પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
- Advertisement -
રાજકોટમાં મહિલાને પેટ્રોલ છાંટી સળગાવી નાખવાના બનાવમાં પ્રદ્યુમનનગર પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી રવિ વજુ સોલંકી ઉ.35 બગસરાને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો. રવિની સગાઈની વાત ભારતીબેને પોતાની દીકરી મધુ સાથે નક્કી કર્યા પછી, સગપણ તોડી નાખતા ઉશ્કેરાયેલા રવિએ અડધી રાત્રે બારીમાંથી પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા ભારતીબેન રમેશભાઈ પરમાર ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બનાવ પછી પોલીસે જાનથી મારી નાખવાની ધમકી તથા ખુન કરવાની કોશિશની ઘટનામાં 307, 501(2) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી પ્ર.નગર પીઆઈ બી.એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.વી.ચુડાસમા અને તેમની ટીમ આરોપીની શોધખોળમાં લાગી હતી.
ઘટનનાને અંજામ આપ્યા પછી રવિ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી શહેરમાં અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો હતો. પોલીસે હ્યુમન સોર્સની મદદથી ગત રાત્રે જ આરોપીને ઝડપી લીધો હતી. હાલ રવિ રાજકોટમાં જ રહેતો અને હોસ્પિટલમાં સફાઈ કામ કરતો. તેણે અન્ય જુદી જુદી જગ્યાએ પણ કામ કર્યું છે. આ તરફ જેની સાથે તેનું સગપણ નક્કી થયું હતું, તે મધુ પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.