દિવ્ય દરબારમાં
શું થશે તેનાં પર સૌની મીટ
હું વિરોધી નથી, આલોચક છું: પીપળિયા
- Advertisement -
પોલીસ સુરક્ષા મળે કે ન મળે, હું દિવ્ય દરબારમાં જઈશ: પરષોત્તમ પીપળિયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બાગેશ્ર્વર ધામના પીઠાધીશ્ર્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અત્યારે ગુજરાતના રાજકોટ ખાતે આયોજિત તેમની ત્રણ દિવસીય ‘સનાતન સેતુ હનુમંત કથા’ અને ‘દિવ્ય દરબાર’ને કારણે ભારે વિવાદ અને ચર્ચામાં છે. વિવાદનું મુખ્ય કારણ કથાની સાથે યોજાનારો દિવ્ય દરબાર અને તેમાં ચાલતી ચિઠ્ઠી પ્રથા છે. સામાજિક આગેવાન અને કાયદેઆઝમ પરષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, ચમત્કાર, તાંત્રિક વિદ્યા કે મેલિવિદ્યા જેવું કશું હોતું નથી. મારી પર મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ. બીજું કે આજથી વર્ષો પહેલા ગુમ થયેલો બાળક મોહિલ ક્યાં છે એ વિશે પણ બાબા જણાવે. પરષોત્તમ પીપળીયાના આ નિવેદન બાબતે આયોજક દ્વારા બાબા બાગેશ્ર્વરનું ધ્યાન દોરવામાં આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પડકાર ફેંકનારા લોકોને દરબારમાં આવવાની ચેલેન્જ આપી છે. અગાઉ કથાના આયોજન સમિતિમાં રહેલા મંગેશભાઈ દેસાઈ પણ જણાવ્યું હતું કે, જેમને ચેલેન્જ કરવી હોય તે કરે અને રૂબરૂ દરબારમાં આવી શકે છે.
હવે જ્યારે રાજકોટના રેસકોર્સમાં બાબા બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ‘સનાતન સેતુ હનુમાન કથા’નો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે આવતીકાલે કથાના ત્રીજા અને અંતિમ દિવસે દિવ્ય દરબારનું આયોજન થવાનું છે. આ દિવ્ય દરબારમાં પરષોત્તમ પીપળીયા હાજર રહી બાબાની ચેલેન્જનો સ્વીકાર કરશે એવું જાણવા મળી રહ્યું છે. કથાનો વિરોધ નથી પરંતુ કથાના નામે યોજાતા દિવ્ય દરબાર-પ્રેત દરબાર અંધશ્રધ્ધા ફેલાવતો હોવાના દાવા સાથે તેની પરવાનગી રદ કરવી જોઈએ તેવી માંગણી સાથે પરષોત્તમ પીપળીયાએ પોલીસમાં લેખિત ફરિયાદ પણ કરી છે. આ સમગ્ર મામલે આજરોજ ’ખાસ-ખબર’ દ્વારા પરષોત્તમ પીપળીયાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, દિવ્ય દરબારમાં જવા માટે મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે અને નહીં આપવામાં આવે તો પણ હું એમનેમ જઈશ. પરંતુ જઈશ ખરો. આ સાથે મને મારી વિડીયોગ્રાફી કરવાની પરવાનગી આપવામાં આવે. જો કોઈ પ્રકારની પરવાનગી નહીં મળે તો પણ હું એકલો દિવ્ય દરબારમાં જઈશ. દિવ્ય દરબારમાં જવું જરૂરી બની ગયું છે કારણ કે બાબાએ ચેલેન્જ ફેંકી છે, બાબાએ પડકાર ફેંક્યો છે, આમંત્રણ નથી આપ્યું. અને હું બાબાનો વિરોધી નથી પરંતુ આલોચક છું. વાણી ને શબ્દોથી આલોચના કરી શકું છું. દેખાવ કરવાનું મારું કામ નથી, હું એક આલોચક તરીકે બાબાના દરબારમાં જવાનો છું એવું પરષોત્તમ પીપળીયાએ ‘ખાસ-ખબર’ને જણાવ્યું છે.
પરષોત્તમ પીપળીયાએ પણ બાબા બાગેશ્ર્વર ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું કે, રાજકોટમાં વર્ષોથી અપહરણ થયેલો બાળક મોહિલ કયાં છે એ બાબા બાગેશ્ર્વર કહી શકશે? જો કોઈપણ ચમત્કારિક બાબા પોતાની પાસે આવી શક્તિઓ હોવાનો દાવો કરતા હોય, તો તે ખુલ્લેઆમ મારી પાસે આવે અને મારા પર પોતાની તમામ મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ. હું આવા કોઈપણ પડકારનો સામનો કરવા માટે અને તેમની સામે આવવા માટે મનથી બિલકુલ તૈયાર છું. આ પડકાર આપવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે જનતા સમક્ષ સત્ય ઉજાગર થઈ શકે.



