સિનેપ્રેમીઓને ડિસ્કાઉન્ટની લાલચ આપી છૂપા ચાજીર્સના નામે નાણાં ખંખેરતી કંપની
સોશિયલ મીડિયા પર ખુલાસો થતાં ઉપભોક્તાઓમાં ભભૂકતો રોષ; ટકાવારી મુજબ ચાર્જ વધારવાની નીતિ સામે બહિષ્કારની માંગ
- Advertisement -
દેશના અગ્રણી ઓનલાઈન મૂવી ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ બુકમાયશો (BookMyShow) દ્વારા દેશભરના સિનેપ્રેમીઓ અને ગ્રાહકોના ખિસ્સા ખંખેરવાની ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. આકર્ષક ઓફર્સ અને કેશબેકના નામે ગ્રાહકોને ફસાવીને છેલ્લી ઘડીએ વિવિધ હિડન ચાજીર્સ લાદી દેવાની આ ઓનલાઈન મોનોપોલી સામે ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયો મુજબ, સ્ક્રીન પર મૂળ કિંમત ઓછી બતાવીને પેમેન્ટ કાઉન્ટર સુધી પહોંચતા ગ્રાહક પાસેથી મનસ્વી રીતે તગડા ચાજીર્સ વસૂલવામાં આવી રહ્યા છે, જેને પગલે ડિજિટલ પ્લેટફોર્મની આ લૂંટબાજી જ્યારે કોઈ ગ્રાહક બે એક્ઝિક્યુટિવ ટિકિટ પસંદ કરે છે, ત્યારે સીટ સિલેક્શન સ્ક્રીન પર સ્પષ્ટપણે રૂ. ૪૦૦ દર્શાવાય છે. સામાન્ય રીતે ગ્રાહક એમ સમજે છે કે ખર્ચ રૂ. ૪૦૦ થશે. પરંતુ જેવી પ્રોસીડ સ્ક્રીન ખુલે છે કે તરત જ ઓર્ડર ટોટલમાં સીધો ૨૦ ટકાનો વધારો ઝીંકીને રકમ રૂ. ૪૮૦.૨૪ કરી દેવાય છે. આ વધારા પાછળ રૂ. ૮૦.૨૪ ની કન્વિનિયન્સ ફી થોપી બેસાડવામાં આવે છે, જેમાં રૂ. ૬૮ બેઝ ફી અને તેના પર ૧૮ ટકાના દરે રૂ. ૧૨.૨૪ જીએસટીનો સમાવેશ થાય છે. સામાન્ય માણસને અંધારામાં રાખીને આ પ્રકારે ફરજિયાત સેવા શુલ્ક ઉઘરાવવું એ ખુલ્લેઆમ ગ્રાહક અધિકારોનું હનન છે.
સૌથી મોટો ગોરખધંધો ક્રેડિટ કાર્ડની ‘બાય વન ગેટ વન’ (Buy 1 Get 1) ઓફરમાં આચરવામાં આવી રહ્યો છે. પ્રીમિયમ કાર્ડધારક ગ્રાહક એમ માને છે કે રૂ. ૪૮૦ ના બિલમાં અડધી રકમ એટલે કે રૂ. ર૪૦ ની બચત થશે. પરંતુ વાસ્તવમાં પ્લેટફોર્મ માત્ર મૂળ ટિકિટના બેઝ પ્રાઈઝના ૫૦% એટલે કે રૂ. ૨૦૦ જ બાદ કરે છે, જ્યારે કન્વિનિયન્સ ફી તો ગ્રાહકે આખી જ ચૂકવવી પડે છે. આટલું ઓછું હોય તેમ, પેમેન્ટ સ્ક્રીન પર સિસ્ટમ ‘ઓફર પ્રોસેસિંગ ફી’ ના નામે વધારાના રૂ. ૧૫.૩૪ ખંખેરી લે છે, જેથી અંતિમ બિલ વધીને રૂ. ૨૯૫.૫૮ પર પહોંચી જાય છે. જ્યારે ગ્રાહક પોતાના કાર્ડની વિગતો જાતે દાખલ કરે છે અને બેંક પોતે ઓફર આપતી હોય, ત્યારે વચેટિયા તરીકે બુકમાયશો ક્યા હક્કે વધારાની પ્રોસેસિંગ ફી વસૂલે છે? વધુમાં, ડિજિટલ સર્વર પર એક ટિકિટ બુક કરવાનો ખર્ચ સરખો હોવા છતાં, મોંઘી ટિકિટ પર ટકાવારીના આધારે ઊંચી કન્વિનિયન્સ ફી અને પ્રોસેસિંગ ફી વસૂલવાની પદ્ધતિ તદ્દન ગેરકાયદેસર અને અનૈતિક છે. ગ્રાહકો હવે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરવા અને આ પ્લેટફોર્મનો બહિષ્કાર કરવા આગળ આવી રહ્યા છે.
ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફી વસૂલાઈ
બુકમાયશો પર ગ્રાહકોને છેતરવાની હદ ત્યારે વટાવી જાય છે જ્યારે બેંકની ‘બાય વન ગેટ વન’ ઓફર લાગુ કર્યા પછી પણ પ્લેટફોર્મ મનમાની ચલાવે છે. કાર્ડ કંપની એક ટિકિટ ફ્રી આપતી હોવા છતાં કંપની માત્ર બેઝ પ્રાઈઝ પર જ આંશિક ડિસ્કાઉન્ટ આપે છે અને કન્વિનિયન્સ ફી પૂરેપૂરી વસૂલે છે. એટલું જ નહીં, પેમેન્ટ વખતે ‘ઓફર પ્રોસેસિંગ ફી’ ના નામે વધારાના રૂ. ૧૫.૩૪ ઝીંકી દેવાય છે. ગ્રાહક જાતે કાર્ડ નંબર નાખતો હોવા છતાં ઓફર પ્રોસેસ કરવાના નામે વધારાના નાણાં ખંખેરી ડિસ્કાઉન્ટની રકમ પાછી ખેંચી લેવાની આ નીતિ સામે ભારે રોષ ભભૂક્યો છે.




