શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી જાણકારી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતી પાઠ્ય પુસ્તકોમાં ધોરણ 10 અને 12માં પ્રાકૃતિક ખેતીનો વિષયને ઉમેરવામાં આવ્યો છે. આ બાબતની જાણકારી શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તેમના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી આપી હતી. તેમને વધુમાં જણાવ્યું હતુ કે, પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે તેમજ વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે.
- Advertisement -
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, હવે રાજ્યમાં ધોરણ-9 થી 12ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે, વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરશે. તે ઉપરાંત ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન થઇ શકશે, જેના થકી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ પ્રાપ્ત થશે અને આરોગ્ય સુધરશે.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ખતરનાક રસાયણોથી મુક્ત ખેતીના ભાવિ માટે અને દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકી તે માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. તેવી જ રીતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ ધરતી માતાને ઝેર આપવાનું બંધ કરી રાજ્યના ખેડૂતો પાસે કુદરતી ખેતી કરાવવાના સંકલ્પ સાથે એક મુહિમ છેડી છે. રાજ્યમાં આ ઝીરો બજેટ ફાર્મિંગ પર ભાર મૂકી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી ધરાવતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.