3 મહિનામાં આકલન કરીને વળતર વસૂલો: ઉદ્યોગને બંધ કરવા સહિતના કડક પગલાં લેવા GPCBને હાઈકોર્ટનો નિર્દેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત હાઈકોર્ટે જામનગર મરીન સેન્ચ્યુરીમાં ખુલ્લી નહેરો દ્વારા ગેરકાયદેસર કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી ઠલવવા બદલ ટાટા કેમિકલ્સ લિમિટેડ સામે કડક વલણ અપનાવ્યું છે. વન વિભાગ, જામનગરના કલેક્ટર અને ઓથોરિટીના અહેવાલને આધારે કોર્ટે ગંભીર નોંધ લેતા નોંધ્યું હતું કે, કંપનીએ કોઈની પણ મંજૂરી વગર કેમિકલ કચરો દરિયામાં નાખતા મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખી છે. આ મામલે હાઈકોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (ૠઙઈઇ) અને કલેક્ટરને ઉદ્યોગ બંધ કરવા સહિતના કડક પગલાં લેવા તેમજ 3 મહિનામાં પર્યાવરણને થયેલા નુકસાનનું આકલન કરી કંપની પાસેથી વળતર વસૂલવામાં આવે અને ત્રણ અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવાના આદેશ આપ્યા છે.
હાઈકોર્ટે આ બાબતે કેમિકલ યુક્ત પાણી મરીન સેન્ચ્યુરીને નુકસાન કરે છે કે કેમ તેનો સ્વતંત્ર અહેવાલ પણ મંગાવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, 15 કરતા વધુ વર્ષથી દરિયામાં ગેરકાયદેસર ડિસ્ચાર્જ કરવામાં આવતું હતું. કોઈની પણ મંજૂરી વગર કેમિકલ કચરો દરિયામાં નાખતા મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખવામાં આવી છે. ટાટા કેમિકલ દબાણકર્તા અને પર્યાવરણને નુકસાનકર્તા છે. તેને પર્યાવરણને નુકસાન કરવા બદલ વળતર ચૂકવવાનું રહેશે. તેને શા માટે સાવચેતીના પગલાં લીધા નહોતા?
કોર્ટે નોંધ્યું હતું કે, કંપની વર્ષો સુધી કોર્ટના વચગાળાના આદેશોની આડમાં આ સંવેદનશીલ પર્યાવરણીય વિસ્તારમાં પ્રદૂષિત પાણી છોડતી રહી છે. કોર્ટે ૠઙઈઇને આદેશ આપ્યો છે કે, તેઓ નિષ્ણાતોની ટીમ દ્વારા આ વિસ્તારની નાજુક પર્યાવરણ વ્યવસ્થાને થયેલા નુકસાનનું 3 મહિનામાં આકલન કરાવે. તેનું વળતર કંપની પાસેથી વસૂલવામાં આવે. જ્યાં સુધી નવી બંધ પાઈપલાઈન સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી આ વિસ્તારના પર્યાવરણને વધુ નુકસાન થતું અટકાવવા માટે ઉદ્યોગને બંધ કરવા સહિતના કડક પગલાં તાત્કાલિક લેવા માટે ૠઙઈઇને નિર્દેશ આપવામાં આવ્યા છે. આમ મરીન સેન્ચ્યુરીને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે. તે માટે કલેક્ટર અને ૠઙઈઇ તાત્કાલિક કડક પગલાં ભરે. જેનો રિપોર્ટ 3 અઠવાડિયામાં હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવે. આ દરમિયાન ટાટા કેમિકલે કોર્ટના હુકમ સામે અપીલમાં જવા સ્ટેની માંગ કરી હતી, જેને નકારી દેવાતા વધુ કાર્યવાહી 17 જૂનના રોજ રાખવામાં આવી છે.
1982 પહેલાંથી આ હક્ક ધરાવતા હોવાનો કંપનીનો દાવો
કંપનીનો દાવો હતો કે, તેઓ 1962-63થી આ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને 1982 પહેલાથી આ હક્ક ધરાવે છે. વળી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિર્ધારિત માપદંડો મુજબ જ પાણી છોડવામાં આવતું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફિ દ્વારા સહમત રીતે કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. ત્યાં આવેલી પાઈપોને રિપેર કરવા અને નવી નાખવા તેઓને મંજૂરી આપવામાં આવે. 3.75 કિમીની પાઈપલાઈન ડાયવર્ટ કરવા તેઓએ 1.12 કરોડ ઓથોરિટી સમક્ષ પણ જમા કરાવ્યા છે. મોટા ભાગનું કામકાજ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તે મે 2026 સુધીમાં કાર્યરત થઈ જશે. વર્ષ 2010થી સ્ટેટ્સ કવો જાળવવામાં આવ્યો હતો.



