રાજકોટમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવને પ્રોત્સાહન: RMC અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની અનોખી પહેલ
QR કોડથી ઓનલાઈન નોંધણીની સુવિધા : પર્યાવરણ સંરક્ષણ માટે નાગરિકોને જોડાવા અપીલ
- Advertisement -
આ માત્ર મૂર્તિ વિતરણનો કાર્યક્રમ નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારીનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ છે : મેયર ડૉ. નેહલ શુક્લ
શિક્ષણ સંસ્થાઓનું કાર્ય માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવાનું નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું પણ છે : ડી.વી. મહેતા
પર્યાવરણનું સંરક્ષણ, પ્રાકૃતિક સંસાધનોનું જતન અને સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સંયુક્ત રીતે એક અનોખી અને પ્રેરણાદાયી
પહેલ હાથ ધરી છે. આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને શહેરના નાગરિકો વધુમાં વધુ ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવે તે માટે કુદરતી માટીમાંથી તૈયાર કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે.
આ અભિયાનની વિગતો રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારોએ પત્રકાર પરિષદમાં આપી હતી.
- Advertisement -
મેયર ડૉ. નેહલ શુક્લે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેની સામાજિક જવાબદારી નિભાવવાના ઉદ્દેશ સાથે સતત વિવિધ જનજાગૃતિ અભિયાનો ચલાવી રહી છે. ખાસ કરીને
ગણેશોત્સવ બાદ પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓના જળાશયોમાં થતા વિસર્જનથી પાણી અને પર્યાવરણને થતું નુકસાન અટકાવવા હવે માટીની મૂર્તિઓનો ઉપયોગ સમયની માંગ બની ગયો છે.
તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરના વધુમાં વધુ પરિવારોને ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી વિસર્જન બાદ જળાશયો અને પર્યાવરણ પર કોઈપણ પ્રકારની હાનિકારક
અસર ન થાય. પર્યાવરણની જાળવણી માટે આ એક નાનકડું પરંતુ અસરકારક પગલું સાબિત થશે.
આ અભિયાન અંતર્ગત આશરે એક ફૂટ ઊંચાઈની ઉચ્ચ ગુણવત્તાની માટીની ગણેશજીની મૂર્તિઓ નહીં નફો, નહીં નુકસાનના ધોરણે માત્ર રૂ. 500ના ટોકન દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કુદરતી માટીમાંથી તૈયાર કરવામાં
આવેલી આ મૂર્તિઓનું ઘરઆંગણે જ ટબમાં સરળતાથી વિસર્જન કરી શકાય છે, જેના કારણે નદી, તળાવ કે અન્ય જળાશયોમાં પ્રદૂષણ ફેલાતું નથી.
મેયરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ માત્ર મૂર્તિ વિતરણનો કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર શહેરમાં પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારીનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ છે. ગણેશોત્સવ જેવા પવિત્ર તહેવારને પણ પ્રકૃતિને અનુકૂળ
રીતે ઉજવી શકાય તેવો સંદેશ આ અભિયાન દ્વારા આપવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને પ્રદૂષણમુક્ત પર્યાવરણ આપવાની જવાબદારી દરેક નાગરિકની છે. રાજકોટ શહેર
હંમેશા સામાજિક અને પર્યાવરણીય પહેલોમાં અગ્રેસર રહ્યું છે અને આ અભિયાનને પણ નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે શિક્ષણ સંસ્થાઓનું કાર્ય માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવાનું નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું પણ છે. આ અભિયાન દ્વારા
વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર સમાજમાં પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. આગામી વર્ષોમાં પણ આવા લોકહિતના કાર્યક્રમોને વધુ વ્યાપક સ્વરૂપે યોજવાની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું.
નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ અભિયાન માટે QR કોડ આધારિત ઓનલાઈન નોંધણી વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા નાગરિકો QR કોડ સ્કેન કરીને સરળતાથી નોંધણી કરાવી શકશે તેમજ મૂર્તિ
મેળવવાની પ્રક્રિયા અને અન્ય માહિતી પણ જાણી શકશે. રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શહેરના તમામ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા, માટીની ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિને
પ્રાધાન્ય આપવા અને પર્યાવરણના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી છે. આ પ્રસંગે રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લ ઉપરાંત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા, અવધેશભાઈ કાનગડ,
અજયભાઈ પટેલ અને ઉર્વેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.




