રાજકોટમાં આરોગ્ય વિભાગે 25 જૂને સીલ કરેલી ફોર્ચ્યુન એનાલોગ પનીરમાં આજે તપાસ કરતા ઘટસ્ફોટ
150 ફૂટ રિંગ રોડ પર આવેલી શ્રીરામ ડેરી અને કોઠારીયા રોડ પરની શ્યામ ડેરીમાંથી એનાલોગ પનીર પકડાયુ
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા જનઆરોગ્યના હિતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધની જાહેરાત બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય ટીમે સવારથી જ શહેરના જુદા જુદા ઝોનમાં ઘનિષ્ઠ તપાસ ઝુંબેશ આદરી હતી. તપાસ દરમિયાન લાતી પ્લોટ ખાતે આવેલ ફોર્ચ્યુન પનીર એકમ પર ટીમ પહોંચી હતી અને પનીરના શંકાસ્પદ જથ્થાના સેમ્પલ મેળવ્યા હતા. નિયમોના ઉલ્લંઘન બદલ પનીરનું ઉત્પાદન અને વિતરણ કરતી 3 મહત્વની પેઢીઓને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે, જેમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી શ્રીરામ ડેરી અને કોઠારીયા રોડ પરની શ્યામ ડેરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેંટ્રલ ઝોનમાં રેલવે જંકશન સામે 16 પેઢીઓમાં તપાસ કરી 47 કિલો પનીરનો નાશ કરવામાં આવ્યો હતો. સાધુ વાસવાણી રોડ પર 10 પેઢીઓમાંથી 74 કિલો અને જામનગર રોડ પર 12 પેઢીઓમાંથી 15 કિલો મળી કુલ 136 કિલો જેટલા અખાદ્ય અને શંકાસ્પદ પનીરના જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો.
રાજકોટમાં તંત્ર દ્વારા 25 જૂને સીલ કરવામાં આવેલી એનાલોગ પનીરની ફેક્ટરી ધમધમતી હોવાનું સામે આવ્યું છે. લાતી પ્લોટ વિસ્તારમાં આવેલું એનાલોગ પનીર બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હતું. ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવા આ એનાલોગ પનીરનું ઉત્પાદન કરીને તેને બજારમાં ખુલ્લેઆમ રૂ.300 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, ગત 25 જૂનના રોજ ફૂડ વિભાગે લાતી પ્લોટ ખાતે આવેલી ‘ફોર્ચ્યુન પનીર’ નામની પેઢીને સીલ કરી હતી, છતાં આ ફેક્ટરી ફરીથી ધમધમતી જોવા મળી છે.
‘ફોર્ચ્યુન પનીર’ના માલિકે કબૂલાત કરી છે કે તેઓ પોતે કોઈ પ્રોડક્શન (ઉત્પાદન) કરતા નહોતા પરંતુ આ હાનિકારક એનાલોગ પનીરનો જથ્થો જૂનાગઢથી મગાવવામાં આવતો હતો. અહીંથી કોઈ પણ પ્રકારની ‘એક્સપાયરી ડેટ’ દર્શાવ્યા વિના પેકિંગ કરીને દરરોજ આશરે 25 કિલો જેટલું પનીર જથ્થાબંધ ભાવે બજારમાં વેચી દેવાતું હતું.




