બીચ ચોપાટી ડેવલપમેન્ટ, આવાસ યોજના અને જીમ સેન્ટર સહિતના પ્રકલ્પોની ભેટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને પ્રવાસન અને ચોરવાડ નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રવાસન નિગમ દ્વારા રૂ. 4.70 કરોડના ખર્ચે નિર્મિત હોલીડે કેમ્પ બીચ ચોપાટી લક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન શહેરી સુખાકારી માટે રૂ. 604 લાખના ખર્ચે તૈયાર થયેલી આવાસ યોજના કાર્યરત કરી 151 લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ચોરવાડમાં રૂ. 150 લાખના ખર્ચે બનનારા આધુનિક જીમ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તથા વોર્ડ નંબર 1 થી 6 માં રૂ. 140 લાખના ખર્ચે સીસી રોડ અને પેવર બ્લોકનું તેમજ રૂ. 95 લાખના ખર્ચે સિટી લાઈટનું લોકાર્પણ કરાયું. તેમજ રૂ. 80 લાખના ખર્ચે ભૂગર્ભ ગટર વાહનો, નવો બગીચો અને આંગણવાડી કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ચોરવાડમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આકર્ષાય તે માટે પ્રવાસનલક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયા છે. જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીનું મોટાપાયે સર્જન થાય છે. ચોરવાડના વિકાસ માટે આગેવાનોએ જોયેલા સ્વપ્નો હવે સાકાર થઈ રહ્યા છે. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર દરિયાકાંઠે કરાઈ રહેલા પ્રવાસન વિકાસની માહિતી આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, વેરાવળ નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ, ચોરવાડ નગરપાલિકા પ્રમુખ બેનાબેન ચુડાસમા, માંગરોળ નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા અને માધાભાઈ બોરીચા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.



