જેતપુર, ગોંડલ, જુનાગઢ ફાયર વિભાગ અને એસ.ડી.આર.એફ.ની ચાર ટીમો કામે લાગી હતી
રાજકોટ જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદમાં વીરપુર ખાતે એક કાર તણાઈ જવાના સમાચાર વિરપુર ગ્રામ પંચાયતને મળ્યા હતા. વીરપુર તલાટી મંત્રી દ્વારા આ અંગે જેતપુર મામલતદારશ્રીને ત્વરિત જાણ કરવામાં આવતા, મામલતદારશ્રી દ્વારા જેતપુર ફાયર તેમજ ગોંડલ ફાયર વિભાગની ટીમને કારની શોધખોળ માટે સૂચના આપવામાં આવી હતી. તેમજ રાજકોટ ડિઝાસ્ટર તંત્રને આ અંગે જાણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમને ગ્રામજનો દ્વારા જણાવાયું હતું કે, ગુરુકુળ પાસે ધાબી પરથી કાર તણાઈ છે. જેમાં બે લોકો સવાર હોવાની આશંકા છે.
કેઆ ઘટનાની ગંભીરતા સમજીને જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશની સૂચના મુજબ નિવાસી અધિક કલેકટર જે. એચ. બારોટના માર્ગદર્શનમાં જેતપુર મામલતદારની સૂચના મુજબ, સઘન શોધખોળ શરૂ રાખવામાં આવી હતી. જેમાં જેતપુર ફાયર અને ગોંડલના ફાયર વિભાગની ટીમ સાથે શાપર સ્થિત એસ.ડી.આર.એફ.-૧૩ની ટીમ તેમજ જુનાગઢ ફાયરની ટીમ પણ જોડાઈ હતી.
લાંબી શોધખોળ બાદ તણાયેલી ગાડી પાસેના વોકળામાં ઊંડી ખૂંચી ગયેલી જોવા મળતા તેને જેસીબીની મદદથી તેને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ તેમાંથી કોઈ વ્યક્તિ મળી આવી નહોતી. ગાડીના નંબર પરથી ચાલકની ઓળખ કરવામાં આવતા, ચાલકનું નામ ભીખુભાઈ ધનજીભાઈ ડોબરીયા, (ઉં. વર્ષ ૭૨) ગોંડલના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તેમના પુત્રને જાણ કરવામાં આવતા તેણે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તેમના પિતાજી સવારે ગોંડલથી ભેંસાણ ખાતે તેમની ફેક્ટરીએ જવા નીકળ્યા હતા.
દરમિયાન કારચાલક ભીખુભાઈની શોધખોળ માટે ગઈકાલે ચાર અલગ અલગ ટીમો દ્વારા મોડી રાત સુધી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. બાદ આજે વહેલી સવારથી ફરીથી શોધખોળ કામગીરી હાથ ધરાવતા કારચાલકનો મૃતદેહ થોરાળા ડેમમાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહ પોલીસ વિભાગને સોંપવામાં આવ્યો છે, તેમજ પી.એમ. માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જેતપુર ગ્રામ્ય મામલતદાર દ્વારા જણાવાયું છે.




