મકાનના રસોડાની બારી તોડીને ચોરીને અંજામ આપનાર તસ્કરોને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેરમાં આવેલ ધરતીનગર વિસ્તારમાં પરિવારજનો ઘરમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ઘરની બારી તોડી ઘરમાં રહેલ સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ચોરી ગયા હોવાની મકાનમાલિકે હળવદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી છે.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ ધરતીનગર વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ પટેલ અને તેનો પરિવાર ઘરે સુતા હતા ત્યારે રાત્રિના મકાનના રસોડાની લોખંડની બારીના સળિયા કાપી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ 15 તોલા જેટલા સોનાના દાગીના અને 20 તોલા ચાંદીના દાગીના તેમજ રોકડ રૂ. 7000 અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા. આ બનાવની જાણ પરિવારજનોને થતા જ તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી હળવદ પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા.
હળવદના ધરતીનગરમાં તસ્કરો ઘરમાંથી સોનાં- ચાંદીના દાગીના ચોરી ગયા
