મહારાષ્ટ્રનાં પૂણે અને પિંપરી ચિંચવડની ઘટના: આરોપી યોગેશ વાનખેડેની સહિત કુલ 8 આરોપીની ધરપકડ!
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
મહારાષ્ટ્રના પુણે અને પિંપરી ચિંચવડમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મૃત્યુથી ભારે ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 2 દિવસમાં આ 2 શહેરોમાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાંથી 11 લોકોના મોત ઝેરી દારૂ પીવાથી થયા છે. જ્યારે 4 મોત અન્ય કારણોસર થયા છે. આ દારૂ કેસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. પોલીસે આ કેસમાં આરોપી યોગેશ વાનખેડેની ધરપકડ કરી હતી. આ ઘટના આરોપી યોગેશ વાનખેડે દ્વારા દારૂમાં મિથેનોલ ભેળવવામાં આવતા હોવાથી બની હોવાનું જાણવા મળ્યું છે. ઝેરી દારૂ પીવાથી લોકોના મોતને કારણે પુણેમાં ભારે હંગામો મચી ગયો છે અને આ મામલે પોલીસ દળો દ્વારા સંકલિત તપાસ ચાલી રહી છે. ઉપરાંત સંબંધિત સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોના મૃત્યુ પાછળના ચોક્કસ કારણો શોધવા માટે કાર્ય ચાલુ છે. એવું પણ જાણવા મળ્યું છે કે એક્સાઇઝ વિભાગે પણ તપાસમાં ભાગ લીધો છે. પુણેના ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત નોંધાયા છે. પિંપરી-ચિંચવડના ફુગેવાડી વિસ્તારમાં છ અને હડપસરમાં પાંચ લોકોના મોત ઝેરી દારૂ પીવાથી થયા છે. બાકીના ચાર મૃત્યુ હાલમાં અન્ય કારણોસર થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકોમાં બે ભાઈઓનો પણ સમાવેશ થાય છે. રાજ્ય આબકારી વિભાગે આ કેસમાં યોગેશ વાનખેડે નામના આરોપીની ધરપકડ કરી છે. તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોવાનું કહેવાય છે, ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પુણેના ફુગેવાડી અને પિંપરીના હડપસરમાં કેમિકલથી ભરેલો દારૂ સપ્લાય કર્યો હતો. આ ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા હતા.
‘આ ઘટના અકસ્માત નહીં, પણ મર્ડર છે…’, CM ફડણવીસનો કડક કાર્યવાહીનો આદેશ
મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે દારૂનું સેવન કરવાના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ આખી ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. આ ઉપરાંત પોલીસ અને તંત્ર દ્વારા સ્થાનિક લોકોને પણ અપીલ કરાઈ છે કે, કોઈપણ અજાણી કે ગેરકાયદે જગ્યાએથી મળતા નશીલા પદાર્થોનું સેવન ના કરો. સરકારી ઠેકા પરથી જ દારૂ ખરીદવાનો આગ્રહ રાખો. આ ભયાનક લઠ્ઠાકાંડમાં પુણેના ફુગેવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. અહીં ઝેરી દારૂ પીવાના કારણે એક જ પરિવારના બે સગા ભાઈઓનું મોત થઈ ગયું છે. બંને ભાઈઓના ટૂંકા ગાળામાં જ ટપોટપ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



