698 પેજની અરજીમાં પત્રકારત્વ અને ઈન્વેસ્ટિગેટિવ વર્ક સામે જોખમ હોવાનો દાવો NDTV, ઇન્ડિયન એક્સપ્રેસ સહિત 21 મીડિયા હાઉસની અરજી
- Advertisement -
કેન્દ્ર સરકારના પ્રાઇવસી માટેના નવા કાયદા સામે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની માલિકીની કંપનીઓ સહિત આશરે ૨૧ જેટલી દિગ્ગજ મીડિયા કંપનીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન (DNPA) દ્વારા આ કાયદા સામે અપીલ દાખલ કરવામાં આવી છે. અરજદારોની દલીલ છે કે આગામી મે ૨૦૨૭થી પ્રાઇવસી કાયદાના જે સુધારાઓ અમલી બનવા જઈ રહ્યા છે, તે મીડિયાની સ્વતંત્રતા પર સીધી અસર કરે છે, તેથી તેને રદ કરવામાં આવે. અત્યાર સુધી માત્ર એક્ટિવિસ્ટ્સ કે નાના જૂથો દ્વારા જ આ કાયદાને પડકારવામાં આવતો હતો, પરંતુ પહેલીવાર મોટી મીડિયા કંપનીઓ આ વિરોધમાં સામે આવી છે. આ અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
૬૯૮ પાનાની આ અપીલમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારનો આ નવો કાયદો પત્રકારોને પોતાના વિશ્વસનીય સૂત્રો (સોર્સ) જાહેર કરવા માટે મજબૂર કરશે, જેના કારણે ઈન્વેસ્ટિગેટિવ પત્રકારત્વનો અંત આવી જશે. કાયદાની કેટલીક જોગવાઈઓ સેન્સરશિપ સમાન છે, જે લોકશાહી દેશ માટે અભિશાપ ગણાઈ શકે. ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન લૉ” તરીકે ઓળખાતા આ પ્રાઇવસી કાયદા હેઠળ જો કોઈ પત્રકાર કોઈની તપાસ કરવા માગે તો પહેલા સંબંધિત વ્યક્તિની મંજૂરી લેવી પડશે અને પછી જ રિપોર્ટ તૈયાર કરી શકાશે. જો આવું કરવામાં આવે તો ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ તૈયાર જ નહીં થઈ શકે અને પુરાવાઓનો નાશ થઈ જશે. સાથે જ પબ્લિશર્સને સ્ટોરીઓ હટાવવા માટે પણ મજબૂર કરવામાં આવી શકે છે.
અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ અને પ્રી-સેન્સરશીપનો ભય
કોઈપણ અહેવાલ પ્રકાશિત કરતા પહેલા સંબંધિત વ્યક્તિ, સંસ્થા કે સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવી એ સીધેસીધી મીડિયા પર અઘોષિત પ્રી-સેન્સરશીપ લાદવા સમાન છે. લોકશાહીમાં મીડિયા ચોથી જાગીર છે, જેનું મુખ્ય કાર્ય સત્તા અને વહીવટી તંત્ર સામે પારદર્શિતા જાળવવાનું અને જનહિત ઉજાગર કરવાનું છે. જો ભ્રષ્ટાચાર કે અનિયમિતતા સામે અહેવાલ આપવા અગાઉથી સંમતિ લેવી પડે, તો કોઈ સત્તાવાળા પોતાના દોષ સામે મંજૂરી ક્યારેય નહીં આપે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બંધારણના અનુચ્છેદ 19(1)(A) હેઠળ મળેલા પાયાના વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
- Advertisement -
ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ અને જનહિતના અહેવાલોનું ભવિષ્ય જોખમમાં
ડેટા કાનૂન હેઠળ પૂર્વ મંજૂરીની શરત લાગુ કરવાથી સંશોધનાત્મક પત્રકારત્વનો મૂળ પાયો જ નષ્ટ થઈ જશે. સ્કેમ, પ્રજાના નાણાંનો દુરુપયોગ કે જનઆરોગ્યને સ્પર્શતી બેદરકારી જેવા સંવેદનશીલ વિષયોમાં ત્વરિત સત્ય બહાર લાવવું અનિવાર્ય હોય છે. જો દરેક બાબતમાં પૂર્વ મંજૂરી મેળવવાની ફરજ પડાશે, તો વ્હિસલબ્લોઅર્સની ઓળખ જોખમાશે અને સરકારી દફતરોની ફાઇલોમાં મહત્વના પુરાવા દબાઈ જશે. મીડિયા સંયમિત અને જવાબદાર રિપોર્ટિંગ માટે કટિબદ્ધ છે, પરંતુ મંજૂરીની આચારસંહિતા પત્રકારોના હાથ બાંધી દેશે અને આખરે સામાન્ય પ્રજા સાચા સમાચાર જાણવાના અધિકારથી વંચિત રહેશે.
ડિજિટલ યુગમાં વાસ્તવિકતા અને સંતુલિત નિયમનની જરૂરિયાત
ડિજિટલ ક્રાંતિના યુગમાં મિનિટે-મિનિટે ઘટનાઓ બદલાય છે ત્યારે પૂર્વ મંજૂરી મેળવવાની પ્રક્રિયા વ્યવહારુ રીતે અશક્ય અને વિલંબકારી છે. કોઈપણ પક્ષનો પક્ષ જાણવો એ નૈતિક પત્રકારત્વનો ભાગ છે અને મીડિયા સામેલ પક્ષોની પ્રતિક્રિયા હંમેશા સામેલ કરે જ છે, પરંતુ તેને ‘આગોતરી મંજૂરી’નું કાનૂની સ્વરૂપ આપી દેવું અન્યાયી છે. ડેટા પ્રાઇવસી અને ગોપનીયતાનું રક્ષણ ચોક્કસપણે જરૂરી છે, પરંતુ તેની આડમાં મીડિયાની સ્વાયત્તતા છીનવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ વ્યક્તિગત પ્રાઇવસી અને પ્રેસની સ્વતંત્રતા વચ્ચે યોગ્ય સંતુલન બનાવી મીડિયાના અસ્તિત્વને સુરક્ષિત રાખશે તેવી આશા છે.
યુરોપ સહિતના લોકશાહી દેશોમાં મીડીયાને ડેટા-કાનૂનમાં પાબંધી નથી
યુરોપિયન યુનિયનના અત્યંત કડક જીડીપીઆર સહિત વિશ્વના મોટાભાગના લોકશાહી દેશોમાં ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ મીડિયા અને પત્રકારત્વના કામકાજને સ્પષ્ટ છૂટછાટ આપવામાં આવી છે. વૈશ્વિક સ્તરે એ સિદ્ધાંત સ્વીકારાયો છે કે ગોપનીયતાના નિયમો જનહિતના સમાચાર રોકવા માટેનું હથિયાર ન બનવા જોઈએ. ભારતીય મીડિયા પણ આ જ વૈશ્વિક ધોરણોને અનુસરી કાયદામાં લેખિત સુધારા દ્વારા સ્પષ્ટ રક્ષણની માંગ કરી રહ્યું છે. જો કાયદામાં સ્પષ્ટ અપવાદ નહીં અપાય, તો પત્રકારો પર સતત કાનૂની અડચણો ઊભી થશે. તેથી લોકશાહીની ગરિમા જાળવવા માટે સંસદ અને અદાલત દ્વારા મીડિયાને પૂર્વ મંજૂરીમાંથી કાનૂની સુરક્ષા આપવી અનિવાર્ય છે.




