મનપા અધિકારીએ સ્થળ પર પહોંચીને આપી સ્પષ્ટતા
લોડ ટેસ્ટિંગ અને ક્યુબ ટેસ્ટિંગમાં સાંઢિયા પુલ સફળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી સાંઢિયા પુલનો એક ભાગ નમી ગયો હોવાની ચર્ચાઓને લઈને આખરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. મનપાના અધિકારીએ સ્થળ પર જઈ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પુલના માળખામાં કોઈ પ્રકારની ખામી નથી અને નમવાની વાત માત્ર અફવા છે. અધિકારીએ જણાવ્યું કે એરપોર્ટ તરફથી આવતા વરસાદી પાણીના નિકાલ માટે પુલની નીચે ખાસ નાળું (ડ્રેનેજ સ્લેબ) બનાવવામાં આવ્યું છે. આ સ્લેબનો એક ભાગ સપાટ (ફ્લેટ) ડિઝાઇનમાં હોવાથી ઉપરથી જોતા સામાન્ય પુલની રચનાથી થોડો અલગ દેખાય છે. સોશિયલ મીડિયા પર આ જ ભાગના ફોટા અને વીડિયો વાયરલ થતા કેટલાક લોકોમાં ગેરસમજ ફેલાઈ હતી કે પુલનો ભાગ નીચે બેસી ગયો છે અથવા નમી ગયો છે. મનપાના જણાવ્યા મુજબ પુલના નિર્માણ દરમિયાન તમામ ટેક્નિકલ ધોરણોનું પાલન કરવામાં આવ્યું છે. પુલનું લોડ ટેસ્ટિંગ તેમજ કોંક્રિટ ક્યુબ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું અને તમામ પરીક્ષણોમાં પુલ સંપૂર્ણપણે યોગ્ય અને મજબૂત સાબિત થયો છે. અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું કે પુલની સ્ટ્રક્ચરલ સેફ્ટીમાં કોઈ પ્રકારનો ખતરો નથી અને વાહનવ્યવહાર માટે પુલ સંપૂર્ણ સુરક્ષિત છે.
તાજેતરના સમયમાં વિવિધ શહેરોમાં પુલ અને માર્ગોના નિર્માણને લઈને લોકોમાં ચિંતા વધતી હોવાના કારણે રાજકોટમાં પણ આ મુદ્દો ઝડપથી ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે મનપાની સ્પષ્ટતા બાદ હવે સ્થિતિ સ્પષ્ટ થઈ છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને કોઈપણ માહિતીની સત્તાવાર પુષ્ટિ બાદ જ તેને સાચી માને. મહાનગરપાલિકાએ જણાવ્યું કે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુણવત્તા અને સુરક્ષા અંગે સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે અને સાંઢિયા પુલ પણ તમામ સુરક્ષા માપદંડો મુજબ જ તૈયાર કરવામાં આવ્યો છે.



