પીપળે જળ અર્પણ કરી પિતૃમોક્ષ માટે પ્રાર્થના, સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રસાદ અને ચા-પાણીની વ્યવસ્થા
રાજકોટ નજીક ત્રંબા ખાતે આજે ઋષિ પંચમી નિમિત્તે પરંપરાગત એક દિવસીય મહિલા મેળો યોજાયો હતો. ત્રંબાની ત્રિવેણી નદીના કિનારે યોજાયેલા આ મેળામાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે જોડાયેલા આ મેળામાં લાખો મહિલાઓએ ત્રિવેણી નદીમાં સ્નાન કરી ધાર્મિક વિધિ-વિધાન કર્યા હતા. ઋષિ પંચમીના પવિત્ર દિવસે મહિલાઓ ત્રિવેણી નદીમાં સ્નાન કરી શુદ્ધિની ધાર્મિક પરંપરા નિભાવે છે. ત્યારબાદ નદી કિનારે આવેલા પીપળાના વૃક્ષને જળ અર્પણ કરી પિતૃમોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવે છે. મહિલાઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મેળામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને યુવા સંગઠનો દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. સથવારા ફાઉન્ડેશન, ગુંદાવાડી-રાજકોટ દ્વારા મેળામાં આવનાર મહિલાઓ માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત તંબકેશ્વર યુવા ગ્રુપ દ્વારા પણ મેળામાં ચા-પાણીના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે અને ગરમી તથા થાક વચ્ચે ચા-પાણી મળી રહે તે માટે યુવાનો દ્વારા સેવા કાર્ય હાથ ધરાયું હતું.
મેળામાં લાખોની સંખ્યામાં લોકો એકત્ર થતા પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આજી ડેમ પોલીસ દ્વારા ત્રંબા અને ત્રિવેણી નદીના આસપાસના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખાસ કરીને નદી કિનારે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ કર્મચારીઓ સહિત પોલીસ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો હતો.નદીમાં સ્નાન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની ટીમને પણ તૈનાત રાખવામાં આવી હતી. ઋષિ પંચમીના આ એક દિવસીય લોકમેળાનું ધાર્મિક મહત્વ તો છે જ, પરંતુ તેની સાથે સ્થાનિક નાના વેપારીઓ અને રમકડાંના વેપારીઓ માટે પણ આ મેળો રોજગારીનું માધ્યમ બને છે. મેળામાં વિવિધ પ્રકારના રમકડાં, નાસ્તા, ખાણીપીણીની ચીજવસ્તુઓ અને અન્ય ચીજવસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જેના કારણે નાના વેપારીઓ, રમકડાં ધારકો સહિત અનેક લોકોની રોજીરોટીને પણ એક દિવસ માટે વેગ મળ્યો હતો.




