તાકાત હોય તો પકડી બતાવો… પોલીસને આરોપીનો ખુલ્લો પડકાર
કુખ્યાત આરોપીઓ અરજણ હુંબલ અને સંજય હુંબલ ફરાર
પીઢ પત્રકાર જગદિશ તેરૈયાની બાહોશ કામગીરીથી લુખ્ખાઓ પર ફરિયાદ નોંધાતા સ્થાનિક રહેવાસીઓમાં હાશકારો
જામનગર રોડ પર આવેલા માધાપર ગામના ઈશ્વરીયા મહાદેવ પાર્ક શેરી નં.4માં ફટાકડા ફોડવાની ના પાડનાર પીઢ પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી આપી મારવા દોડેલા ત્રણ શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પીઢ પત્રકાર જગદિશ તેરૈયાની બાહોશ કામગીરીથી લુખ્ખાઓ પર ફરિયાદ નોંધાતા રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. ધમકીના બનાવ અંગે ઈશ્વરીયા મહાદેવ પાર્ક, શેરી નં.4 બજરંગ કૃપા મકાનમાં રહેતા જગદીશભાઈ સામતભાઈ તેરૈયા જાતે બ્રાહ્મણ ઉ.વ.52 ધંધો પત્રકારની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ફટાકડા ફોડવાની ના પાડતા પાઈપ જેવા હથિયારો સાથે હુમલો કરવા દોડેલા અરજણભાઈ હુંબલ, સંજય હુંબલ, એક કુંભારના છોકરા સામે ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોઁધ્યો છે. પોલીસ સબ ઈન્સપેકટર પી.કે.કિશ્વને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આરોપીને પોલીસનો કોઈ ડર ન હોય તેમ પોલીસ પકડમાં આવે તે અગાઉ જ ફરાર થઈ ચૂક્યા છે અને પોલીસને પણ તાકાત હોય તો પકડી બતાવો તેવો પડકાર ફેંકી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં દિવસેને દિવસે લુખ્ખા આવારા તત્ત્વોની ખુલ્લેઆમ દાદાગીરી વધતી રહી છે. લુખ્ખા તત્ત્વો જાહેરમાં લોકોને કનડગત રૂપ બની રહ્યા છે ત્યારે થોડા દિવસો અગાઉ ફરી એક વખત લુખ્ખા તત્ત્વોની લુખ્ખાગીરી ઈશ્ર્વરીયા મહાદેવ પાર્કમાં સામે આવી છે.
- Advertisement -
સરાજાહેર આ લુખ્ખાઓ બેફામ ફટાકડા ફોડવા લાગ્યા હતા. જ્યારે રહેવાસીઓએ ફટાકડા ફોડવાની મનાઈ કરતાં આ લુખ્ખાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે ગાંધીગ્રામ પો.સ્ટેશનમાં રહેવાસીઓ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે. આ અંગે જગદીશભાઈ તેરૈયા નામના પત્રકારે જણાવ્યું હતું કે રાત્રે 1 વાગ્યાની આસપાસ કેટલાંક લુખ્ખાઓ ઘર પાસે ફટાકડા ફોડતા હતા ત્યારે ફટાકડા ફોડવાની મનાઈ કરતાં સોસાયટી તારા બાપની છે તેમ કહી સફેદ કલરની બોલેરોમાંથી ધોકા-પાઈપ કાઢી મારવા પાછળ દોડેલા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આમ આ અંગે ઘટતું કરવા અને આવારા તત્ત્વો સામે ધોરણસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવી છે જે અંગે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સખ્તાઈથી કામ કરે તો લુખ્ખાઓ કડકાઈ બંધ કરે
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માધાપર ચોકડી પાસે લુખ્ખાઓ બેફામ બની ત્રાસ વર્તાવી રહ્યા છે. હાલમાં જ અરજણ હુંબલ અને સંજય હુંબલ નામના લુખ્ખાઓએ માધાપર ચોકડી પાસે આંતક મચાવ્યો હતો જે લુખ્ખાઓ પર એક જાગૃત પત્રકારની અરજીના આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અરજણ હુંબલ અને સંજય હુંબલ નામના આ લુખ્ખા તત્વો માધાપર ચોકડીથી લઈ ઘંટેશ્વર સુધીના વિસ્તારમાં કુખ્યાત છે. સ્થાનિક રહેવાસીઓ અરજણ અને સંજયના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આવા લુખ્ખાઓને પકડી પોલીસ લીમડાનો સ્વાદ ચખાડી પાઠ ભણાવે તે જરૂરી છે. કેમ કે, જો પોલીસ સખ્તાઈથી કામ કરી દાખલો બેસાડશે તો જ લુખ્ખાઓની કડકાઈ બંધ થશે.


