થૂંકવા બાબતે યુવાને ધક્કો મારી પછાડ્યા : સામસામે લાફાવાળી
વિડીયો વાયરલ થયા બાદ બંને પક્ષ વચ્ચે થઇ ગયું સમાધાન
- Advertisement -
રાજકોટ શહેરમાં ચોટીલા સ્થિત પ્રખ્યાત આપાગીગાના ઓટલાના મહંત અને ભાજપના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકી (નરેન્દ્ર બાપુ) સાથે આનંદ બંગલા ચોક નજીક એક બાઇકચાલક યુવાનની જાહેરમાં માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી છે. ચાલુ વાહને થૂંકવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની હતી અને બંને પક્ષે સામસામે લાફાવાળી તેમજ ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. જોકે, ઘટના બાદ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજાવટથી સમાધાન થઈ જતાં મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો ન હતો.
આ ઘટના અંગે નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, તે સાંજના સમયે આનંદ બંગલા ચોક પાસેથી પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમણે રસ્તા પર થૂંકતાં પાછળ બાઇક લઈને આવી રહેલા એક અજાણ્યા યુવાન પર તે ઉડ્યું હતું. પાછળ આવતા વાહનચાલક પર થૂંક ઉડતાં તે સ્વાભાવિક રીતે ઉશ્કેરાઈ ગયો હતો અને એક્ટિવા રોકાવીને બોલાચાલી કરવા લાગ્યો હતો. મામલો એટલો બીચક્યો હતો કે યુવાને ઉશ્કેરાટમાં આવીને નરેન્દ્ર બાપુને ધક્કો મારી નીચે પછાડી દીધા હતા.ધક્કો મારી નીચે પછાડી દેતાં મહંતે ઉભા થઈને યુવાનને લાફો માર્યો હતો, જેના વળતા જવાબમાં યુવાને પણ મહંતને લાફો ઝીંકી દીધો હતો. ગુસ્સામાં મહંતે યુવાનને લાકડીથી પણ ફટકાર્યો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, થોડીવાર ચાલેલી આ ઝપાઝપી બાદ બંને પક્ષોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને પરસ્પર સમાધાન કરી લીધું હતું. નરેન્દ્ર સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે, આ નજીવી બાબત હતી અને બંને વચ્ચે વાત પૂરી થઈ ગઈ હોવાથી તેમણે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી.




