સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મનોવિજ્ઞાન ભવનનું ડિપ્રેશન ઉપર નૂતન સંશોધન
180 વિદ્યાર્થીઓ પર કરાયો પ્રયોગ
- Advertisement -
15 દિવસની ‘મ્યુઝિક થેરાપી’થી ડિપ્રેશન અને ગુસ્સામાં થયો અકલ્પનીય ઘટાડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજના ભાગદોડભર્યા અને તણાવપૂર્ણ યુગમાં માનસિક સ્વાસ્થ્ય જ્યારે એક વૈશ્વિક પડકાર બની રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક અત્યંત આશાસ્પદ સંશોધન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ભવનના પ્રો. ડો. યોગેશ એ. જોગસણ અને ડો. ધારા આર. દોશી ના માર્ગદર્શન હેઠળ સંશોધક વિદ્યાર્થીની ઉન્નતિ દેસાઈ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં સાબિત થયું છે કે ભારતીય શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય સંગીત દ્વારા ડિપ્રેશન અને આવેગશીલતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.
આ સંશોધન માટે ઉચ્ચતર માધ્યમિક શાળાની 180 વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી હતી. ‘પ્રી-ટેસ્ટ’ અને ‘પોસ્ટ-ટેસ્ટ’ પદ્ધતિ દ્વારા કરવામાં આવેલા આ પ્રયોગમાં સતત 15 દિવસ સુધી 20 થી 30 મિનિટ માટે શાસ્ત્રીય રાગો, ધ્યાન અને શ્વાસ-તાલનો સમન્વય ધરાવતી મ્યુઝિક થેરાપી આપવામાં આવી હતી. 15 દિવસના ટૂંકા ગાળામાં જ વિદ્યાર્થીનીઓના માનસિક સ્તરમાં અકલ્પનીય સુધારો જોવા મળ્યો હતો. જેમાં ડિપ્રેશનનો આંક 21.00 થી ઘટીને 11.76 થયો (આશરે 27% સુધારો) આવેગશીલતાના આંકમાં 14.60 થી ઘટીને 10.22 નોંધાયો (આશરે 22% સુધારો) માનસિક સુખકારીની સ્થિતિ 77.62 થી વધીને 83.36 પર પહોંચી ગયો હતો.
- Advertisement -
જ્યારે શબ્દો નિષ્ફળ જાય છે ત્યારે સંગીત કામ કરે છે: ડૉ. યોગેશ એ. જોગસણ
ડો. યોગેશ એ. જોગસણે જણાવ્યું હતું કે, “જ્યારે શબ્દો નિષ્ફળ જાય છે ત્યારે સંગીત કામ કરે છે. શાસ્ત્રીય સંગીત મગજના તરંગો સાથે તાલમેલ સાધે છે, જે અચેતન મનમાં દબાયેલા તણાવને મુક્ત કરે છે. ભવનના અધ્યક્ષ ડો. ધારા આર. દોશી એ ઉમેર્યું કે, “આ સંશોધન સાબિત કરે છે કે જો રોજિંદા જીવનમાં સંગીતને ચોક્કસ પદ્ધતિથી વણી લેવામાં આવે, તો ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાઓથી દવા વગર બચી શકાય છે. ગઝલ, ભજન અને સૂફી સંગીત પણ માનસિક શાંતિ માટે આશીર્વાદરૂપ છે.” સ્ટેનફોર્ડ અને ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી જેવા વૈશ્વિક અભ્યાસો પણ આ સંશોધનને સમર્થન આપે છે. આ સંશોધન સૂચવે છે કે જો શિક્ષણ અને ચિકિત્સા ક્ષેત્રે મ્યુઝિક થેરાપીનો વ્યાપ વધારવામાં આવે તો સમાજને એક નવી માનસિક તંદુરસ્તી મળી શકે છે.



