયના પહેલા બોલે બે રન બાદ બીજા બોલે જેક્સન(8) કેચ આઉટ થયો હતો. ત્રીજા બોલે એક રન બાદ ચોથા બોલે તેણે ઉમેશને ક્લિન બોલ્ડ કરતાં ટીમને જીતાડી હતી. 218ના ટાર્ગેટનો પીછો કરતાં કોલકાતા તરફથી શ્રેયસ ઐયરે 51 બોલમાં 85 અને ફિન્ચે 28 બોલમાં 58 રન ફટકાર્યા હતા. કોલકાતાએ 180માં 8 વિકેટ ગુમાવી હતી.
- Advertisement -
ઉમેશ યાદવે બે છગ્ગા અને 1 ચોગ્ગો ફટકારતાં મેચ રોમાંચક બનાવી હતી, પણ તે ટીમને જીતાડી શક્યો નહતો. ચહલે પાંચ વિકેટ ઝડપી હતી. અગાઉ ઈંગ્લેન્ડના બેટ્સમેન બટલરે સિઝનની બીજી સદી સાથે 61 બોલમાં 103 રનની ઈનિંગ રમીને રાજસ્થાન રોયલ્સને કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આઇપીએલ ટી-20માં પાંચ વિકેટે 217ના સ્કોર સુધી પહોંચાડયું હતુ. બટલરની સાથે હેતમાયરે 13 બોલમાં અણનમ 26 રન ફટકાર્યા હતા. જ્યારે સંજુ સેમસને 19 બોલમાં 38 રન કર્યા હતા. કોલકાતાની બોલિંગ અત્યંત કંગાળ રહી હતી. વરૃણ ચક્રવર્થીએ બે ઓવરમાં 30 અને રસેલે બે ઓવરમાં 29 રન આપ્યા હતા.


