નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બનતાની સાથે જ ઉન્નતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલ્યા:રાજુભાઇ ધ્રુવ

ગુજરાતે હેતથી નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્રમાં મોકલ્યા અને નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રમાં રહ્યું ગુજરાતનું હિત:રાજુભાઇ ધ્રુવ

એઈમ્સ, એરપોર્ટ, બુલેટ ટ્રેન, રક્ષાશક્તિ યુનિ. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ફેરી સર્વિસ, રેલ્વે સ્ટેશન.. કેન્દ્ર-રાજ્યની ડબલ એન્જીન ભાજપ સરકાર એક અને ફાયદા અનેક:રાજુભાઇ ધ્રુવ

આવતીકાલે લોકશાહીના મહાપર્વમાં સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર કમળ ખીલવવા મતદારોને રાજુભાઈ ધ્રુવની અપીલ

કિસાન સન્માન નિધિ, આયુષમાન ભારત, સુક્ધયા સમૃદ્ધિ યોજના, જીવનજ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના, ઉજ્વલા યોજના, આવાસ યોજના વગેરેનો લાભ આપવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી-મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ડબલ એન્જીન ભાજપ સરકારે અગ્રીમ ભૂમિકા નિભાવી:રાજુભાઇ ધ્રુવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા જનહિતલક્ષી અનેકવિધ યોજનાઓનો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા સુદૃઢ રીતે અમલ થઈ રહ્યો છે. જેના પ્રભાવક પરિણામો આપણને સૌને પ્રાપ્ત થઈ રહ્યાં છે. ગુજરાતમાં વિક્રમજનક રીતે સતત 12 વર્ષ સુધી વિકાસલક્ષી ગુડ ગવર્નન્સ દ્વારા દેશ- દુનિયાને વિકાસનું ‘ગુજરાત મોડલ’ આપનારા ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બનતાં ગુજરાતની ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગો ખુલી ગયા છે. આજે મોદીમંત્ર જોવા મળી રહ્યો છે. મોદીમંત્ર એટલે રાષ્ટ્રનું હિત, રાષ્ટ્રનો વિકાસ, રાષ્ટ્રની સુરક્ષા.. મારો, તમારો, સૌ કોઈનો મત મોદીમંત્રને મળવો જોઈએ.
ગુજરાતે હેતથી નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્રમાં મોકલ્યા અને નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રમાં રહ્યું ગુજરાતનું હિત. ગુજરાતને જાણે મોસાળે જમણ અને મા પીરસનાર હોય એમ અનેક યોજનાઓનો લાભ સૌથી પહેલા અને સૌથી વધુ મળ્યો છે. નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર-રાજ્યની ડબલ એન્જીન ભાજપ સરકાર એક છે અને તેના ફાયદા અનેકાનેક છે. ગુજરાત અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ 1960થી વર્ષ 2013 સુધીમાં કોંગ્રેસી કેન્દ્ર સરકારો કે કોંગ્રેસના ના વડાપ્રધાનો તરફથી ગુજરાતને જેટલું નહોતું મળ્યું એટલું નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યાના આઠ વર્ષમાં ગુજરાતને ભેટ આપ્યું છે. 12મી જૂન, 2014નો દિવસ ગુજરાત અને પ્રત્યેક ગુજરાતી માટે યાદગાર અને ઐતિહાસિક બની ગયો હતો. ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાનનો પદભાર સંભાળ્યો હતો અને તેના 16માં જ દિવસે ગુજરાત સરકારની નર્મદા સરોવર ડેમ ઉપર 30 દરવાજા મૂકવાની વર્ષો જૂની ગુજરાતની રજૂઆતને ભારત સરકારે મંજૂરીની મહોર મારી દીધી હતી. ગુજરાતના સપૂતની ગુજરાતને આપેલી આ પ્રથમ અવિસ્મરણીય ભેટ હતી. આટલું જ નહીં પરંતુ સરદાર સરોવર યોજનાને ત્રણ વર્ષમાં રૂ. 4797 કરોડની કેન્દ્રીય સહાય પણ મળી અને સરદાર સરોવર ડેમ નર્મદાના નીરથી છલકાઈ ઉઠ્યો હતો.
નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં 10,20,537 ખેડૂતોને લાભ આપ્યો છે. સામાન્ય અને સીમાંત ખેડૂતોની સબસિડી વધારી 70 ટકા અને એસસી/એસટી ખેડૂતો માટે 85 ટકા કરી આપી છે. સમગ્ર રાજ્યમાં 18,79,458 ગેસ કનેક્શનના લક્ષ્યાંકની સામે 13,67,701 (73%) કનેક્શન પૂરા પાડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ઉજાલા યોજનામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. આ યોજના અંતર્ગત 4 કરોડથી વધારે એલઈડી બલ્બ, 12 લાખથી વધારે એલઈડી ટ્યૂબલાઈટ્સ, 6 લાખથી વધારે એનર્જી એફિસિયન્ટ પંખાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતના શહેરી વિસ્તારોની 15 લાખ એલઈડી સ્ટ્રીટલાઈટમાં રૂપાંતરિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વર્ષ 2022 સુધીમાં ‘સૌના માટે આવાસ’ અન્વયે ગુજરાત રાજ્યમાં કુલ 3,11,803 આવાસોના લક્ષ્યાંક સામે છેલ્લા ચાર વર્ષમાં રૂ. 2926.28 કરોડના ખર્ચે 2,30,267 આવાસોનું નિર્માણ અને 98,367 આવાસો પ્રગતિ હેઠળ છે.
ભારત અને જાપાનના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી ટર્મિનલ ખાતે જાપાનના સહયોગથી સાકાર થનાર બૂલેટ ટ્રેનની યોજના ઝડપભેર આગળ વધી રહી છે. ભારતીય રેલવેના ઇતિહાસમાં બૂલેટ ટ્રેનનો ક્રાંતિકારી પ્રારંભ ગુજરાતની ભૂમિ ઉપર થયો. ઓખા અને બેટ દ્વારકાને જોડતા સમુદ્ર પરના કેબલ સ્ટડ બ્રિજને રૂ.963 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત 6 શહેરો માટે સ્માર્ટ સિટી પ્લાનને કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 12158 કરોડની મંજૂરી આપવામાં આવી છે જેમાં રૂ. 575 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. ભારત સરકારના રેલવે વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસ ’જી રાઈડ’ હેઠળ 12 પ્રોજેક્ટ પૈકી પ્રથમ તબક્કે 6 પ્રોજકેટને અગ્રતા આપવામાં આવી છે જેમાં છારા પોર્ટ, નાગરોળ પોર્ટ, બેડી પોર્ટ રૂ. 534 કરોડના ખર્ચે આંતરિક કનેક્ટિવિટીની સુવિધા વિકસાવાશે. રાજકોટ ખાતે રૂ. 1400 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી મળી છે. ઉડાન – રીજિયોનલ કનેક્ટિવિટી યોજના હેઠળ રાજ્યમાં 6 સ્થળોએ દૈનિક સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં 13 સ્થળોએ બુદ્ધિસ્ટ સર્કીટ વિકસાવવા માટે રૂ. 36 કરોડની સહાય આપવામાં આવી છે. વડનગર-મોઢેરા તથા પાટણ ખાતે હેરિટેજ સર્કીટ વિકસાવવા માટે રૂ 100 કરોડની સહાય કરાઈ છે. સોમનાથ અને દ્વારકા ખાતે પ્રસાદ યોજના હેઠળ અનુક્રમે રૂ. 26 કરોડ અને રૂ. 38 કરોડની સહાય અપાઈ છે. મુદ્રા યોજના અંતર્ગત ગુજરાતમાં 3 વર્ષમાં (વર્ષ 2015-16 થી 2017-18 સુધીમાં) 36,91,086 યુવા ઉદ્યોગ સાહસિકોને રૂ. 25,203 કરોડની લોન સહાય કરવામાં આવી છે. નેશનલ ફુડ સિક્યોરિટી મિશનનો રાજ્યને રૂ.106.03 કરોડની ફાળવણી અને 7.63 કરોડને લાભ અપાયો છે.
12 પસંદગી યુક્ત હેરિટેજ સિટી પૈકી દ્વારકાનો પાયલોટ પ્રોજેક્ટમાં સમાવેશ થયો છે. રેલવે મંત્રાલય દ્વારા 36 નવી ટ્રેઈન, 6 નવા એક્સટેંશન અને બે ફ્રીકવન્સી ઓફ ટ્રેઈન્સને મંજૂરી મળી છે. વડોદરામાં ભારતની પહેલી રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન યુનિવર્સિટી 2018થી શરૂ કરવામાં આવી છે. જામનગરની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનનો દરજ્જો મળ્યો છે. ગુજરાત ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેશ એપ્લિકેશન્સ એન્ડ જીયો ઈન્ફર્મેટિક્સ – બાયસેગને નેશનલ ઈન્સ્ટિટ્યૂટનો દરજ્જો મળ્યો છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટીને નેશનલ ઈન્સ્ટિટ્યૂટનો દરજ્જો મળ્યો છે. ભારત સરકાર દ્વારા ગુજરાતને, રાજકોટને એઈમ્સની ભેટ મળી છે.
ઘોઘા – દહેજ અને હજીરા-ઘોઘા વચ્ચે ફેરી સેવા શરૂ થઈ છે. ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં વધુને વધુ ખેડૂતો લાભ લેવા જોડાય તે માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના અંતર્ગત 1.19 કરોડ બચત ખાતામાં અબજો રૂપિયા જમા થયા છે. કિસાન સન્માન નીધિ યોજનામાં ગુજરાત 51.34 લાખ ખેડૂતોના ખાતામાં રૂ. 1026 કરોડ જમા થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 20 કરોડના ખર્ચે અતિ આધુનિક સવલતોથી સજ્જ રેલવે સ્ટેશનનું નિર્માણ કરાયું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ માત્ર 45 મિનીટમાં વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકાશે. નર્મદાના કિનારે સરદાર સરોવર ડેમ સન્મુખ વલ્લભભાઈ પટેલની 182 મીટર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ગુજરાતની આગવી ઓળખ ઉભી થઈ છે.
આ ઉપરાંત, આયુષમાન ભારત, સુક્ધયા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના જેવી યોજનાનો પણ લાભ ગુજરાતના લોકોને આપવામાં કેન્દ્ર અને રાજ્ય ની ડબલ એન્જીન ભાજપ સરકારે અગ્રીમ ભૂમિકા ભજવી છે. આમ ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખોબલે ને ખોબલે યોજનાકીય સહાય આપી જનજનના વિકાસ-પ્રગતિને પ્રોત્સાહિત કરી છે તેમ શ્રી રાજુભાઇ ધ્રુવે જણાવી સૌરાષ્ટ્ર બેઠક પરથી લડી રહેલા ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતી સાથે ચૂંટી કાઢી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હાથ મજબૂત કરવા વિનંતી કરી છે.