નૃસિંહ પ્રાગટ્ય, રૂકમણી વિવાહ અને કાનગોપી રાસ સહિતના વિવિધ ઉત્સવો યોજાશે
ગ્રામજનોમાં સપ્તાહને લઈને અનેરો ધાર્મિક આનંદ છવાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામના નૃસિંહ મંદિરના પ.પૂ. વિજયરામદાસજી મહારાજ, બલરામદાસજી મહારાજ, સર્વે સેવકગણ અને અરડોઈ ગ્રામજનો દ્વારા તા. 17 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહમાં વ્યાસ પીઠ ઉપર જૂનાગઢ નિવાસી શાસ્ત્રી નરેન્દ્રપ્રસાદ બી.જોષી બિરાજમાન થશે. કથાનો સમય સવારના 9 થી 12 અને બપોરના 3 થી 6 કલાકનો છે.
17 એપ્રિલથી શરૂ થતી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વિવિધ ઉત્સવો ઉજવવામાં આવશે. જેમાં 17 એપ્રિલના પોથીજી યાત્રા, 18 એપ્રિલના કપિલ જન્મ, 19 એપ્રિલના નૃસિંહ પ્રાગટ્ય, 20 એપ્રિલના વામન પ્રાગટ્ય, રામ જન્મ, કૃષ્ણ પ્રાગટ્ય, 21 એપ્રિલના કૃષ્ણલીલા તથા ગિરિરાજ પુજન, 22 એપ્રિલના રૂકમણી વિવાહ અને 23 એપ્રિલના પરિક્ષિત મોક્ષ સહિતના ઉત્સવો કથામાં યોજાશે. આ ઉપરાંત તા. 21 એપ્રિલના રોજ રાત્રિના 9 કલાકે સેવંત્રાવાળા પોલાભાઈ આહિરની ઉપસ્થિતિમાં કાનગોપી રાસ કાર્યક્રમ યોજાશે. તેમજ કથા દરમિયાન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત આસપાસના ગામોમાં ગ્રામજનોના જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં કોટડાસાંગાણી, રાજગઢ, માણેકવાડા અને હડમતાળા ગામનો સમાવેશ થાય છે. સપ્તાહ રૂપી મહોત્સવને ઉજવવા માટે ગામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. ભાગવત સપ્તાહનો લાભ લેવા માટે નૃસિંહ મંદિરના મહંત ઉપેન્દ્રદાસજી મહારાજ તથા પુજારી જગદીશદાસજીએ સર્વે ભક્તગણોને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે.


