સ્ટાફમાં રહેલી યુવતીઓને પાર્ટનર સાથે મુંબઈ મોકલી અને ખેલ થઈ ગયો…
ફરિયાદીએ અરજી કરી પણ બાદમાં મોટી રકમમાં બેઉ પાર્ટીએ સમાધાન કરી લીધું?
- Advertisement -
પહેલાં 7 લાખ… પછી 20 અને છેલ્લે 40 લાખની માગણી કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં પશ્ર્ચિમ વિસ્તારમાં રહેતાં અને ઈન્ફોટેકના વ્યવસાય સાથે સંકળાયેલા એક શખ્સ સાથે હનીટ્રેપનો ગજબનાક ખેલ રચાઈ ગયો છે અને યુવતીઓને ચૂપ રહેવા માટે આ શખ્સે લાખો રૂપિયાનો નૈવેદ્ય ધરવો પડ્યો છે. બનાવની વિગત એવી છે કે, જયેશભાઈ (નામ બદલાવ્યું છે) ઈન્ફોટેકના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ દેવાંશી (નામ બદલાવ્યું છે) નામની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. દેવાંશીની ભલામણથી નિલિમા (નામ બદલાવ્યું છે) નામની યુવતીને તેમણે નોકરી પર રાખી હતી. દરમિયાન તારીખ 18 જાન્યુઆરીએ જયેશભાઈના ક્લાયન્ટ શરદભાઈ પાટીદારે (નામ બદલાવ્યું છે) મુંબઈ ખાતે એક ઈન્ફોટેકને લગતું કામ સોંપ્યું. જયેશભાઈ વ્યસ્ત હોવાથી તેમણે તેમનાં સ્ટાફનાં નિલિમા, તથા હિમાલી (નામ બદલાવ્યું છે)ને મુંબઈ મોકલી હતી. શરદભાઈ ઓલરેડી ત્યાં મુંબઈ ખાતે હાજર હતાં. ત્યાંનું કામ પૂર્ણ થયા બાદ લેડિઝ સ્ટાફને હોટેલમાં સૂઈ જવા શરદભાઈએ જણાવ્યું હતું. પરંતુ સવારે છ વાગ્યા આસપાસ જયેશભાઈના મોબાઈલ પર સ્ટાફની અન્ય યુવતી પ્રિયાનો ફોન આવ્યો અને તેણે જયેશભાઈને કહ્યું કે, ‘મુંબઈ ગયેલી બેય સ્ટાફની યુવતીઓ દેવાંશી અને નિલિમા આપણાં જૂનાં ક્લાયન્ટ શરદભાઈ પર યૌન શોષણના ખોટાં-બેફામ આક્ષેપો કરી રહી છે!’ એ પછી 11 વાગ્યાની આસપાસ દેવાંશીનો જયેશભાઈ પર ફોન આવ્યો હતો અને મામલો પતાવવા સાત લાખ રૂપિયાની માંગણી જયેશભાઈ પાસે કરી હતી. જયેશભાઈએ બધી તપાસ કરી હતી. તેમણે દેવાંશીને કહ્યું કે, આવું કશું બન્યું જ નથી. પણ દેવાંશી ટસની મસ નહોતી થઈ.
જયેશભાઈએ થોડો સમય માંગ્યો. પણ પેલી જીદ પર ચડી હતી. તેણે 25 હજાર તાત્કાલીક મોકલવા જણાવ્યું- જે જયેશભાઈએ ગૂગલ પે થકી મોકલી આપ્યા. એ પછી ખેલ શરૂ થયો હાર્ડકોર બ્લેક મેઈલિંગનો. સાત લાખમાંથી દેવાંશીની માંગણી વીસ લાખ પર પહોંચી અને વધતાં વધતાં છેક ચાલીસ લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ. આ મામલામાં અનેક પાત્રો આવ્યા, કંઈક રમત રમાઈ અને મામલો એટલી હદે ગોટાળે ચડ્યો કે વાત ન પૂછો. જેટલાં પાત્રો ઉમેરાતાં ગયા તેટલું બધાનું કમિશન પણ વધતું ગયું. આખરે મામલામાં સચ્ચાઈ શું હતી? શું શરદભાઈએ ખરેખર કોઈ કૃત્ય કર્યું હતું? શું જયેશભાઈ તેમને છાવરી રહ્યાં હતાં? આ પ્રશ્ર્નોના જવાબ નિરૂત્તર છે. પરંતુ એક વાત એવી આવી છે કે બેઉ પાર્ટી વચ્ચે ‘બેઠક’ થઈ ગઈ છે. જો કે, આ વાત હજુ પૂરેપૂરી દબાઈ નથી, ડુંગળીનું એક જ પડ ખૂલ્યું છે, ઘણાં પડ ખોલવાનાં બાકી છે.
- Advertisement -