નગરપાલિકાનું વોર્ડ નંબર-1 સાથે ઓરમાયુ વર્તન : પાલિકાના પૂર્વ સદસ્યનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેરના વોર્ડ નંબર 1 માં અવારનવાર ગટર ઉભરાવવાની સમસ્યા સામે આવતી હોય છે ત્યારે આજે ફરી એકવાર ગટરના પાણી શેરીઓમાં ઘૂસતા મહિલાઓ રણચંડી બની હતી અને ઘર બહાર નીકળી નગરપાલિકા સામે બંડ પોકાર્યો હતો.
હળવદ શહેરના વોર્ડ નંબર 1 માં ગટરના પાણી શેરીઓમાં ઘુસતા હોય મહિલાઓ દ્વારા આ સમસ્યા દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે જોકે અહીં કુંભારપરા વિસ્તારમાં ગટર ઉભરાવવાની ઘણા સમયથી સમસ્યા છે. અવાર નવાર આ સમસ્યાના નિવારણ માટે વોર્ડના સભ્યો તેમજ સ્થાનિકોએ નગરપાલિકાને રજૂઆત કરી છે પરંતુ સમસ્યાનો અંત આવવાના બદલે ગટરના પાણી શેરીઓમાં નીકળતા મોટી સંખ્યામાં મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરીને સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી. હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય આ વિસ્તારમાં ગરબા કે ધૂન ભજન થાય તેવી પણ શક્યતા નથી કારણ કે ગટરના પાણી દુર્ગંધ મારે છે અને પાણીની સમસ્યા વચ્ચે માતાજીની આરાધના કેવી રીતે કરવી તે પણ એક પ્રશ્ન છે તો બીજી તરફ વોર્ડ નંબર 1 ના કુંભારપરા વિસ્તારના રહીશો એક નહીં અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે જેમાં ગટર, પાણી, સફાઇ અને રોડ રસ્તા સહિત અનેક સુવિધાથી વંચિત હોવાનું સ્થાનિકોએ
જણાવ્યું હતું
- Advertisement -
હેલ્પલાઈન નંબર જાહેર કરનાર ચીફ ઓફિસર લેખિત રજૂઆતોનું પણ નિરાકરણ કરે તેવી લોકમાંગ
હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલરીયા દ્વારા તાજેતરમાં જ શહેરીજનોની સમસ્યાઓની ફરીયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે પરંતુ હેલ્પલાઇન નંબરની ફરીયાદ સાથે ચીફ ઓફિસર સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતોનું નિરાકરણ કરે તેવી પણ લોકમાંગ ઉઠી છે. લોકો દ્વારા લેખિત રજૂઆત કરવા છતાં પણ સમસ્યાઓ દૂર કરવામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થતાં મિડીયામાં રહેવા પુરતી જ હેલ્પલાઈન શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે..