સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓ માટે રાજકોટ કેન્સર સોસાયટી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ આશાનું કેન્દ્ર પરંતુ…
હોસ્પિટલના મુખ્ય ગેટની સામે જ ધમધમતી ચાની હોટલ અને પાનના થડાથી સ્વચ્છતા પર સવાલ
- Advertisement -
હોસ્પિટલની આસપાસની સાંકડી શેરીમાં અનેક રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ ધમધમતા હોવાથી સતત અવરજવર રહે છે, જેથી ટ્રાફિકનું ભારણ વધે છે
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
પહેલેથી જ ગંભીર બીમારી સામે જંગ લડી રહેલા દર્દીઓ માટે સારવારનું કેન્દ્ર બનેલી રાજકોટ કેન્સર સોસાયટી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટની બહારની અવ્યવસ્થા હવે દર્દીઓ અને તેમના સ્વજનો માટે નવી મુશ્કેલી બની રહી છે. હોસ્પિટલની બહાર આડેધડ પાર્કિંગ, રોડ પરનું ખોદકામ, ટ્રાફિકની સમસ્યા અને ગંદકીના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
રાજકોટના નિર્મલા રોડ પર આવેલી રાજકોટ કેન્સર સોસાયટી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાંથી આવતા કેન્સરના દર્દીઓ માટે આશાનું કેન્દ્ર માનવામાં આવે છે. દરરોજ હજારો દર્દીઓ અહીં સારવાર, તપાસ અને ફોલોઅપ માટે પહોંચે છે. પરંતુ હોસ્પિટલની બહારનું દૃશ્ય દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ભારે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વારની બહાર આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા સતત ટ્રાફિકની સ્થિતિ સર્જાય છે. એમ્બ્યુલન્સ અને દર્દીઓને લઈને આવતા વાહનોને હોસ્પિટલ સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડે છે. દર્દીઓને ઉતારવા અને ચઢાવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી અનેક વખત દર્દીઓને રસ્તા પર જ ઉતરવું પડે છે.
પરિસરમાં તેમજ હોસ્પિટલ તરફ જતાં રસ્તાઓ પર ચાલતા ખોદકામના કારણે માર્ગ સાંકડા બની ગયા છે. તેના પરિણામે વાહનવ્યવહાર વધુ ધીમો બની જાય છે અને ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. ગંભીર હાલતમાં આવતા દર્દીઓ માટે આ વિલંબ વધુ જોખમી સાબિત થઈ શકે છે. હોસ્પિટલની આસપાસની સાંકડી શેરીઓમાં અનેક રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને અન્ય વ્યાપારી એકમો ધમધમતા હોવાથી દિવસભર ભારે અવરજવર રહે છે. જેના કારણે ટ્રાફિકનું ભારણ સતત વધતું રહે છે અને હોસ્પિટલ વિસ્તારમાં અવ્યવસ્થાનું દૃશ્ય સર્જાય છે.
સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ હોસ્પિટલના મુખ્ય ગેટ સામે જોવા મળે છે. અહીં આવેલી ચાની હોટલ અને પાનના થડાની આસપાસ કચરાના ઢગલા, પ્લાસ્ટિકના કપ, પાન-મસાલાની પિચકારીઓ અને અન્ય ગંદકી જોવા મળે છે. સ્વચ્છતા જાળવવાની સૌથી વધુ જરૂરિયાત ધરાવતા હોસ્પિટલના પ્રવેશદ્વાર સામે જ આવી સ્થિતિ હોવાના કારણે દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કેન્સર જેવા ગંભીર રોગ સામે લડી રહેલા દર્દીઓ માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ અત્યંત જરૂરી ગણાય છે. પરંતુ હોસ્પિટલ બહારની ગંદકી, ધૂળ, ટ્રાફિક અને અવ્યવસ્થાના કારણે દર્દીઓના આરોગ્ય પર વિપરીત અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલની અંદર ઉત્તમ સારવાર ઉપલબ્ધ હોવા છતાં બહારની બેદરકારી સમગ્ર વ્યવસ્થાની છબીને નુકસાન પહોંચાડી રહી છે.
સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે હોસ્પિટલની બહાર ગેરકાયદેસર પાર્કિંગ પર કડક નિયંત્રણ લાવવામાં આવે, ખોદકામના કામને ઝડપથી પૂર્ણ કરવામાં આવે, ટ્રાફિક વ્યવસ્થિત કરવા માટે પોલીસ દ્વારા નિયમિત વ્યવસ્થા ગોઠવવામાં આવે તેમજ હોસ્પિટલ સામે અને આસપાસના વિસ્તારમાં દૈનિક સ્વચ્છતા અભિયાન ચલાવી ગંદકી દૂર કરવામાં આવે. દર્દીઓના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા આ વિસ્તારમાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જરૂરી પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે.




