પહાડો પર હિમવર્ષાથી જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં પારો માઈનસમાં
નવેમ્બરના અંતિમ સપ્તાહમાં દેશના અનેક ભાગોમાં કડકડતી ઠંડીનો ચમકારો વધવા લાગ્યો છે. પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર મેદાની રાજ્યો પર જોવા મળી રહી છે, જેના કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં રાત્રિનું તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના ૭ રાજ્યોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનો ફંકાઈ રહ્યા છે. આગામી ૨૭ અને ૨૮ નવેમ્બર દરમિયાન મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો વધુ ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને ચંદીગઢમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે દક્ષિણ ભારતના તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ૨૭ નવેમ્બરે ભારે વરસાદની શક્યતા છે. દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીની સ્થિતિ પર નજર કરીએ તો હિમાચલ પ્રદેશના તાબોમાં સૌથી ઓછું માઈનસ ૬.૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજ્યના ૧૨ શહેરોમાં પારો ૫ ડિગ્રીથી નીચે રહ્યો છે. રાજસ્થાનના સીકર સ્થિત ફતેહપુરમાં સતત ત્રીજા દિવસે તાપમાન ૫ ડિગ્રીથી નીચે રહીને ૪.૭ ડિગ્રી નોંધાયું છે, અને બાડમેર-જૈસલમેર સિવાયના તમામ શહેરોમાં પારો ૧૫ ડિગ્રીથી નીચે ગગડ્યો છે. મધ્યપ્રદેશના દમોહમાં ૭.૪ ડિગ્રી સાથે સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી, જ્યારે ભોપાલમાં ૮.૨ ડિગ્રી તાપમાન સાથે શીતલહેરનું એલર્ટ અપાયું છે. ઉત્તર પ્રદેશમાં હરદોઈ ૯ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે, જ્યારે મુઝફ્ફરનગરમાં ૯.૨ ડિગ્રી અને કાનપુરમાં ૯.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને લખનઉ-પ્રયાગરાજ સહિત ૧૨ શહેરોમાં ધુમ્મસ છવાયું છે. પંજાબના ફરીદકોટમાં ૬.૪ ડિગ્રી અને ચંદીગઢમાં ૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યાં ૨૮ નવેમ્બર સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી અપાઈ છે. આ ઉપરાંત બિહારના અરવલમાં ૧૧.૫ ડિગ્રી અને છત્તીસગઢના અંબિકાપુરમાં ૧૧.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા વહેલી સવારે ઠંડી અને ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે.



