ભારતના ઈલેકટ્રોનિક ઉપકરણો માટેના કાચા માલનો પુરવઠો ચીન પર નિર્ભર
હાલ ચીનમાં કોરોના સંક્રમણમાં સતત વધારાને જોતા અને શહેરોમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે, જેમાં ચીનનું ટેક હબ શેનજેન પણ સામેલ છે. જાણકારોનું કહેવું છે કે જો ચીનમાં લોકડાઉન લંબાય તો ભારતમાં ટેલિવિઝન, લેપટોપ અને સ્માર્ટફોનની કિંમતોમાં વધારો થઈ શકે છે.
આઈડીસીના રિસર્ચ ડાયરેકટર નવકારસિંહનું કહેવું છે કે ભારત લગભગ 20થી 50 ટકા ઈલેકટ્રોનિક સાધનોના પુરવઠા માટે ચીન પર નિર્ભર છે, તેમાં શેનઝેન શહેરની મોટી જવાબદારી છે, જો ફરી એકવાર પુરવઠાને અસર થાય છે તો દરેક પ્રકારની બ્રાન્ડની કિંમતોમાં વધારો થઈ શકે છે.
- Advertisement -
ગ્રેહાઉંડ રિસર્ચના મુખ્ય વિષ્લેષક સંચિત વીર ગોગાના અનુસાર જુદી જુદી વસ્તુઓમાં કિંમતમાં 20થી 30 ટકાનો વધારો થઈ શકે છે. જોકે પુરવઠા સંબંધી સમસ્યા દૂર થઈ જાય છે તો ભાવમાં વધારો 15 ટકા રહી શકે છે. ટેલિવિઝન બનાવનારી કંપની વીડિયોટેકસ ઈન્ટરનેશનલના ડિરેકટર અર્જુન બજાજનું કહેવું છે કે ભારત મોટા પ્રમાણમાં કાચા માલ માટે ચીન પર નિર્ભર છે. કેટલીક કંપનીઓ પાસે એકથી દોઢ મહિનો ચાલે તેટલો સ્ટોક હશે. જો ચીનમાં લોકડાઉન લંબાય તો ઉદ્યોગોને અસર થશે. જો લોકડાઉન લાંબુ ખેંચાય તો ટીવીની કિંમતમાં 7થી 10 ટકા વધારો થઈ શકે છે.


