ડૉ. શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર
શ્રી ગુરુગીતાના એક અશ્લોકમાં ભગવાન શંકર માટેના આસન વિશે કરે દેવી પાર્વતીને કહે છે, ‘હે પ્રિયે, શાંતિ માટે સફેદ આસન, કોઈને વશ કરવા માટે લાલ આસન, મારણ કે પરાજય માટે કાળું આસન અને ધન પ્રાપ્તિ માટે
પીળું આસન યોગ્ય છે.”
ગુરુગીતાનો પાઠ કરતી વખતે તમારા મનમાં જેવી ઇચ્છા હોય એવું આસન પસંદ કરી શકાય. વર્તમાન સમયને ધ્યાનમાં લઈએ તો એવું માની શકાય કે મોટા ભાગના ભક્તો ભૌતિક ઐશ્વર્યની પ્રાપ્તિ માટે, દૃવ્ય પ્રાપ્તિ માટે પીળું
આસન જ પસંદ કરશે. પરંતુ
ભગવાન શંકરે આ શ્લોકના અગાઉનાં કેટલાંક શ્લોકોમાં ચેતવણી આપી છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ.
ગુરુગીતાનો પાઠ લૌકિક ભાવનાથી, લૌકિક વશીકરણ કે મારણ માટે, લૌકિક શત્રુના નાશ માટે, કોઈને કચડી નાખવા માટે કે લૌકિક સુખનાં ઉપભોગનાં સાધનો પ્રાપ્ત કરવા માટે કરવાનો નથી.
ગુરુગીતાનો પાઠ અલૌકિક ભાવનાથી કરવાનો છે, આ પાઠ મનને જીતવા માટે કરવાનો છે, ઈન્દ્રિયોને વશ કરવા માટે કરવાનો છે. શત્રુઓને મારવા માટે કરી શકાય પણ એ કયા શત્રુઓ? કામ, ક્રોધ,
લોભ, મોહ, નફરત, ઈર્ષ્યા, લાલચ વગેરે શત્રુઓને મારવા માટે ગુરુગીતાનો પાઠ કરવાનો છે.
ગુરુગીતાના નિત્ય પઠનથી જે દિવ્યતા સાંપડશે, એનાં કારણે જ સાધકનાં જીવનમાં સમૃદ્ધિ વધશે, પવિત્રતા પ્રાપ્ત થશે, ખૂબ શાંતિ અને સંતોષ આવશે.
આ બધાં કારણોને ધ્યાનમાં લઈને ભગવાન શંકર એવું સૂચન કરે છે કે જો ગુરુગીતાનો પાઠ દર્ભ કે દૂર્વાનાં આસન પર અથવા સફેદ ધાબળીનાં આસન પર બેસીને એકાગ્ર મનથી કરવામાં આવે, તો તે આસન ઉત્તમ ગણાય.




