46% સરકારી હોસ્પિટલો ધોરણોમાં નિષ્ફળ, 70% જગ્યાઓ પણ ખાલી
કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે. સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે અનામત પેકેજોની સંખ્યા ૨૩થી વધારીને ૧૧૨ કરવાની દરખાસ્ત છે. આ અંગે રાજ્યો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. ૨૫ નવેમ્બર સુધી મળેલા સૂચનો પર આરોગ્ય મંત્રાલય વિચાર કરી રહ્યું છે. દરખાસ્તમાં આ ફેરફારો ૧ ડિસેમ્બરથી લાગુ કરવાની વાત કરવામાં આવી છે. જોકે, સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના ૨૦૨૪-૨૫ના અહેવાલ મુજબ, ૮૯% સરકારી હોસ્પિટલોના સ્વ-મૂલ્યાંકનમાં માત્ર ૫૪% હોસ્પિટલો જ ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ્સ (IPHS)માં ૫૦%થી વધુ સ્કોર મેળવી શકી હતી. એટલે કે, ૪૬% હોસ્પિટલો આ સ્તર સુધી પહોંચી શકી નથી. બીજી તરફ, સરકારે આ વર્ષે તમામ હોસ્પિટલોના મૂલ્યાંકન બાદ ૬૪% હોસ્પિટલોનો સ્કોર ૫૦%થી વધુ હોવાનો દાવો કર્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે સરકારી આરોગ્ય માળખું ૧૧૨ પેકેજોનો બોજ કેવી રીતે સંભાળશે.
- Advertisement -
112 પેકેજમાં સામેલ મુખ્ય બીમારીઓ અને સારવાર
સામાન્ય અને ક્રોનિક રોગોઃ ગંભીર એનિમિયા, અનિયંત્રિત/તીવ્ર હાઈ બીપી, એક્યુટ બ્રોન્કાઈટિસ, ડાયેરિયા, ગેસ્ટ્રોએન્ટરાઈટિસ, યુરિન ઈન્ફેક્શન, કિડની સ્ટોનનો દુખાવો, ડાયાબિટિક ફૂટ અને રેટિનોપેથી/ગ્લૂકોમાની તપાસ.
સર્જરી અને પ્રક્રિયાઓઃ પાઈલ્સ અને ફિશરની સર્જરી, હાઈડ્રોસીલ, બાયોપ્સી, સ્તનમાં ગાંઠ અને સિસ્ટ/લાઈપોમા દૂર કરવું, ગર્ભાશય/ફાઈબ્રોઈડ સંબંધિત પ્રક્રિયાઓ.
સરકારી આરોગ્ય-ઈન્ફ્રાસ્ટ્રકચરની ખામીઓ
1. પથારીઓ: ૧,૦૦૦ લોકો દીઠ ૧ બેડનું ધોરણ અધૂરું દરેક જિલ્લામાં ૧,૦૦૦ની વસતિ દીઠ ૧ બેડ ફરજિયાત અને ૨ બેડ ઇચ્છનીય છે. જિલ્લા હોસ્પિટલોમાં બેડની અછતને કારણે દર્દીઓનો સંપૂર્ણ ભાર મેડિકલ કોલેજો પર છે. ગ્રામીણ વિસ્તારોમાં કિડની-લિવરના દર્દીઓ વધી રહ્યા છે, જેમના માટે જિલ્લા સ્તરે ન તો વોર્ડ છે, ન તો બેડ.
2. ક્રિટિકલ કેર: ૯૯% ICU બ્લોક્સ અધૂરા જિલ્લા હોસ્પિટલોમાં મંજૂર થયેલા ૫૭૭ ક્રિટિકલ કેર બ્લોક્સમાંથી માત્ર ૬ જ બન્યા છે. નેશનલ હેલ્થ પ્રોફાઇલ ૨૦૨૩ મુજબ સરેરાશ આયુષ્ય ૭૦ વર્ષ થઈ ગયું છે. વૃદ્ધ વસ્તી વધવાથી હૃદય અને શ્વસન સંબંધિત ગંભીર રોગો ઝડપથી વધી રહ્યા છે, જે દેશમાં મૃત્યુના ટોચના કારણોમાં સામેલ છે.
3. ડોક્ટર્સ: કરાર આધારિત વ્યવસ્થા પર સુપર-સ્પેશિયાલિટી સારવારનો આધાર ૧૧૨ પેકેજ માટે કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ઓન્કોલોજી અને નેફ્રોલોજીના નિષ્ણાતોની જરૂર છે. વાર્ષિક અહેવાલ મુજબ, એનએચએમ હેઠળ ૩.૮૯ લાખ કર્મચારીઓ કરાર આધારિત છે. તેમાં માત્ર ૫,૦૬૨ નિષ્ણાતો છે. ૧,૨૪૩ શહેરોમાં કુલ ૩૭૪ નિષ્ણાતો જ કાર્યરત છે.
4. આયુષ્માનઃ ખાનગી ક્ષેત્ર પર નિર્ભરતાનું જોખમ આયુષ્માનમાં સૂચિબદ્ધ ૩0,0૭૨ હોસ્પિટલોમાંથી ૪૮% ખાનગી છે. સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેન, ખઈં, ડાયાલિસિસ અને નિષ્ણાતોની અછત રહે છે. આવી સ્થિતિમાં, ૮૯ નવા પેકેજના જટિલ કેસોમાં રેફરલ અને ખાનગી હોસ્પિટલોના ક્લેમ વધવાનું જોખમ રહેશે.



