પેપર લીક મામલે વિદ્યાર્થીહિતને હાથો બનાવી રાજકીય અસ્થિરતા ઊભી કરવાનો એજન્ડા
લોકશાહીમાં કોઇપણ પ્રશ્નો ઉકેલ ચર્ચા અને કાયદાકીય પ્રક્રિયાથી જ શક્ય છે
- Advertisement -
રાજધાની દિલ્હીમાં તાજેતરમાં પરીક્ષા અને ભરતી મામલે પેપર લીકના મુદ્દાને લઈને જે રીતે આંદોલન અને વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે, તેને લઈને રાજકીય અને સામાજિક ક્ષેત્રે મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે. દિલ્હીના રસ્તાઓ પર થઈ રહેલા આ ચક્કાજામ અને હિંસક વિરોધ પાછળ વિદ્યાર્થીઓના હિત કરતાં દેશમાં રાજકીય અસ્થિરતા ઊભી કરવાનો વિરોધ પક્ષોનો સુનિયોજિત એજન્ડા સ્પષ્ટપણે છતો થઈ રહ્યો છે.
દિલ્હીમાં યોજાયેલા આંદોલનની અંદર જે પ્રકારની હિંસા, સડક છાપ વિરોધ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ સામે આવી છે, તે દર્શાવે છે કે વિરોધ પક્ષો દેશમાં નેપાળ અને બાંગ્લાદેશ જેવી અરાજકતા તેમજ અસ્થિરતાનો વાતાવરણ ઊભું કરવા માગે છે. નેપાળમાં જે રીતે રસ્તાઓ પર ઉતરીને તંત્રને ઠપ્પ કરી દેવામાં આવ્યું હતું અને શાસનને ભાંગી પાડવાના પ્રયાસો થયા હતા, તે જ તર્જ પર દિલ્હીના યુવાનોને ગેરમાર્ગે દોરીને ભારત જેવા શાંત અને સમૃદ્ધ દેશને પણ એ જ દશા તરફ ધકેલવાના વિપક્ષી હવાતિયાં ચાલુ છે.
વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે પારદર્શક પરીક્ષા પદ્ધતિ લાવવી એ અત્યંત આવશ્યક છે અને સરકાર દ્વારા તે માટે કડક કાયદાકીય પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. પરંતુ આ સંવેદનશીલ મુદ્દાનો ઉપયોગ કરીને દિલ્હીની શાંતિ ડહોળવી, જનજીવન અસ્તવ્યસ્ત કરવું અને સરકાર વિરુદ્ધ ભ્રામક પ્રચાર કરવો એ માત્ર યુવાનોના ભવિષ્ય સાથેનો મોટો ખેલ છે.
- Advertisement -
દેશના રાજકીય અને સામાજિક તજજ્ઞોનું સ્પષ્ટ માનવું છે કે, લોકશાહીમાં કોઈપણ પ્રશ્નનો ઉકેલ ચર્ચા અને કાયદાકીય પ્રક્રિયાથી જ શક્ય છે. વિરોધના નામે દેશની રાજધાની દિલ્હીને અરાજકતાનું કેન્દ્ર બનાવીને નેપાળ જેવી કટોકટી ઊભી કરવાના વિરોધ પક્ષના પ્રયાસોને દેશની જાગૃત જનતા અને યુવાનો ક્યારેય સફળ થવા દેશે નહીં.




