ડૉ.શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર
આ મોર્નિંગ મંત્ર લખવાઈ રહ્યો છે ત્યારે સવારના સાડા પાંચ વાગવા આવ્યા છે. સાડા ત્રણથી સાડા પાંચ સુધી ધ્યાન સાધના ચાલી. ભીનું વરસાદી આકાશ અને અફાટ ઘનઘોર ઘેરાયેલી રાત, આવા વાતાવરણમાં ધ્યાન લાગવું સહજ બની જાય છે. કહેવાય છે કે ઈશ્વરે દિવસ કર્મયોગ માટે બનાવ્યો છે, સાંજ અતીતની યાદોને તાજી કરવા માટે બનાવી છે, રાત ભોગ માટે બનાવી છે અને બ્રહ્મ મુહૂર્તથી શરૂ થતો પરોઢ સુધીનો સમય ઈશ્વર ભક્તિ માટે બનાવ્યો છે. સચરાચરમાં વ્યાપ્ત પરમાત્માને પ્રાપ્ત કરવાની તાલાવેલી બ્રહ્મ મુહૂર્તમાં ચરમ શિખર પર હોય છે.
- Advertisement -
દિવસભર આપણી આંખોમાં પડતા દશ્યો, કાનમાં રેડાતા અવાજો અને ત્વચાથી અનુભવાતા સ્પર્શી આપણા મનને પ્રદૂષિત કરતા રહે છે. જ્યારે સાધક ધ્યાનમાં બેસે છે ત્યારે આ તમામ ઈન્દ્રિયજન્ય સુખો તેને કાકવિષ્ટા સમાન ભાસે છે. કાકવિષ્ટા એટલે કાગડાએ કરેલો મળત્યાગ. જ્યારે ભીતરમાંથી એવી સમજણ પ્રગટે કે આ દેહથી પામી શકાતા અને ભોગવી શકાતા સુખો અનિત્ય છે, દિવસ દરમ્યાન જોયેલા દશ્યો અને ઘટનાઓ અનિત્ય છે અને પરમતત્વની પ્રાપ્તિ એજ નિત્ય છે ત્યારે સમજવું કે ઈશ્વર પ્રાપ્તિની શરૂઆત થઈ ગઈ છે.
સમગ્ર બ્રહ્માંડમાં રહેલા પરમાત્માથી વધારે ઇચ્છનીય બીજું કશું જ નથી. ઈશ્વરને પામવાનું છોડીને આપણે કેવી તુચ્છ ભૌતિક ચીજોમાં સુખને શોધીએ છીએ? જે દિવસે આપણા મનમાં આવો પ્રશ્ન જાગે ત્યારે સમજવું કે આપણે સાચા માર્ગે છીએ.




