આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વધતો વપરાશ કુદરતી સંસાધનોને ખતમ કરશે: વીજળી-પાણીની અછત સર્જાવાની ભીતિ
એઆઈને પાણી અને વીજળીની અમર્યાદિત જરૂર પડશે તેથી પર્યાવરણ અને માનવજાતના ભવિષ્ય સામે જોખમ : પ્રદર્શનકારીઓની નિયંત્રણની માગ
- Advertisement -
લોકોના વિરોધ વચ્ચે અમેરિકામાં 200 અબજ ડોલરના ડેટા સેન્ટર પ્રોજેક્ટ અટકી પડયાના અહેવાલો
વૉશિંગ્ટન : એઆઈ ડેટા સેન્ટર્સને માતબર સંખ્યામાં વીજળી-પાણીની જરૂર પડે છે. એઆઈના ડેટા સેન્ટર્સ વધશે તેમ એને વીજળી અને પાણી પણ વધારે જોઈશે. અમેરિકા અને કેનેડામાં પહેલી વખત એઆઈ ડેટા સેન્ટર્સ સામે વિરોધ ઉઠયો છે. કેટલાય શહેરોમાં નવા ડેટા સેન્ટર્સ બનાવવાના પ્રોજેક્ટ અટકી પડયા છે. લોકોએ પાણી-વીજળીની અછતનો મુદ્દો ઉઠાવીને ભારે વિરોધ કર્યો હોવાથી કંપનીઓએ કે સ્થાનિક સરકારી તંત્રએ પ્રોજેક્ટ અટકાવી દેવાની ફરજ પડી છે. એઆઈ ટેકનોલોજી વિકસી છે તેની સાઈડ ઈફેક્ટ પણ સામે આવી છે. શરૂઆતમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ લોકો ખૂબ હોંશથી કરતા હતા, પરંતુ એઆઈ ટેકનોલોજી વિકસાવવા પાછળ, તેને ચલાવવા માટે જે રીતે કુદરતી રિસોર્સીસની જરૂર પડે છે એ બહાર આવ્યું છે ત્યારથી લોકોમાં એની સામે અવેરનેસ આવી છે. એઆઈ ડેટા સેન્ટર્સ અત્યારે દુનિયામાં ૧૨૦ કરોડ લોકોના ભાગનું પાણી પી જાય છે, વળી જાપાન જેવા કોઈ આખા દેશને પૂરી પાડી શકાય એટલી વીજળી એઆઈ ડેટા સેન્ટર્સને જરૂર પડે છે. ૨૦૩૦ સુધીમાં વર્ષે ૯૪૫ ટેરાવોટ વીજળીના વપરાશ થતો હશે. અત્યારે જ દુનિયાની કુલ વીજળીમાંથી ૩ ટકા વીજળી એઆઈ ડેટા સેન્ટર્સ પાછળ વપરાઈ જાય છે.
એઆઈ ટેકનોલોજી દુનિયાભરની વિગતો પળવારમાં આપે છે. ફોટોથી લઈને વીડિયો બનાવી આપે છે. જે પૂછો એનો જવાબ આપે છે, તેની સામે એને પ્રોસેસિંગ માટે વીજળીની જરૂર પડે છે. કોઈ પણ ડેટા સેન્ટર્સમાં વીજળીની જરૂર તો પડે છે, પરંતુ એઆઈ ડેટા સેન્ટર્સમાં એની જરૂર વધી જાય છે. એ જ રીતે એઆઈ ડેટા સેન્ટર્સને કૂલ રાખવા માટે પાણીની જરૂર પડે છે. આ બંનેની અછત આખી દુનિયામાં હજુય રહે છે. ૨૧મી સદીમાં પણ હજુ કરોડો લોકો પાણીની અછતનો સામનો કરે છે અને વીજળી ગૂલ થવાના બનાવો તો વિકસિત દેશોમાં પણ રોજિંદા છે.આવી સ્થિતિમાં અમેરિકા અને કેનેડામાં લોકોએ એઆઈ ડેટા સેન્ટર્સનો વિરોધ શરૂ કર્યો છે. એકલા અમેરિકામાં જ ૨૦૦ અબજ ડોલરના ડેટા સન્ટર્સના પ્રોજેક્ટ અટકી પડયા છે. સ્થાનિક લોકોના વિરોધના પગલે ડેટા સેન્ટર્સનું કામ અટકાવી દેવું પડયું છે. ધીમે ધીમે લોકોમાં અવેરનેસ આવી રહી હોવાથી હવે આ મુદ્દે માત્ર ટેકનોલોજીનો રહ્યો નથી, પરંતુ પર્યાવરણ અને ભવિષ્યની સલામતીનો મુદ્દો બની ચૂક્યો છે. યુએને પણ એઆઈ ટેકનોલોજીથી પાણી, વીજળી ઉપરાંત જમીનના ક્લાઈમેટ પર અસર થશે એવી ચેતવણી આપી છે.એઆઈ ટેકનોલોજીમાં વીજળી અને પાણીનો ઉપયોગ યુઝર્સ વધશે તેની સાથે વધતો જશે. એક યુઝર એઆઈને સવાલ પૂછે અને એઆઈ તેની પ્રોસેસ કરીને જવાબ આપે કે કન્ટેન્ટ-ફોટો-વીડિયો જનરેટ કરે એટલી વારમાં ઘણી વીજળી અને પાણી વપરાઈ જાય છે. યુઝર્સનો આંકડો ઝડપભેર વધી રહ્યો છે એટલું તો ખરું જ, માતબર કંપનીઓ લોકોને બદલે એઆઈ એજન્ટ્સને કામ સોંપવા લાગ્યા છે એટલે એ પ્રોસેસિંગ પણ વધશે.
- Advertisement -
એમેઝોનના ડેટા સેન્ટર્સ પાછળ વર્ષે 900 કરોડ લિટર પાણી વપરાયું
ટેકનોલોજીની ટોચની પાંચ કંપનીઓમાં શુમાર થતી એમેઝોન કંપનીના એક લેટેસ્ટ અહેવાલ પ્રમાણે કંપનીને એક વર્ષમાં ડેટા સેન્ટર્સ પાછળ ૯૦૦ કરોડ લિટર પાણીની જરૂર પડી હતી. જોકે, કંપનીએ બચાવમાં એવું પણ કહ્યું હતું કે બીજી મોટી ટેક-કંપનીઓની સરખામણીમાં એમેઝોને ઓછું પાણી ખર્ચ્યું. એમેઝોને પહેલી વખત આ પ્રકારનો ડેટા જાહેર કર્યો હતો. એમેઝોનના કહેવા પ્રમાણે ગૂગલ, માઈક્રોસોફ્ટ, મેટા જેવી ઘણી કંપનીઓની સરખામણીએ એમેઝોને ડેટા સેન્ટર્સ પાછળ ઓછું પાણી વાપર્યું હતું. એક અંદાજ મુજબ ગૂગલે ૮૦૦ કરોડ ગેલન પાણી વાપર્યું હતું. તો માઈક્રોસોફ્ટે ૭૮ લાખ ક્યૂબિક લીટર પાણી વાપર્યું હતું. એપલે ૬૧ લાખ ક્યૂબિક મીટર પાણીનો ઉપયોગ ડેટા સેન્ટર્સ પાછળ કર્યો હતો. મેટાના ડેટા સેન્ટર્સ ૮૧ કરોડ ગેલન પાણી પી ગયા હતા.




