RTOના નિયમોમાં મોટો ફેરફાર : 15 જુલાઈ 2026થી દેશભરમાં નવી વ્યવસ્થા અમલમાં
આધાર વિગતો મેચ થશે તો ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ, વિસંગતતા હોય તો ડ્રાઈવિંગ લાયસન્સ અને RTO ચકાસણી જરૂરી
- Advertisement -
દેશભરમાં વાહન માલિકીની તબદીલી અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવાની પ્રક્રિયાને વધુ સુરક્ષિત, પારદર્શક અને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં 15 જુલાઈ 2026થી પરિવહન પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાનો હેતુ વાહન માલિકીના રેકોર્ડમાં ચોકસાઈ લાવવાનો તેમજ અનધિકૃત ટ્રાન્સફર અને છેતરપિંડીના બનાવોને અટકાવવાનો છે. નવી વ્યવસ્થા અનુસાર હવે કોઈપણ વાહન માલિક જો પોતાના વાહનની માલિકી અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવા માંગતા હોય અથવા અન્ય રાજ્યમાં વાહન લઈ જઈને NOC મેળવવા માંગતા હોય તો સૌપ્રથમ પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડની વિગતો દાખલ કરવી પડશે. પોર્ટલ પર નોંધાયેલી માહિતી અને આધાર કાર્ડની વિગતો સંપૂર્ણપણે મેળ ખાતી હશે તો સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન જ પૂર્ણ થઈ શકશે, જેના કારણે અરજદારોને આરટીઓ કચેરીના ધક્કા ખાવા નહીં પડે અને સમયની પણ બચત થશે. જો આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલમાં નોંધાયેલી વિગતોમાં કોઈપણ પ્રકારની વિસંગતતા જોવા મળશે તો અરજદારે પોતાના ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો દાખલ કરવી પડશે. ડ્રાઈવિંગ લાયસન્સની વિગતોની ચકાસણી બાદ જ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સરકારે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે જો આરસી બુક (RC Book), ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડની વિગતોમાં પણ તફાવત હશે તો તેવા કિસ્સામાં માત્ર ઓનલાઈન પ્રક્રિયા શક્ય બનશે નહીં. અરજદારે જરૂરી દસ્તાવેજો અને આધાર-પુરાવા સાથે સંબંધિત પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) ખાતે રૂબરૂ હાજર રહીને ચકાસણી કરાવ્યા બાદ જ માલિકી ટ્રાન્સફર અથવા NOCની પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. પરિવહન વિભાગના જણાવ્યા મુજબ આ નવી આધાર આધારિત ઓનલાઈન વેરિફિકેશન સિસ્ટમથી વાહન માલિકીના રેકોર્ડ વધુ વિશ્વસનીય બનશે. સાથે જ બોગસ દસ્તાવેજોના આધારે વાહન ટ્રાન્સફર, ખોટી ઓળખના આધારે માલિકી બદલવાના પ્રયાસો તેમજ અન્ય પ્રકારની છેતરપિંડી પર અસરકારક નિયંત્રણ લાવી શકાશે. સરકારનો દાવો છે કે આ સુધારાથી વાહન માલિકોની સુરક્ષા વધશે, પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને ટ્રાન્સફર તથા NOC મેળવવાની પ્રક્રિયા પહેલાં કરતાં વધુ ઝડપી અને સરળ બનશે.




