NIAએ ચાર્જશીટમાં કહ્યું હતું- હાફિઝે જ પહેલગામ હુમલાનું કાવતરું ઘડ્યું હતું
જમ્મુની સ્પેશિયલ કોર્ટે લશ્કર-એ-તૈયબાનો આતંકી હાફિઝ સઈદ વિરુદ્ધ પહેલગામ આતંકી હુમલાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કોર્ટે કહ્યું કે નિષ્પક્ષ તપાસ માટે હાફિઝ સઈદને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી પડશે. કોર્ટે 8 જુલાઈએ જારી કર્યું હતું, જોકે માહિતી મંગળવારે સામે આવી છે. 6 જુલાઈએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પહેલગામ હુમલાને લઈને પૂરક ચાર્જશીટ રજુ કરી હતી. એજન્સીએ કહ્યું હતું કે બૈસરનઘાટીમાં થયેલા આતંકી હુમલાનું કાવતરું હાફિઝ સઈદે જ રચ્યું હતું. NIAએ હાફિઝ પર ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ લગાવ્યો છે.
- Advertisement -
22 એપ્રિલ 2025ના રોજ આતંકવાદીઓએ પહેલગામની બૈસરન ઘાટીમાં ગોળીબાર કર્યો હતો. પ્રવાસીઓનો ધર્મ પૂછીને તેમની હત્યા કરવામાં આવી હતી. હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પાકિસ્તાન અને PoKમાં 9 ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ભારતનો દાવો છે કે, આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પ્રથમ ચાર્જશીટ 15 ડિસેમ્બરે રજુ કરવામાં આવી.
પહેલગામ હુમલા બાદ NIAએ 15 ડિસેમ્બર 2025ના રોજ પ્રથમ ચાર્જશીટ રજુ કરી હતી. તેમાં પાકિસ્તાનના આતંકી હેન્ડલર સાજિદ જટ સહિત 6 આતંકીઓને આરોપી બનાવ્યા હતા. તે સમયે હાફિઝ સઈદનું નામ સામે આવ્યું ન હતું. પહેલગામ હુમલાના 3 આતંકીઓ માર્યા ગયા છે. આતંકીઓનો હેન્ડલર સૈફુલ્લાહ જટ ઉર્ફ લંગડા હજુ જીવતો છે. તેના પર 10 લાખનું ઇનામ છે.




