28 વર્ષની સ્વિમિંગ સફર : ઓપન વોટરથી માસ્ટર્સ ચેમ્પિયનશિપ સુધી અવનીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી
1998માં પિતાના પ્રોત્સાહનથી 5 વર્ષની ઉંમરે અવની સાવલિયાએ દરિયામાં સ્વિમિંગથી કરી શરૂઆત
- Advertisement -
હવે એશિયન ઈન્ટરનેશનલ માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પાણીમાં પોતાની પ્રતિભા રજૂ કરશે
બંકિમભાઇ જોશી અવનીના કોચ અને માર્ગદર્શક તરીકે સતત જોડાયેલા રહ્યા છે
બાળપણથી આજ સુધી તાલીમ અને સ્પર્ધાઓમાં માતાએ સતત સાથ, હિંમત અને પ્રોત્સાહન આપ્યું
- Advertisement -
રાજકોટની સ્વિમર અવની સાવલિયાની સ્વિમિંગ સફર માત્ર મેડલ અને સ્પર્ધાઓની સિદ્ધિઓ પૂરતી નથી, પરંતુ બાળપણમાં જોયેલા સપનાને સતત મહેનત, શિસ્ત અને સમર્પણથી સાકાર કરવાની પ્રેરણાદાયી સફર રહી છે.
માત્ર 5 વર્ષની ઉંમરે સ્વિમિંગ શરૂ કરનાર અવની હવે આંતરરાષ્ટ્રીય મંચ તરફ આગળ વધી રહી છે. તેમના પિતા રમેશભાઈ સાવલિયાને રમતગમત પ્રત્યે ખાસ લગાવ હોવાથી તેમણે દીકરીને સ્વિમિંગ ક્ષેત્રે આગળ વધવા માટે
પ્રોત્સાહન આપ્યું હતું. શરૂઆતથી જ કોચ બંકિમ જોશીએ અવનીને તાલીમ આપી હતી. વર્ષો બાદ પણ બંકિમ જોશી તેમના કોચ અને માર્ગદર્શક તરીકે સતત જોડાયેલા છે. આ સફરમાં માતા રંજનબેન સાવલિયાનો ફાળો પણ
એટલો જ મહત્વપૂર્ણ રહ્યો છે. બાળપણથી આજ સુધી તાલીમ, સ્પર્ધાઓમાં માતાએ સતત સાથ આપ્યો છે. અવની પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા, કોચ બંકિમ જોશી અને મિત્રો સહિત પોતાની સમગ્ર સપોર્ટ સિસ્ટમને આપે
છે.
અવનીએ માત્ર 5 વર્ષની ઉંમરે વેરાવળના દરિયામાં સ્વિમિંગ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2000માં ગાંધીનગર ખાતે તેમની પ્રથમ સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ હતી. અહીંથી સ્પર્ધાત્મક સ્વિમિંગની શરૂઆત થઈ અને ત્યારબાદ તેમણે
જિલ્લા તથા રાજ્ય કક્ષાની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક મેડલ જીત્યા હતા. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પણ અવનીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. બાળપણમાં પાણીમાં ઉતરેલી
આ સ્વિમર આજે પોતાની સિદ્ધિઓથી રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે અને હવે આંતરરાષ્ટ્રીય મંચ પર નવી સિદ્ધિ હાંસલ કરી રાજકોટ મહાનગરપાલિકાનું નામ રોશન કરશે.
ભાગીરથી નદીમાં 2 કલાક 50 મિનિટ સ્વિમિંગ કર્યું
વર્ષ 2008માં મુર્શિદાબાદ ખાતે ભાગીરથી નદીમાં યોજાયેલી પ્રતિષ્ઠિત ઓપન વોટર સ્વિમિંગ સ્પર્ધામાં અવનીએ ભાગ લીધો હતો. જે તેમણે 2 કલાક 50 મિનિટમાં પૂર્ણ કરી હતી. વર્ષ 2013, 2014 અને 2015 દરમિયાન
યોજાયેલી ઓલ ઇન્ડિયા ઇન્ટર કોલેજ સ્વીંમીગ ચેમ્પિયનશીપમાં અવની સાવલિયાએ શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું.
દ્વારકાથી સોમનાથ સુધી 250 કિમીનું ઓપન વોટર ચેલેન્જ 10 દિવસમાં પૂર્ણ કર્યું
અવનીની સ્વિમિંગ કારકિર્દીની સૌથી પડકારજનક સિદ્ધિઓમાં દ્વારકાથી સોમનાથ સુધીનું આશરે 250 કિલોમીટરનું ઓપન વોટર સ્વિમિંગ ચેલેન્જ પણ સામેલ છે. તેમણે આ પડકારજનક સફર 10 દિવસમાં પૂર્ણ કરી હતી. આ
સમગ્ર સફરમાં કોચ બંકિમ જોશીના માર્ગદર્શન અને તાલીમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
2018થી રાજકોટ મનપાના સ્વિમિંગમાં કોચ તરીકે નવી જવાબદારી સંભાળી
સ્વિમિંગમાં પોતાની કારકિર્દી આગળ વધારવાની સાથે અવનીએ રમત ક્ષેત્રે નવી ભૂમિકા પણ સ્વીકારી. વર્ષ 2018માં તેમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર સ્વિમિંગ કોચ તરીકે નોકરી મળી હતી. ખેલાડી તરીકે
પોતાની રમત જાળવી રાખવાની સાથે તેઓ કોચ તરીકે પણ નવી પેઢીના સ્વિમર્સને તાલીમ આપવાની જવાબદારી નિભાવી રહ્યાં છે.
2025માં ત્રણ ગોલ્ડ બાદ 2026માં ચાર ગોલ્ડ
વર્ષ 2025માં રાજકોટ ખાતે યોજાયેલી 14મી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ એક્વેટિક ચેમ્પિયનશિપમાં અવનીએ 50 મીટર બટરફ્લાય, 100 મીટર બટરફ્લાય અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ મેળવી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
વર્ષ 2026માં યોજાયેલી 15મી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ એક્વેટિક ચેમ્પિયનશિપમાં અવનીએ ચારેય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
હવે અવની આંતરરાષ્ટ્રીય મંચ પર રાજકોટ મહાનગરપાલિકાનું નામ રોશન કરશે.
રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર પ્રદર્શન કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા સ્વિમિંગ કોચ અવની સાવલિયાની પસંદગી એશિયન ઈન્ટરનેશનલ માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2026 માટે થઈ છે. આ સ્પર્ધા બેંગલુરુ ખાતે યોજાવાની
છે. હવે અવની આંતરરાષ્ટ્રીય મંચ પર રાજકોટ મહાનગરપાલિકાનું નામ રોશન કરશે.
નેશનલ માસ્ટર્સમાં ગુજરાત માટે ત્રણ મેડલ
બહાદુરગઢ ખાતે યોજાયેલી 22મી નેશનલ માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2026માં અવની સાવલિયાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અહીં તેમણે શાનદાર પ્રદર્શન કરીને ત્રણ મેડલ મેળવ્યા હતા.
200 મીટર બટરફ્લાય — ગોલ્ડ મેડલ
50 મીટર બટરફ્લાય — સિલ્વર મેડલ
100 મીટર બટરફ્લાય — સિલ્વર મેડલ




