નવસારીમાં ભયાનક પૂરથી 2000 લોકોનું સ્થળાંતર
સુરતમાં બીજીવાર ખાડીપૂર : 3 જિલ્લામાં રેડ એલર્ટ
- Advertisement -
ગતરોજથી જ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યાં છે. વલસાડમાં આભ ફાટ્યુ હોય તેમ ઉમરગામ તાલુકામાં 35.67 ઇંચ, કપરાડામાં 29, નાનાપોઢામાં 25.31, ધરમપુરમાં 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં રાતના 1થી સવારના 6 વાગ્યા સુધીમાં જ 17.44 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 179 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પણ સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે.
બીજી તરફ, સુરતમાં ખાડીઓ ઓવરફ્લો થતાં સારોલી પોલીસ સ્ટેશન સહિત અનેક સોસાયટીઓ જળમગ્ન બની છે. સણિયા હેમદ ગામમાં ખાડીપૂરના 10થી 15 ફૂટ જેટલાં પાણી ભરાઈ જતાં ખોડિયાર માતાનું મંદિર પણ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયું છે. લોકો ઘરોમાં કેદ થઈ ગયાં છે. આકાશી આફતના કારણે અમદાવાદ-મુંબઈ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં 7 ટ્રેનો રદ કરાઈ છે અને નવસારીમાં 50 હજારથી વધુ મુસાફરો અટવાયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે SEOC ખાતેથી મંત્રીઓ અને સિનિયર IAS અધિકારીઓને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારી દીધા છે. આજે (23 જુલાઈ) મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે 11 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : ઘરોમાં પાણી ઘૂસ્યા, અંડરબ્રિજ બંધ
અમદાવાદમાં વહેલી સવારે 3.30 વાગ્યાથી શરૂ થયેલા ધીમીધારના વરસાદ બાદ સવારે 9 વાગ્યા પછી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. પશ્ચિમ વિસ્તારના બોપલ, જોધપુર, સેટેલાઈટ, એસજી હાઈવે અને આંબાવાડીમાં માત્ર 1 કલાકમાં 2 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે બોપલમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં અને સ્ટર્લિંગ સિટી સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત, પીપળેશ્વર સોસાયટી બહાર રોડ જળમગ્ન થવાની સાથે ડી કેબિન અને અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે, જેનાથી સમગ્ર શહેરમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે અને વાહનચાલકો તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
આકાશી આફતથી રેલવે વ્યવહાર ઠપ્પ, અમદાવાદ-મુંબઈ રૂટની 7 ટ્રેનો રદ
દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાતાં વેસ્ટર્ન રેલવેનો વ્યવહાર ગંભીર રીતે ખોરવાઈ ગયો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ રૂટની 7 મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે. ટ્રેન સેવાઓ ખોરવાતાં નવસારીથી સુરત અને વાપી તરફ રોજગારી માટે અપડાઉન કરતા 50 હજારથી વધુ પાસ હોલ્ડરો અને નોકરિયાતો સ્ટેશન પર અટવાઈ પડ્યા છે. તંત્ર કે એસ.ટી. નિગમ દ્વારા કોઈ વૈકલ્પિક બસ વ્યવસ્થા ન કરાતાં મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, રેલવે પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કરી રદ થયેલી ટ્રેનોનું રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.




