અધિકારીએ કહ્યું- વાવાઝોડા-વરસાદને કારણે અકસ્માત, 3ને બચાવાયા: સરકાર મૃતકોના પરિવારને ₹5 લાખની સહાય આપશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઉત્તર પ્રદેશના હમીરપુરમાં બેતવા નદી પરના નિર્માણાધીન પુલનો સ્લેબ ગઈ મોડીરાત્રે 2 વાગ્યે તૂટી પડ્યો. આ અકસ્માતમાં 6 કામદારોના મોત થયા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (જઉછઋ)એ કાટમાળમાં ફસાયેલા ત્રણ કામદારોને બચાવ્યા. સાડા સાત કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું.
ઉત્તર પ્રદેશ બ્રિજ કોર્પોરેશનના એમડી ધર્મવીર સિંહે દૈનિક ભાસ્કરને જણાવ્યું હતું કે વાવાઝોડું અને વરસાદને કારણે સ્લેબ તૂટી પડ્યો હતો, જેના કારણે કામદારો નીચે દટાઈ ગયા હતા. અકસ્માતની તપાસ કરવામાં આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગઈકાલે મોડી રાત્રે હમીરપુરમાં 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું.
આ અકસ્માત શહેરથી 25 કિમી દૂર લાલપુરા વિસ્તારમાં થયો હતો. મૃતકોમાંથી ચાર બાંદાના અને બે હમીરપુરના હતા. જઉછઋ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે 2:30 વાગ્યે શરૂ થયેલ રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયું છે, પરંતુ અન્ય કોઈ કામદારો ફસાયા ન રહે તે માટે સાવચેતી રૂપે કાટમાળ હજુ પણ હટાવવામાં આવી રહ્યો છે.
નજરેજોનાર સુરેશ કુમારે જણાવ્યું હતું- પુલ પર કામ બે શિફ્ટમાં થાય છે. જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે પહેલી શિફ્ટ પુલ નીચે કામ કરતી હતી, જ્યારે બીજી શિફ્ટના સાત કામદારો પુલ પર કામ કરી રહ્યા હતા. હું પણ તેમાંનો એક હતો. વાવાઝોડાથી બચવા માટે, અમે પુલ પર સૂઈ ગયા. તે સમયે દુર્ઘટના થઈ.
ઉત્તર પ્રદેશ રાજ્ય સેતુ નિગમ આ પુલ બનાવી રહ્યું છે. તેનો ખર્ચ ₹90 કરોડ થવાનો અંદાજ છે. 700 મીટર લાંબો, બે લેનનો પુલ મોરાકંડ અને કુરારા ગામ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. તેનું બાંધકામ માર્ચ 2024માં શરૂ થયું હતું અને ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાનું છે. સીએમ યોગીએ અકસ્માતમાં જીવ ગુમાવનારા કામદારોના પરિવારજનોને ₹5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને ₹50,000 આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.



