· રાજકોટમાં ૧૦૦ ટકા કોવિડ વેક્સીનેશનની કામગીરીને પ્રાથમિકતા
· લોકપ્રશ્નોનાં ઝડપી ઉકેલ અને લોક્સુખાકારીની બાબતો અંગે ચૂંટાયેલી પાંખ સાથે સંકલન કરી તેઓના ફીડબેક સાથે કામગીરી પર ભાર મુકાશે
· રાજકોટમાં હાલ પ્રગતિમાં રહેલા તમામ મોટા પ્રોજેક્ટ્સ સમયબધ્ધરીતે પૂર્ણ થાય એ માટે કાળજી લેવાશે
· તમામ શાખાધિકારીશ્રીઓ સાથે પરિચય બેઠક પણ યોજી
· નવનિયુક્ત નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમારે પણ ચાર્જ સંભાળ્યો
રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. ૨૪-૬-૨૦૨૧નાં રોજ સવારે પોતાનો પદભાર સંભાળી લીધો હતો. આ સાથે તેઓએ પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ કમિશનરએ તમામ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી સૌનો પરિચય મેળવ્યો હતો અને ક્યા અધિકારી પાસે હાલ કઈ કઈ જવાબદારીઓ છે તેનો ચિતાર મેળવ્યો હતો. વિશેષમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એમ જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને નજર સમક્ષ રાખી રાજકોટમાં ૧૦૦ ટકા કોવિડ વેક્સીનેશનની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવશે.
તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોઈ તેનો સીધો સંપર્ક નાગરિકો સાથે રહે છે. લોકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ સારીરીતે પ્રાપ્ત થાય તે ખુબ જ જરૂરી છે. મનપાની સેવાઓ સંબંધી લોકપ્રશ્નોના અને લોક્સુખાકારીની બાબતો અંગે ચૂંટાયેલી પાંખ સાથે સંકલન કરી તેઓના ફીડબેક સાથે કામગીરી પર ભાર મુકાશે. સ્વાભાવિકરીતે જ નાગરિકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ પોતાની રજૂઆત કરતા હોય છે ત્યારે પદાધિકારીઓ અને નગરસેવકઓ સાથે સંકલન અને તેઓના ફીડબેક સાથે વહીવટી તંત્ર પોતાની કામગીરી નિભાવે તે પ્રકારે આગળ ધપીશું.
સ્માર્ટ સિટી રાજકોટમાં હાલ વિવિધ ક્ષેત્રોનાં પ્રોજેક્ટ્સ ચાલી રહયા છે. હાલ પ્રગતિમાં રહેલા તમામ મોટા પ્રોજેક્ટ્સ સમયબધ્ધરીતે પૂર્ણ થાય અને નાગરિકોને વધુ ને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે કાળજી લેવાશે, તેમ પણ મ્યુનિ. કમિશનરએ કહ્યું હતું.


