લડાયક વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે પર્દાફાશ કર્યા બાદ વધુ એક કાર્યવાહી
DEOની કડક કાર્યવાહી, નોટિસ, રૂ.1 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવશે
ધોરણ 1 થી 8 ના 450 જેટલા વિદ્યાર્થીઓને મંજૂરી વાળા બિલ્ડીંગમાં શિફ્ટ કરવા પડશે
- Advertisement -
રાજકોટમાં શિક્ષણના નામે નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા અંગ્રેજી માધ્યમની સ્કૂલ છેલ્લા બે વર્ષથી સ્થળ ફેરફારની સત્તાવાર મંજૂરી લીધા વિના જ ચાલી રહી હતી, જેનો ખુલાસો કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ સમિતિના અહેવાલમાં થયો હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસમાં સ્કૂલ દ્વારા મંજૂરી વિના અન્ય સ્થળે શાળા ચલાવવામાં આવી હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગુજરાત RTE નિયમો હેઠળ શો-કોઝ નોટિસ ફટકારી માન્યતા રદ કરવા સહિત દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ સમગ્ર ઘટનાથી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1થી 8ના આશરે 450 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે.
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે RTE નિયમ-14 મુજબ કાર્યવાહી શરૂ થશે. પ્રથમ શો-કોઝ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ એક લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરાશે. જો કાર્યવાહી અંતિમ તબક્કે પહોંચશે તો વિદ્યાર્થીઓને હાલના કેમ્પસમાંથી મંજૂર થયેલી જૂની શાળાની ઇમારતમાં ખસેડવાની ફરજ પડશે, જે હાલના સ્થળથી આશરે અડધો કિલોમીટર દૂર આવેલી છે.
- Advertisement -
આ સમગ્ર મામલો કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કરાયેલી રજૂઆત બાદ બહાર આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ન્યૂ ફ્લોરા તેમજ પ્રીમિયર સ્કૂલ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે શિક્ષણ વિભાગે તપાસ સમિતિ રચી હતી. સમિતિએ સ્થળ પર જઈ તપાસ કરી, જવાબદાર લોકોના નિવેદનો લીધા અને અહેવાલ સોંપ્યો. ત્યારબાદ સ્કૂલ સામે માન્યતા કેમ રદ ન કરવી તે અંગે નોટિસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
રોહિતસિંહ રાજપૂતે વધુમાં દાવો કર્યો હતો કે રાજકોટમાં આવી 15થી 20 જેટલી શાળાઓ કાર્યરત છે, જ્યાં નિયમોના ભંગની આશંકા છે અને આગામી દિવસોમાં તે અંગે પણ ખુલાસા કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, વાલીઓ લાખો રૂપિયાની ફી ચૂકવે છે ત્યારે વિદ્યાર્થીઓને સુરક્ષિત, નિયમસર અને મંજૂર સુવિધાઓમાં શિક્ષણ મળવું જોઈએ. સરકારના શિક્ષણ નિયમોનું કડક પાલન થાય તે જ તેમની લડતનો મુખ્ય હેતુ છે.
આ સ્કૂલમાં અગાઉ સાડીનું કારખાનું કાર્યરત હતુ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યાં હાલમાં ન્યૂ ફ્લોરા સ્કૂલ ચાલી રહી છે ત્યાં અગાઉ સાડીનું કારખાનું કાર્યરત હતું. બાદમાં ત્યાં શેડ ઊભો કરીને છેલ્લા બે વર્ષથી સ્કૂલ શરૂ કરવામાં આવી હતી, જે હવે તપાસના કેન્દ્રમાં આવી ગઈ છે.
સમિતિનો અહેવાલ મળી ગયો છે હવે બે દિવસમાં અંતિમ નિર્ણય લેવાશે : જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ
મંજૂરી વિના સ્થળ ફેરફાર અંગે રજૂઆત મળતા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવામાં આવી હતી. સમિતિએ પોતાનો અહેવાલ સોંપી દીધો છે અને હવે સ્કૂલ સામે કઈ પ્રકારની કાર્યવાહી કરવી તે અંગેનો અંતિમ નિર્ણય આગામી એક-બે દિવસમાં લેવામાં આવશે.
RTEના નિયમો શું કહે છે?
ગુજરાત RTE નિયમો, 2012ના નિયમ-14 (Withdrawal of Recognition) મુજબ, જો કોઈ શાળા માન્યતાની શરતોનો ભંગ કરે, મંજૂરી વિના સ્થળ બદલાવે અથવા મંજૂર ઇમારત સિવાય અન્ય સ્થળે શાળા ચલાવે, તો સક્ષમ અધિકારી દ્વારા શો-કોઝ નોટિસ આપવામાં આવે છે. તપાસ પૂર્ણ થયા બાદ જરૂર જણાય તો શાળાની માન્યતા રદ કરવા સહિત દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે.




