મોદીજીના દરેક કામ પાછળ અનુભવ અને અભ્યાસનો નિચોડ જોવા મળે છે, માટે જ તેઓ મુશ્કેલ કામના બાદશાહ માનવામાં છે

એ વાત ન માનશો કે આ વ્યક્તિએ ક્યારેક ચા વેચી હશે કે તેમની માતાએ ક્યારેક બીજાના ઘરનાં વાસણ સાફ કર્યા હશે. એ વાત પણ ન માનશો કે આ વ્યક્તિ ભૂતકાળમાં હિમાલયમાં જીવન જીવી આવ્યો હશે. એ વાતનો પણ વિશ્વાસ ન કરશો કે આ વ્યક્તિએ રાજકારણમાં ઊંચાઈઓ હાંસલ કરવા એક સમયે પક્ષનાં કાર્યક્રમોમાં ખુરશી અને ગાદલાં પાથર્યા હશે. નેતાઓ-કાર્યકર્તાઓનાં કપડાં ધોયા હશે.

લેકિન, ક્ધિતુ, પરંતુ એ વાત તો માનશોને કે આ વ્યક્તિએ એક એવા ગરીબ અને પછાત પરિવારમાં જન્મ લીધો છે જે વ્યક્તિના પરિવારમાંથી કે સગાસંબંધીઓમાંથી કોઈપણ રાજકારણ કે વેપારજગત સાથે જોડાયેલું ન હતું, એ વાત પણ માનશોને કે આ વ્યક્તિ કોઈ જ મોંઘી સ્કૂલ કે કોલેજમાં ભણવા પણ નથી ગઈ, એમનો કોઈ એવો ગોડફાધર પણ ન હતો જે તેમના વ્યક્તિત્વને પારખી યોગ્ય પડાવ કે મુકામ સુધી પહોંચાડવામાં મદદ કરે. આટલું માનવા કે ન માનવા છતાં પણ..

તમે આ વ્યક્તિનો આત્મવિશ્વાસ, ઈરાદાઓ, હિંમત અને લક્ષ્ય જૂઓ તો તમને ખ્યાલ આવશે કે જાહેર જીવનમાં તેમણે પોતાની જાતને ક્યારેય નીચી, ગરીબ, પછાત, અશિક્ષિત કે દયાને પાત્ર બનવા નથી દીધી. જીવનમાં તેમણે જે પણ પ્રાપ્ત કર્યું તે માત્ર પોતાની મહેનત અને જીદથી મેળવ્યું છે. તેમના મજબૂત ઈરાદા અને ઈચ્છાશક્તિમાં સત્યાવીસ વર્ષ પહેલા જે દૃઢતા હતી તે જ દૃઢતા આજે પણ છે, જે દેશપ્રેમ, રાષ્ટ્રભાવ, જનસ્નેહ વર્ષો પહેલાં હતા તે આજે પણ એટલા જ પ્રમાણમાં જોવા મળે છે.

આ જ કારણોસર હાવર્ડ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીઓની કોઈપણ ડિગ્રી મેળવ્યા વિના કે ડિપ્લોમાનો અભ્યાસ કર્યા વિના આ વ્યક્તિ એક ગરીબ મજૂરથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ સુધી દરેકને પૂરા આત્મવિશ્વાસ સાથે મળી શકે છે, શિષ્ટતા, શાલિનતાથી તેમનાં સ્તર-કક્ષા મુજબ વાતચીત કરી શકે છે, સૌ સમક્ષ આપણી સંસ્કૃતિ, ધર્મ અને સમાજને કેન્દ્રમાં રાખીને એક મજબૂત, સમૃદ્ધ અને આશાઓથી ભરેલા નવા ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે.

આ વ્યક્તિ ભાષા, જ્ઞાન અને ટેકનોલોજીનો પણ બધી જ પ્રકારે ઉપયોગ કરીને આગળ વધે છે કે જેનો સ્વીકાર કરવામાં એક સામાન્ય માણસ અચકાતો હોય છે. તેમણે ટ્વીટર, ફેસબૂક અને ઈન્સ્ટ્રાગ્રામ જેવા પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવવા માટે ભારતીય રાજકારણના ટોચના નેતૃત્વને ફરજ પાડી છે. આ વ્યક્તિ તેના સમયથી ચાર ડગલાં આગળ ચાલીને આજે ટેલી પ્રોમ્પ્ટરથી વાત કરે છે, ટેકનોલોજીના માધ્યમથી મંચ પર ચાલતા-ચાલતા દેશના કરોડો લોકો સાથે સંવાદ કરે છે, ટેલીકોન્ફરન્સ દ્વારા દેશના ગરીબો, ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વેપારીઓ સાથે સીધી વાતચીત કરી સમસ્યાઓનું સમાધાન મેળવે છે અને તેમના પ્રશ્નોના જવાબ આપે છે, બ્લોગ લખે છે, સતત ટીવી અને અખબારોને ઈન્ટરવ્યૂ આપે છે, રેડિયો પર ’મન કી બાત’ જેવા પ્રોગ્રામ દ્વારા લોકોની સાથે જોડાય છે અને હવે નમો એપ્લિકેશન તેમજ નમો ટીવી પણ..

આ વ્યક્તિ જે કામ નથી કરતી એ કામ પણ જાણવા યોગ્ય છે. તેઓ જનસભામાં પોતાના ફાટેલા ખિસ્સામાં હાથ નાખીને નથી દેખાડતા, તેઓ બુલેટ પ્રુફ અરીસાની પાછળ કે કાગળમાં જોઈને ભાષણ નથી આપતા, તેઓ વિશ્વની કોઈપણ ચર્ચામાં વાત કરતા અટકતા-ખચકાતા નથી, તેઓ તેમની રેલીઓ બાદ કૂદકો લગાવી સ્ટંટ નથી કરતા. તેઓ બીજા નેતાઓની જેમ ગોળ-ગોળ નહીં પણ એક અનુભવી નેતાની માફક કોઈપણ લોભ-લાલચ આપ્યા વિનાની સ્પષ્ટ-સત્ય-સીધી વાત કરે છે, તેઓ તેમના કોઈપણ કાર્યક્રમમાં અસ્તવ્યસ્ત દાઢી-વાળ કે કપડાં સાથે નથી જતા અને સૌથી મહત્વનું કે તેઓ રાજકારણમાં ટાઈમપાસ માટે નહીં પરંતુ એક ચોક્કસ વિઝન-મિશનથી જોડાયેલા છે. તેમના રાજકારણની ડિક્ષનરીમાં બ્રેક, ઈન્ટરવલ કે રેસ્ટ જેવા શબ્દોને કોઈ સ્થાન નથી અને આ કારણે જ પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં તેમણે પંદર વર્ષ બરાબર કામ કરીને બતાવ્યું છે.

આ કારણોસર એક ભારતીય નાગરિક તરીકે આવનારી ચૂંટણીનાં પરિણામોથી અજાણ મારું એવું માનવું છે કે ખરેખર મોદીજીએ તેમના શાસનકાળ દરમિયાન ભારત માટે સાત વર્ષોમાં જે કઈપણ વિકાસના કામો કર્યા છે, તે આવનારા પચાસ વર્ષો સુધી પણ ભૂલી શકાય તેમ નથી. તેવા સમયગાળાની અંદર તેઓ જો ફરી શાસન ઉપર આવે તો આ કાર્યકાળ ભારત માટે એક સુવર્ણયુગ તરીકે સાબિત થશે. આ વ્યક્તિ પોતાના કામ, સમય અને યોજનાઓને લઈને કેટલો જાગૃત છે તેની ઝલક આપણે એનાં દરેક કાર્યક્રમોમાં જોઈએ છીએ કે જેમાં તેમની હાજરી હોય છે.

મોદીજીના દરેક કામ પાછળ અનુભવ અને અભ્યાસનો નિચોડ જોવા મળે છે. માટે જ તેઓ મુશ્કેલ કામના બાદશાહ માનવામાં છે. જેવી રીતે મોદીજી ખુદ સમય કરતાં આગળ ચાલે છે તેવી જ રીતે તેઓ દેશને પણ આગળ લાવવા-ચલાવવા લઈ જવા ઈચ્છે છે. હું એમ નથી કહેતો કે મોદીજી વિના ભારત નહીં ચાલે. મોદીજી વિના પણ ભારત ચાલતું જ હતું અને મોદીજી નહીં હોય તો પણ ભારત તો ચાલશે જ, પણ કેવી રીતે ચાલશે? જેવી રીતે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ચાલે છે.