પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના જન્મદિવસે વરિષ્ઠ ભાજપ અગ્રણી ગોવિંદભાઈ પટેલે સંસ્મરણો તાજા કર્યા
જનસંઘથી મુખ્યમંત્રી સુધીની કેશુભાઈ પટેલની સફરને ગોવિંદભાઈ પટેલે કરી યાદ
- Advertisement -
1971થી શરૂ થયેલા સહપ્રવાસને યાદ કરતાં ખેડૂત હિત, ગામડાના વિકાસ, સિંચાઈ, નર્મદા પાણી યોજના, ગોકુળગ્રામ અને અમદાવાદ-રાજકોટ ફોર ટ્રેક હાઈવે જેવા ઐતિહાસિક નિર્ણયોનું સ્મરણ કર્યું
પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના જન્મદિવસે વરિષ્ઠ ભાજપ અગ્રણી ગોવિંદભાઈ પટેલે તેમની સાથે વિતાવેલા લાંબા રાજકીય અને સામાજિક જીવનના સંસ્મરણો તાજા કરતાં કેશુભાઈ પટેલને કોઠાસૂઝ, દીર્ઘદ્રષ્ટિ અને કર્તવ્યનિષ્ઠાના પ્રતિક ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે કેશુભાઈ પટેલ ભૌતિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે ગુજરાતના વિકાસ માટે કરેલા ઐતિહાસિક કાર્યો આજે પણ જીવંત છે અને તેમની કાર્યશૈલી લોકોના હૃદયમાં અંકિત છે.
ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે વર્ષ 1971થી તેઓ કેશુભાઈ પટેલના નજીકના સંપર્કમાં આવ્યા હતા. તે સમયગાળા દરમિયાન જનસંઘ કોંગ્રેસ સામે રાજકીય રીતે સંઘર્ષ કરી રહ્યો હતો. 1972ની વિધાનસભા ચૂંટણીમાં કેશુભાઈ પટેલે વાંકાનેર અને રાજકોટ-1 બેઠક પરથી જનસંઘના ‘દીપક’ નિશાન પર ચૂંટણી લડી હતી. ચૂંટણીમાં પરાજય છતાં તેમણે ક્યારેય હિંમત હારી નહોતી અને સમગ્ર ગુજરાતમાં જનસંઘને મજબૂત બનાવવા માટે સતત કાર્ય કર્યું હતું.
- Advertisement -
તેમણે યાદ કર્યું કે તે સમયના ગ્રામ્ય વિસ્તારમાં જનસંઘને ખેડૂત વિરોધી પક્ષ તરીકે જોવામાં આવતો હતો. પરંતુ કેશુભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રસ્થાને રાખીને આ છાપ સંપૂર્ણપણે બદલી નાખી. ખેડૂતોને વીજળી, પાણી, પાક ઉપર લાગતી લેવી, મગફળીના ઉત્પાદનની ફરજિયાત નોંધણી અને રાજ્ય બહાર કૃષિ પેદાશોના વેચાણ ઉપરના પ્રતિબંધ જેવા અનેક પ્રશ્નો સામે તેમણે જંગી લડત ચલાવી હતી. પરિણામે ખેડૂતોમાં જનસંઘ પ્રત્યે વિશ્વાસ વધ્યો અને પક્ષને ગ્રામ્ય ગુજરાતમાં મજબૂત પાયો મળ્યો.
ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે 1975માં જનતા મોરચાની સરકારમાં કેશુભાઈ પટેલને કૃષિ અને સિંચાઈ જેવા મહત્ત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે ગામડાઓના વિકાસ માટે રસ્તા, પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપી હતી. તે સમયના ઊર્જામંત્રી મકરંદભાઈ દેસાઈ સાથે મળીને સેંકડો ગામોમાં વીજળી પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય થયું હતું. સાથે જ નાના અને મધ્યમ કદના સિંચાઈ ડેમો બનાવી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 1995માં મુખ્યમંત્રી બન્યા બાદ કેશુભાઈ પટેલે ગોકુળગ્રામ યોજના શરૂ કરીને ગામડાઓમાં શહેરી સુવિધાઓ પહોંચાડવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો. ગામડાઓને સ્વચ્છ, સુવિધાસભર અને વિકાસના માર્ગે આગળ વધારવાના તેમના પ્રયાસોએ ગ્રામ્ય ગુજરાતનું ચિત્ર બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ગોવિંદભાઈ પટેલે વર્ષ 1998ના ભયંકર દુષ્કાળને યાદ કરતાં જણાવ્યું કે તે સમયે સૌરાષ્ટ્રમાં માનવજીવન અને પશુધન બંને ગંભીર સંકટમાં મુકાયા હતા. ત્યારે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં નર્મદા ડેમથી આશરે 650 કિલોમીટર લાંબી પાણીની પાઇપલાઇન અને અનેક પમ્પિંગ સ્ટેશનો ઉભા કરીને મહી-પરિયેજ યોજના મારફતે ટૂંકા સમયમાં સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું હતું. આ નિર્ણયે લાખો લોકોને દુષ્કાળના કપરા સમયમાં મોટી રાહત આપી હતી.
અમદાવાદ-રાજકોટ હાઈવે અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે આ માર્ગ ‘ગોઝારા રોડ’ તરીકે ઓળખાતો હતો અને રોજબરોજ જીવલેણ અકસ્માતો થતા હતા. કેશુભાઈ પટેલે દૂરંદેશી નિર્ણય લઈને આ માર્ગને ફોર-ટ્રેક હાઈવેમાં પરિવર્તિત કર્યો, જેના કારણે અસંખ્ય માનવજીંદગીઓ બચી શકી. આજે કેન્દ્ર સરકાર દ્વારા આ માર્ગને સિક્સ-લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ માર્ગના આધુનિકીકરણની શરૂઆત કરવાનો શ્રેય કેશુભાઈ પટેલને જ જાય છે.
તેમણે 1986થી 1988 દરમિયાન પડેલા દુષ્કાળનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે સમયે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ મારફતે દક્ષિણ ગુજરાતમાંથી શેરડીનો ચારો મંગાવી 12 જેટલા કેટલ કેમ્પો શરૂ કરવામાં આવ્યા હતા અને માત્ર એક રૂપિયામાં 20 કિલો ચારો ઉપલબ્ધ કરાવી હજારો પશુઓને બચાવવાનો માનવતાભર્યો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગોવિંદભાઈ પટેલે મોરબીના મચ્છુ ડેમ દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 1979ની આ ભયાનક હોનારત બાદ મોરબીને ફરી બેઠું કરવા અને અસરગ્રસ્તોને સહાય પહોંચાડવામાં પણ કેશુભાઈ પટેલે અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયના વિચારને સાકાર કરતાં વિકાસના ફળ છેવાડાના ગરીબ માણસ સુધી પહોંચે તે માટે જીવનભર કાર્ય કર્યું હતું.
અંતમાં ગોવિંદભાઈ પટેલે ભાવુક શબ્દોમાં જણાવ્યું કે કેશુભાઈ પટેલે પોતાની તબિયતની પરવા કર્યા વિના ગુજરાત અને ગુજરાતના લોકો માટે અવિરત સેવા આપી હતી. તેમની કાર્યપ્રણાલી, વિકાસદ્રષ્ટિ અને કર્તવ્યનિષ્ઠા આજે પણ સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે.
“ધન્ય છે તેમની કાર્યશૈલી, ધન્ય છે તેમની દૂરંદેશી અને ધન્ય છે ગુજરાતના વિકાસ માટેનું તેમનું અવિસ્મરણીય યોગદાન.” : પૂર્વ ધારાસભ્ય ગોવિદભાઇ પટેલ




