વિદ્યાર્થી આંદોલનોથી લઈને સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણી, ભાજપના મીડિયાસેલના અગ્રણી તેમજ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ નાણામંત્રી, ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ માનનીય વજુભાઈ વાળા સાહેબના અંગત મદદનીશ તરીકે વર્ષો સુધી સરકાર તેમજ સંગઠનમાં રહી કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા તેજસભાઈ ભટ્ટીનો આજે જન્મદિવસ છે. આ તકે તેમના મિત્રો, શુભેચ્છકો, સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓના કાર્યકરો દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. વિદ્યાર્થી જીવનથી જ નેતૃત્વના ગુણો ધરાવતા તેજસભાઈએ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના હક્ક માટે અનેક લડતો લડી સમાજમાં આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિવિધ પ્રશ્નો, ખાસ કરીને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં એલ.કે.જી. અને કે.જી.માં ઇન્ટરવ્યૂ તથા ડોનેશન પ્રથાનો વિરોધ, ફી વધારાના મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો અને આંદોલનો સહિતના અનેક પ્રશ્નોમાં તેમણે અગ્રેસર ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થી હિતને કેન્દ્રસ્થાને રાખી તેઓએ સતત સંઘર્ષ કરીને અનેક વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો હતો.
- Advertisement -
વિરાણી હાઈસ્કૂલમાં પ્રિફેક્ટ તરીકે પસંદગી થવી તેમજ એન.સી.સી.માં ‘બેસ્ટ ફાયરિંગ’ એવોર્ડ મેળવવા જેવી સિદ્ધિઓ દ્વારા તેમણે વિદ્યાર્થી જીવનમાં પણ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. બાળપણથી જ સંગઠનાત્મક નેતૃત્વની ભાવના ધરાવતા તેજસભાઈએ વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે દરેક સ્તરે સૌને સાથે રાખીને કાર્ય કર્યું છે. સ્થાનિકથી લઈને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના વિદ્યાર્થી આંદોલનોમાં પણ તેઓ સક્રિય રહ્યા છે. ફી વધારો વિરોધી આંદોલન, વિરાટ વિદ્યાર્થી મોરચો તેમજ દેશહિતના વિવિધ આંદોલનોમાં તેમણે વ્યક્તિગત સ્વાર્થને બાજુએ રાખીને વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતના હિત માટે સતત સંઘર્ષ કર્યો હતો.
તેજસભાઈ ભટ્ટી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, સરગમ ક્લબ, થનગનાટ ગ્રુપ સહિત અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે વર્ષોથી સક્રિય રીતે જોડાયેલા છે. તેમના સંગઠનાત્મક અનુભવ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે તેઓ વિવિધ ક્ષેત્રોમાં લોકપ્રિય બન્યા છે. હાલમાં તેઓ સમસ્ત હિંદુ સમાજને સનાતન સંસ્કૃતિ સાથે વધુ મજબૂત રીતે જોડવાના ઉદ્દેશ સાથે નિર્માણાધીન ભવ્ય ભવાની ધામ મંદિર પ્રકલ્પમાં કન્વીનર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાતમાં આસ્થાના વિશાળ કેન્દ્ર તરીકે ઉભરી રહેલા આ પ્રકલ્પમાં તેઓ તન-મન-ધનથી સેવા આપી રહ્યા છે.
વજુભાઈ વાળા, ચીમનભાઈ શુક્લ, શિવલાલભાઈ વેકરીયા, વિજયભાઈ રૂપાણી, ગોવિંદભાઈ પટેલ અને ભીખુભાઈ દલસાણીયા સહિતના સિનિયર આગેવાનો દ્વારા હંમેશા માર્ગદર્શન મેળવીને સંગઠનના વારસાને જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. રાજકોટ ઉપરાંત ગુજરાત અને અન્ય રાજ્યોમાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી તેમણે અનેક સંસ્થાઓ, આગેવાનો અને સમાજસેવીઓ સાથે કાર્ય કરીને બહોળો અનુભવ મેળવ્યો છે. તેમના સરળ સ્વભાવ, હંમેશા હસતા ચહેરા અને સહયોગી વલણને કારણે તેઓ “મિત્રોના મિત્ર” તરીકે પણ ઓળખાય છે. તેમના જન્મદિવસ નિમિત્તે સમાજના અગ્રણી આગેવાનો, મિત્રો, શુભેચ્છકો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સમાજસેવાના કાર્યમાં સતત નવી ઊંચાઈઓ સર કરવાની શુભકામનાઓ પાઠવી છે.
વિદ્યાર્થી હિતથી સમાજસેવા સુધીની યાત્રાને સમર્પિત, સંઘથી સમાજ અને સહકારથી સરકાર સુધી સૌના સાથી એવા તેજસભાઈ ભટ્ટીને ખાસ-ખબર પરિવાર તરફથી જન્મદિવસની શુભકામના.




