ટાટા કંપનીએ ફરી એકવાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટાઈટલ રાઈટ્સ ખરીદ્યા છે. કંપનીએ રૂ. 2500 કરોડમાં 5 વર્ષના અધિકારો ખરીદ્યા છે, જેનો અર્થ છે કે BCCIને આઇપીએલની એક સિઝન માટે ટાઇટલ સ્પોન્સર પાસેથી રૂ. 500 કરોડ મળશે. આ પહેલા પણ ટાટા પાસે આઈપીએલના ટાઈટલ રાઈટ્સ હતા. કંપનીએ 2022માં 730 કરોડ રૂપિયા ચૂકવીને 2023 સુધીના અધિકારો ખરીદ્યા હતા.
આદિત્ય બિરલા ગ્રુપે પણ રૂ. 2500 કરોડની બોલી લગાવી હતી. બીસીસીઆઈ પાસેથી ટેન્ડર દસ્તાવેજ ખરીદ્યા બાદ કંપનીઓએ બોલી લગાવી હતી. જેમાં આદિત્ય બિરલા ગ્રુપે 2500 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ત્યારબાદ બીસીસીઆઈએ અગાઉના સ્પોન્સર ટાટાને પૂછ્યું કે શું તેઓ પણ આટલી બોલી લગાવવા તૈયાર છે. ટાટા ગ્રુપે પણ રૂ. 2500 કરોડની બોલી લગાવી અને સ્પોન્સરશિપ મેળવી.
- Advertisement -
ચાઈનીઝ કંપનીઓ સ્પોન્સર કરી શકે નહીં
બીસીસીઆઈએ પોતાના ટેન્ડર ડોક્યુમેન્ટમાં જ સ્પષ્ટ કર્યું હતું કે ચીની કંપનીઓ સ્પોન્સરશિપ માટે બિડ કરી શકે નહીં. ભારત અને ચીન વચ્ચે સરહદ અને રાજકીય વિવાદને કારણે, BCCIએ ચીનની કંપનીઓ પાસેથી સ્પોન્સરશિપ ન લેવાનો નિર્ણય કર્યો. અગાઉ 2021માં ચીની ટેક કંપની Vivo IPLની ટાઈટલ સ્પોન્સર હતી.